- ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ કામગીરી વહેલી પૂર્ણ કરવાની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા પૂરી થયા બાદ વહેલીતકે પરિણામ જાહેર થઇ શકે તે માટે ઉત્તરવહી મૂલ્યાંકનના બીજા દિવસથી જ એકસાથે 500થી વધારે ડેટા ઓપરેટરોને ગોઠવીને માર્કસની એન્ટ્રી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે પરિણામ પણ દર વર્ષ કરતાં વહેલુ જાહેર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.ધો.10 અને 12ની પરીક્ષા પૂરી થયા બાદ સામાન્ય રીતે 15 દિવસમાં ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂરી કરી દેવાતી હોય છે.
ઉત્તરવહી ચકાસણી પછી તેની ડેટા એન્ટ્રી સહિતની કામગીરીમાં લાંબો સમય પસાર થતો હોય છે. જેના કારણે એપ્રિલના અંતમાં અને કેટલીક વખત મેના પ્રથમ સપ્તાહ સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવતાં હોય છે. સૂત્રો કહે છે કે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શકયતા છે. આ સ્થિતિમાં બોર્ડની પરીક્ષા પછી વહેલીતકે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તો શિક્ષકોને ઇલેક્શનની અન્ય કામગીરી કરી શકે. આ ઉપરાંત ચાલુ વર્ષે પરિણામ પણ વહેલુ જાહેર કરી દેવાની તૈયારી બોર્ડ દ્વારા કરવામાં આવી છે.સામાન્ય રીતે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ 60થી 70 કમ્પ્યૂટર ઓપરેટરને ડેટા એન્ટ્રી અને ચકાસણી માટે કામગીરી સોંપવામાં આવે છે.
ચૂંટણી અને વહેલું પરિણામ જાહેર કરવાનું હોવાથી એકસાથે 500થી વધારે કમ્પ્યૂટર ઓપરેટરને કામગીરી સોંપવામાં આવશે. એટલું જ નહીં પરીક્ષાના બીજા જ દિવસથી આ કામગીરી શરૂ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. દરવર્ષની સરખામણીમાં ધો.10 અને 12ની પરીક્ષાનું પરિણામ ચાલુ વર્ષે અંદાજે એકથી દોઢ માસ વહેલું જાહેર કરી દેવામાં આવે તેવી પણ શકયતા છે. આમ, ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ કામગીરી વહેલી પૂર્ણ કરવાની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.