“સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન”ના ઉપક્રમે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને સોમનાથના દરિયાકિનારાની સફાઈ માટેનું આયોજન થયું હતું. આ સફાઈ અભિયાનમાં વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં બાયોડિગ્રેબલ સ્ટ્રોનું પણ નિદર્શન કરાયું હતું. જેમાં રહેલા વિશિષ્ટ ગુણધર્મોના કારણે પર્યાવરણ માટે તદ્દન સાનુકૂળ સ્થિતિનું નિર્માણ કરે છે.
આ તકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રકૃતિનો દુશ્મન માનવી જ છે. અહીં માનવી દ્વારા જ દરિયા કિનારે પ્લાસ્ટિકના પેકેટ, માંડવીના બીના છોતરા વગેરે જેવો કચરો જ્યાં-ત્યાં ફેંકવામાં આવે છે. સોમનાથ એ મોટું તીર્થક્ષેત્ર છે. જ્યાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવે છે પ્રકૃતિને નજીકથી માણવાની અને તેની જાળવણી કરવાની વૃત્તિ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં પહેલાથી જ આવવી જોઈએ.
“વિશ્વ સાગર કિનારા સ્વચ્છતા દિવસ” ની ઉજવણીના ભાગરુપે દરિયાઈ વિસ્તારને આવરી લઇ દરિયાકિનારાની સફાઈ હાથ ધરવામાં સવારે 8.00 કલાકેથી ભારતીય તટરક્ષક દળ, ગજજ તેમજ સીમાજાગરણ મંચના પ્રતિનિધીઓ વિદ્યાર્થીઓ, વિવિધ જૂથ અને પદાધિકારીઓ સહિતના સ્થાનિક આગેવાનોએ પણ જહેમત ઉઠાવી હતી.