કોરોનાની સ્ટ્રેન ઇન્ડિયન છે કે બ્રિટનનો તે જાણવા માટે કોર્પોરેશન દ્વારા યુવાનનું બ્લડ સેમ્પલ પૂનાની એન.આઈ.વી. લેબોરેટરીમાં મોકલાયું: ઘરના અન્ય ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
રાજકોટમાં બ્રિટનમાં જોવા મળેલી કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હોય તેવી શંકા ઊભી થવા પામી છે.ગત ૧૫મી ડિસેમ્બરના રોજ યુકેથી રાજકોટ આવેલા યુવાનનો આર.ટી.પી.સી.આર.કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઇન્ડિયન કોરોના સ્ટ્રેન છે કે બ્રિટનની તે જાણવા માટે મહાપાલિકા દ્વારા યુવાનના બ્લડ સેમ્પલ પુના સ્થિત એન.આઈ.વી.લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઘરના અન્ય ચાર સભ્યોના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના અમીન માર્ગ સ્થિત પંચવતી સોસાયટીમાં હિત ઠક્કર નામના ૩૧ વર્ષીય યુવાન ગત ૧૫મી ડિસેમ્બરના રોજ યુકેથી ફ્લાઇટ મારફત અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી બાય રોડ રાજકોટ આવ્યો હતો.ગત ૨૬મી ડિસેમ્બરના રોજ તેને કોરોનાના લક્ષણો દેખાતા ૨૯મીએ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝિટિવ આવ્યો હતો. હિત ઠક્કરના ઘરના અન્ય ચાર સભ્ય તેના માતા-પિતા અને ભાઇ- ભાભીના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ યુવાન બ્રિટનથી આવ્યો હોય તેને ભારતીય કોરોના સ્ટ્રેન છે કે બ્રિટનની કોરોના ? તે જાણવા માટે યુવાનનું બ્લડ સેમ્પલ ગત ૩૦મી ડિસેમ્બરના રોજ પુના સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. હવે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.રાજકોટમાં શંકાસ્પદ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હોય તેવી શંકા ઉભી થતા કોર્પોરેશનની આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
યુકેથી આવેલા જે યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના ઘરના અન્ય ચાર સભ્યોના કોરોના પણ પોઝિટિવ આવેલા હોય તેના મોટાભાઇ આર્કિટેકટનો વ્યવસાય કરે છે અને કાલાવાડ રોડ પર ઓફિસ ધરાવે છે. તેની ઓફિસમાં અન્ય છ સભ્યો કામ કરે છે. જે તેના કોન્ટેક્ટમાં આવેલા હોય ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ તમામને ફેસીલીટી કવોરેન્ટાઇન માં હેઠળ રાખવામાં આવ્યા છે. જે પૈકી સાગર રાદડીયા કે જે ગોંડલમાં રહે છે તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છ. તે વડોદરાથી આવ્યો હોવાનું માલુમ પડતાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.તમામને ૧૪ દિવસ બાદ ટેસ્ટિંગ કરવામાં આવશે.બ્રિટનથી આવેલા હિત ઠક્કરનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા મહાપાલિકાને એવી પણ શંકા થવા ઊભી થાય છે કે યુવાનને બ્રિટનની સ્ટ્રેન હોવાની સંભાવના જણાય રહી હોય તેના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે અને હવે તે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. બ્રિટનથી આવેલા હિત ઠક્કર અને તેના પરિવારના જે ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને ખાનગી કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.જ્યારે તેના સંપર્કમાં આવેલા અન્ય છ વ્યક્તિઓને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.
રાજકોટમાં બ્રિટનથી ૪૬ નાગરિકો આવ્યા છે
બ્રિટનમાં જોવા મળેલી કોરોનાની નવી સ્ટ્રેને વિશ્વની ચિંતા ફરી વધારી દીધી છે. આ નવી સ્ટ્રેન ખૂબ જ ચેપી છે. જો કે જીવલેણ નથી. દરમિયાન છેલ્લા સવા મહિનામાં રાજકોટમાં બ્રિટનથી કુલ ૪૬ નાગરિકો આવ્યા છે. જે પૈકી હિત ઠકકર નામના એક માત્ર યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી રાજકોટ ખાતે ૧૮ નાગરિકો અને ગત ૯ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર સુધીના સમયગાળામાં બ્રિટનથી રાજકોટ ખાતે ૨૮ નાગરિકો આવ્યા છે. જે પૈકી ૪૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે તમામને ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા.