રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવના મોટામોટા અને ઉંચા ઉંચા વૃક્ષો જોવા મળે છે. આ મેન્ગ્રુવના વૃક્ષો દરિયાઈ જીવસૃષ્ટિ તથા માનવીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ વૃક્ષો સમુદ્રના પાણીને ઝડપથી આગળ વધતા અટકાવે છે. ભરતી સમયે આવતા દરિયાના પાણીને અટકાવવા માટે સુરક્ષા દિવાલ જેવું કામ કરે છે. તેમજઆ મેન્ગ્રુવના જંગલોમા સિંહો, નિલગાય તથા દરિયાઈ જીવોનો વસવાટ છે. આ મેન્ગ્રુવના જંગલો જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે. સારનું પ્રમાણ આગળ વધતા અટકાવે છે. આ જંગલોમાં યાયાવર પક્ષીઓ પોતાના બચ્ચાઓનો ઉછેર કરે છે.
દરિયા કાંઠે વસતા માલધારી સમાજ પોતાના પશુઓને આ વૃક્ષોમાં ચરાવવા માટે લઈ જતા તેમજ દુષ્કાળ અને ઉનાળામાં આ મેન્ગ્રુવના પાન ખવડાવી દિવસો કાઢી શકે છે. રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવના વૃક્ષોનું વાવેતર ૨૦૦૫થી શરૂ કરવામાં આવ્યું તેમાં વન વિભાગ કે.પી. એનર્જી ગીર નેશનલ કલબ જેવી પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા આ વિસ્તારમાં વધી રહેલા ક્ષારના પ્રમાણને અટકાવવા તથા દરિયાઈ કિનારા સુરક્ષા દિવાલ ઉભી કરવાનાં હેતુથી આ સરકારી પડતર જમીનો પર તો કબજો જમાવ્યો છે. પરંતુ હવે કાંઈ જમીન નહી મળતા ખૂબજ ઉપયોગી વનસ્પતિ મેન્ગ્રુવના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે.
ઝીંગા ઉછેર કેન્દ્રો બનાવી રહ્યા છે. કોઈ પણ જાતની મંજૂરી વગર બેરોકટોક આ ભૂમાફીયાઓ પર્યાવરણને નુકશાન પહોચાડી રહ્યા છે. આ અંગે ૧.૪.૨૦૧૮ના રોજ વિકટર તથા કથીવદર ગામના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા નાયબ કલેકટર રાજુલાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ પરંતુ આજદિન સુધી તેમના અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી ૫ મહિના જેટલો સમય થયો છતાં પણ આ અધિકારીઓ પર્યાવરણના ભોગે ભૂમાફીયાઓને ખૂલ્લે આમ બચાવી રહ્યા છે.એક પણ ભૂમાફીયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પીપાવાવ ધામના ગામજનોજે ભૂમાફીયાઓ વિરૂધ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે પણ મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢી ઝીંગા ફાર્મ બનાવેલા છે.છતા પણ સરકારી બાબુઓ દ્વારા આજદિન સુધી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઘણા વર્ષોથી રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ઉદ્યોગો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ ઉદ્યોગોને સરકાર મામુલી ભાવોમાં જમીનો ફાળવી તમામ પ્રકારની છૂટછાટ આપી પર્યાવરણને ખૂબ મોટુ નુકશાન પહોચાડી રહ્યા છે.
આ મહાકાય કંપનીઓ પર્યાવરણના નિયમોની ઐસી તૈસી કરીને ખૂબ મોટુ નુકશાન પર્યાવરણને થઈ રહ્યું છે. તેમજ રાજુલા તાલુકાના પીપાવાવ ધામ વિકટર કથીવદર ગામના દરિયાકાંઠા વિસ્તારોમાં થોડા વર્ષોથી વિકાસની આંગળી દોટમાં ઝીંગા ઉછેર કેન્દ્રોનો મોટો ઉદ્યોગ ફૂલીફાલી રહ્યો છે.