સતત બેવડી સિઝનના કારણે સિઝનલ રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહે પણ શહેરમાં ડેન્ગ્યૂ તાવના નવા 12 કેસ નોંધાયા હતા. જો કે, કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો નોંધાયો છે. ચીકનગુનિયાના કેસ વધ્યા છે.
ચીકનગુનિયાના બે અને મેલેરિયાનો એક કેસ નોંધાયો: શરદી-ઉધરસના 875, ઝાડા-ઉલ્ટીના 173 અને તાવના 51 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 283 લોકોને નોટિસ
આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 875 કેસ, ઝાડા-ઉલ્ટીના 173 કેસ અને સામાન્ય તાવના 51 કેસ મળી આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શરદી-ઉધરસના 19,823 કેસ, સામાન્ય તાવના માત્ર 2077 કેસ અને ઝાડા-ઉલ્ટીના 5,926 કેસ નોંધાયા છે. ટાઇફોડના માત્ર 16 કેસ કોર્પોરેશનના ચોંપડે નોંધાયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યૂના 12, ચીકનગુનિયા બે, મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો. 2022ની સરખામણીએ મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરાયો છે. નવેમ્બર-2022માં ડેન્ગ્યૂના 250 કેસ નોંધાયા હતા. જેની સરખામણી આ વર્ષે 183 કેસ આજ સુધીમાં નોંધાયા છે.
જ્યારે મેલેરિયાના 46 કેસ મળી આવ્યા હતા અને આ વર્ષે માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે ચીકનગુનિયાના કેસમાં બમણાથી પણ વધુ ઉછાળો નોંધાયો છે. ગત વર્ષે જાન્યુઆરીથી લઇ નવેમ્બર સુધીમાં ચીકનગુનિયાના માત્ર 30 કેસ નોંધાયા હતા. આ વર્ષે આ આંક 69એ પહોંચ્યો છે.
રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા એક સપ્તાહમાં 65,331 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 2911 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. રહેણાંક હેતુની 593 મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 273 સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે કોમર્શિયલ હેતુની 10 મિલકતોમાં મચ્છરનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે.