NUE- અર્થાત ન્યુ અમ્બ્રેલા એન્ટીટી..! દેશનાં બેન્કિંગ અને પેમેન્ટનાં માળખાને ઓનલાઇન તથા આધાર કાર્ડ આધારિત કરવા માટે સરકારે આ નવો ક્ધસેપ્ટ રજૂ કર્યો અને રિઝર્વ બેંકે કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી. હવે જ્યારે અરજી સ્વિકારવાની મુદત પુરી થવામાં છે ત્યારે દેશની સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરની મોટી બેંકો ઉપરાંત રિલાયન્સ, ટાટા, એમેઝોન, ગુગલ, પે-ટીએમ, વિસા તથા ફલીપકાર્ટ જેવી સંખ્યાબંધ કંપનીઓ આ સેવા શરૂ કરવા તલપાપડ હોવાના સમાચાર છે. મૂળ તો રિઝર્વ બેંકે ૧૮ મી ઓગસ્ટ-૨૦ ના રોજ એન.યુ. ઇ. અંગેની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી અને જે કંપનીઓને રસ હોય તેમને ૨૬ મી ફેબ્રુઆરી-૨૧ સુધીમાં અરજી કરવા જણાવ્યું હતું. પરંતુ ઇન્ડિયન બેંક એશો. સહિતનાં ઘણા લોકોએ કોવિડ-૧૯ ની અસરના કારણે કાર્યવાહીમાં વિલંબ થતો હવાથી આખરી મુદત વધારવાની વિનંતી કરતા હવે રિઝર્વ બેંકે મુદત ૩૧ મી માર્ચ-૨૧ કરી છે. અંહી કોવિડ-૧૯ કરતા લોબિંગ વધારે દબાણ કરી રહ્યું હોવાનું ચર્ચાય છે. કારણકે હાલમાં જ સમચાર આવ્યા છેકે રિલાયન્સે બે દિવસ પહેલા રાષ્ટ્રિય સ્તરે રિટેલ પેમેન્ટ સેવા શરૂ કરવા માટે ગુગલ તથા ફેસબુક સાથે હાથ મિલાવ્યા છે. આવી જ રીતે ટાટા જુથે પણ ફર્બાઇન પ્રા.લિ. ના નામે કંપની ખોલીને ઐચ.ડી.એફ.સી તથા કોટક બેંક સાથે જોડાણ કર્યુ હોવાનું જાણવા મળે છે. આ ક્ધસોર્ટિયમને જરૂરી પેપર વર્ક કરવામાં સમય લાગે તેથી અંતિમ તારીખ લંબાવાઇ હોવાની ચર્ચા છે..! એન.યુ. ઇ એક ઐવી સેવા હશે ભારતમાં નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( એન.પી. સી. આઇ ) ની સ્પર્ધા કરશૈ. હવે સવાલ એ છે કે દેશમાં એક સેવા હતી જ તો પછી બીજી સેવા શા માટે? એન.પી. સી. આઇ ડિસેમ્બર-૨૦૦૮ માં શરૂ કરવામાં આવેલી રિઝર્વ બેંક તથા ઇન્ડિયન બેંક એશો. દ્વારા શરૂ કરવામાં આવેલી નોટ-ફોર-પ્રોફિટ સેવા છે. જેમાં હાલમાં ૧૭ સરકારી બેંકો, ૧૭ ખાનગી બેંકો, ત્રણ વિદેશી બેંકો તથા ૧૦ સહકારી બેંકો તથા અન્ય રૂરલ બેંકો મળીને હાલમાં કુલ ૫૪ બેંકો શેરધારક છે. જેમાં હેતુ નફાનો નથી. સરકાર જ્યારે દેશને કેશલેસ ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે ત્યારે રિઝર્વ બેંકની દલિલ એવી છે કે એક માત્ર એન.પી.સી.આઇ. આખા દેશના રિટેલ પેમેન્ટ માળખાને પહોંચી ન શકે. વળી હવે ખાનગી કંપનીઓ આવવાથી આ સેક્ટરમાં પ્રોફિટની પણ જોગવાઇ છે. હવે જ્યારે ભારતમાં ડિજીટલ પેમેન્ટ વધી રહ્યા છે અને લોકડાઉનમાં ઘેર બેઠા નાણાકિય વ્યવહારો વધ્યા છે ત્યારે આ ધંધામાં મલાઇ દેખાતા કોર્પોરેટ્સને આવી સેવા શરૂ કરવાની ઓફર થઇ હોય એવું પણ બને. સ્વાભાવિક રીતે ખાનગી સેવા શરૂ થવાથી ગ્રાહકોની સુવિધા વધશે. રિઝર્વ બેંકની ગાઇડલાઇન્સ અનુસાર ૫૦૦ કરોડ રુપિયાની કેપિટલ અને પેમેન્ટ સેવામાં ત્રણ વર્ષનો અનુભવ હોય તેવી કંપનીઓ જ અહીં અરજી કરી શકે તેમ છે. વળી એન.યુ.ઇ માં કોઇપણ કંપનીનો ૪૦ ટકાથી વધારે હિસ્સો શક્ય ન હોવાથી કોઇ અકકંપનીનું સંપૂર્ણ વર્ચસ્વ થવાની સંભાવના નથી. એટલે જ અહીં ચાર-પાંચ કંપનીઓનું ગ્રુપ સાથે મળીને એન.યુ.ઇ. માટે એપ્લાય કરે છે. ખાસ કરીને ટોચની બેંકોનું જુથ, પેમેન્ટ સેવા આપતી પે-ટીએમ જેવી કંપનીઓ અને ટાટા,બિરલા કે રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટ હાઉસ સાથે મળીને આવા સાહસમાં આવે તેને આદર્શ કોમ્બિનેશન માનવામાં આવે છે. હવે જે ક્ધસોર્ટિયમને રિઝર્વ બેંક મંજૂરી આપશે તે રિટેલ પેમેન્ટ, એ.ટી.એમ, આધાર કાર્ડ આધારિત ચુકવણા જેવી વિવિધ પેમેન્ટ સેવા શરૂ કરી શકશે. આ ઉપરાંત, ક્રેડિટ, લિક્વીડિટી, ઓપરેશન તથા ક્રાઇમ જેવા જોખમો આ સર્વિસ સાથે જોડાયેલા રહેશે. જેની જવાબદારી ક્ધસોર્ટિયમે સામુહિક રીતે ઉઠાવવાની રહેશે. હાલમાં આવા ચાર થી પાંચ ગ્રુપ તૈયાર થઇ રહ્યા છે જે હવે એન.યુ.ઇ માટે અરજી કરશે.ટાટા જુથનાં ક્ધસોર્ટિયમમાં કોટક અને એચ.ડી.એફ.સી બેન્ક ઉપરાંત માસ્ટર કાર્ડ, તથા પે-યુ જેવી કંપનીઓ જોડાઇ રહી હોવાની ચર્ચા છે. અન્ય એક જુથ આઇ.સી.આઈ.સી. આઈ બેંક, એકસીસ બેંક, એમેઝોન, વિસા, બિલ ડેસ્ક, પાઇન લેબ અને અન્ય એક કંપનીનું મળીને ક્ધસોર્ટિયમ બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે. અન્ય એક રિલાયન્સ વાળા ક્ધસોર્ટિયમમાં ગુગલ, ફેસબુક ઉપરાંત સો હમ ભારત પણ હોવાનું જાણવા મળે છે. સરકારે હજુ સ્ટેટબેંક, બરોડા બેંક, તથા કેનરા બેંક જેવી સરકારી બેંકોને પરવાનગી આપી નથી, જો આ જુથને પરવાનગી મળે તો તે ચોથું ક્ધસોર્ટિયમ બનાવશે. જો કે હવે તેમને પરવાનગી મળે તો પણ એક મહિનામાં તેઓ જરૂરી પેપર વર્ક કરી શકશે કે કેમ તે પણ એક સવાલ છે. ઓલા, ઇન્ડસઇન્ડ બેંક તથા પેટીએમ મળીને એક પાંચમું ક્ધસોર્ટિયમ બનાવી રહ્યા હોવાના અહેવાલ છે. અત્રે ખાસ નોંધનીય છે કે રિઝર્વ બેંક અને સરકાર ડિજીટલ ટ્રાન્ઝક્સન દ્વારા નાણાકિય વ્યવહારો ઉપર ચાંપતી નજર રાખવા માંગે છે જે આગળ જતાં ટેક્સનું માળખું વધારે પારદર્શી, સુદ્રઢ તથા વધારે વેરો એકઠો કરી આપનારૂં બનશે. આંકડા જોઇએ તો ૨૦૧૬ માં ડિમોનિટાઇઝેશન બાદ ડિજીટલ ટ્રાન્ઝક્સન વધ્યા છે. ૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦નામ સમયગાળા માં ડિજીટલ પેમેન્ટ સરેરાશ વાર્ષિક ૫૫.૧ ટકાના દરે વધ્યા છે. ૨૦૧૬ માં વાર્ષિક ૫૯૩.૬૧ કારોડનાં ટ્રન્ઝક્સન હતા જે ૨૦૨૦ માં ૩૪૩૪.૫૬ કરોડ રૂપિયાનાં થયા છે. મતલબ કે આ એક એવું મોટું માર્કેટ છે જેની એન.પી.સી.આઇ એ હજુ ઉપલી સપાટી જ દેખાડી છે. તેની ઉંડાઇ ત્યારે દેખાશે જ્યારે ખાનગી કંપનીઓ નફાની ગણતરી સાથે અને નવા ઇનોવેટિવ ઓફર સાથે બજારમા આવશે.
હવે જ્યારે રિઝર્વ બેંક આ ક્ધસોર્ટિયમોને સૈધ્ધાંતિક મંજૂરી આપશે ત્યારબાદ કંપનીઓને છ થી ૧૨ મહિનામાં પેમેન્ટ સેવાઓ શરૂ કરવી પડશે. પછી શરૂ થશે તમારા માટે નવી ઓફરો અને સુવિધાઓ ની ભરમાર..! બેશક ક્યાંક ચુક થશે તો તમારા નસીબમાં કોભાંડ અને સાઇબર ક્રાઇમ પણ આવશે જ..! આઇએ દેખે કિસ કો ક્યા મિલતા હૈ..!