દેશની ૬ લાખ કંપનીઑ, ૫ કરોડ ખાતા ધારકોને થશે રાહત
દેશભરમાં કોરોના સામેની લડાઈમાં ૩મે સુધીનું લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે ઈપીએફઓએ ઈપીએફ યોગદાન માટે કંપનીઓ અને ખાતાધારકોને એક માસની રાહત આપી છે. કંપનીઓ માટે ઈપીએફ ફાળો, ખાતા ધારકનો ફાળો જમા કરાવવાની મુદત ૧૫ એપ્રિલ હતી તે હવે લંબાવીને ૧૫ મે કરી છે. ઈપીએફઓનાં આ નિર્ણયથી દેશની ૬ લાખ કંપનીઓ અને ૫ કરોડ ખાતા ધારકોને રાહત થશે.નવા આદેશ મુજબ હવે નોકરીદાતા કે કર્મચારી પીએફ અને અન્ય સામાજીક યોજનાનું યોગદાન ૧૫ મે સુધી કરી શકશે.
શ્રમમંત્રાલય કહે છે કે કોરોના તથા લોકડાઉનને લઈ માર્ચ માસનું ઈલેકટ્રોનીક ચલણ સહિત રિટર્ન ઈસીઆર જમા કરાવવાની તરીખ લંબાવવામાં આવી છે. એટલે જે નોકરીદાતાઓએ પોતાના કર્મચારીઓને માર્ચ માસનો પગાર ચૂકવી દીધો છે. તેમને આ રાહતનો લાભ મળી શકશે ઈપીએફ કાયદા ૧૯૫૨ મુજબ આ એક માસની મુદત અપાઈ છે.
આ માટે કંપનીઓએ ઈસીઆર જમા કરાવતી વખતે માર્ચ મહિનાના પગાર ચૂકવણાની તારીખ આપવાની રહેશે. જે નોકરીદાતાએ પોતાના કર્મચારીઓને માર્ચ માસનો પગાર આપી દીધો છે. તેમને માટે એક માસની મુદત જ લંબાવવામાં આવી નથી. પણ તે ૧૫ મે કે તે પહેલા એ રકમ ઈપરીએફફાળો જમા કરાવે તો તેમને વ્યાજ અને દંડની રકમ ચૂકવવામાંથી પણ મુકિત આપવામાં આવી છે.
તમને એ જણાવીએ કે લોકડાઉન જાહેર થવા સાથે જ ઈપીએફએ નાણાં ઉપાડવા માટેના પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમા જન્મતારીખથી લઈ બેંક ખાતા નંબર વગેરે બાબતો સામેલ છે. નિયમોમાં ફેરફાર કરાયા બાદ ઈપીએફઓએ ૧૩૭ લાખ ઉપાડના કેસમાં રૂા.૨૭૯.૬૫ કરોડનૂં ચૂકવણું કર્યું છે.