સીઝનલ રોગચાળાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના 1074 કેસ નોંધાયા હોવાની સત્તાવાર જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ભાજપના નગરસેવક પણ ચીકનગુનિયાની હડફેટે ચડી જતાં આઠ દિવસ સદ્ંતર આરામ પર હતા. મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે આજે વોર્ડ નં.1, 2 અને 4માં ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મચ્છરોની ઉત્પતિ સબબ 244 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને 32 આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યૂના 9, ચીકનગુનિયાના 8, મેલેરિયાનો એક, શરદી-ઉધરસના 822, ઝાડા-ઉલ્ટીના 180 અને તાવના 54 કેસ: નગરસેવક પણ ચીકનગુનિયામાં સપડાયા
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે મેલેરિયાનો એક, ડેન્ગ્યૂના 9, ચીકનગુનિયાના આઠ, શરદી-ઉધરસના 822, સામાન્ય તાવના 54 અને ઝાડા-ઉલ્ટીના 180 કેસ નોંધાયા હતા. વોર્ડ નં.13ના ભાજપના કોર્પોરેટર નિતીનભાઇ રામાણી પણ ચીકનગુનિયામાં સપડાયા હતા. એક સપ્તાહ સુધી આરામ કર્યા બાદ હવે તબિયતમાં સુધારો લાગતા આજથી કોર્પોરેશન કચેરીએ દેખાયા હતા. રોગચાળાને નાથવા માટે એક સપ્તાહમાં 68,650 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે 3342 ઘરમાં ફોગીંગ હાથ ધરવામાં આવ્યું છે. બિનરહેણાંક હોય તેવી 449 મિલકતોમાં મચ્છરના ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 37 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 207 મિલકતોના માલિકોને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ આપવામાં આવી છે. 32 આસામીઓ પાસેથી રૂ.30 હજારનો દંડ વસૂલ કરાયો હતો. કોર્પોરેશનના લાખ પ્રયાસો છતાં રોગચાળો કાબૂમાં આવવાનું નામ લેતો નથી. દર સપ્તાહે રોગચાળાના આંકડામાં વધારો થઇ રહ્યો છે.
કુબલિયાપરામાં યુવાને તાવ ભરખી ગયો
બે દિવસ ઝાડા – ઉલ્ટી અને તાવ આવ્યા બાદ સારવારમાં યુવાનને દમ તોડ્યો
રાજકોટ શહેરમાં ફરી એકવાર રોગચાળો વકર્યો હોય તેમ તાવ અને ઝાડા ઉલટી ના કેશમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે કુબલીયાપરામાં રહેતા યુવાનનું બે દિવસની તાવ અને ઝાડા ઉલટી ની બીમારી બાદ સારવારમાં મોત નીપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
બનાવની મળતી માહિતી અનુસાર થોરાળા પાસે કુબલીયાપરામાં રહેતા રાહુલ મુકેશભાઈ સોલંકી નામના 18 વર્ષીયા દેવીપુજક યુવાનને બે દિવસ પહેલા તાવ અને ઝાડા ઉલટી ની બીમારી થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર ગુંદાવાડી હોસ્પિટલમાં આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. પરંતુ ત્યાં તેનો બે દિવસની સારવાર બાદ ગઈકાલે મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી રહ્યું છે જેથી યુવકૃત તાવ ની બીમારીથી મોત થયા હોવાના કારણે હાલ આરોગ્યતંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. જ્યારે હાલ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ મોતનો ચોક્કસ કારણ બહાર આવશે તેવું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે.
વોર્ડ નં.1, 2 અને 4માં સઘન ફોગીંગ
ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, મેલેરિયા સહિતના રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા વન ડે ફ્રી વોર્ડ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફોગીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે વોર્ડ નં.1, 2, અને 4માં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જે સ્થળોએ માનવ સમૂદાય વધુ માત્રામાં એકત્રિત થતો હોય ત્યાં ફોગીંગ કરવામાં આવે છે.