સરકારે બન્ને ડોઝ લીધા હોય તેને જ એન્ટ્રી આપવાનો નિયમ ઘડ્યો, પણ મહાપાલિકામાં નવા નિયમને જ નો-એન્ટ્રી
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને સરકારે નિયમ બનાવ્યો છે કે જે લોકોએ રસીના બન્ને ડોઝ લીધા હશે. તેઓને જ સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં આવે. પણ આ નિયમની જ મહાપાલિકામાં એન્ટ્રી ન થઈ હોય, મહાપાલિકામાં તમામ લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે.
સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બન્ને ડોઝને ફરજિયાત બનાવવામાં આવ્યા છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓના વડાને આ આદેશનું પાલન કરવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્યસચિવ એકે રાકેશ તરફથી લેખિતમાં સૂચના આપવામાં આવી છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર સચિવાલય જ નહીં, સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-નિગમની કચેરીઓ, વિવિધ સરકારી ભવનો અને રાજ્યમાં જિલ્લાસ્તરે આવેલી સરકારી ઓફિસોને આદેશનું પાલન કરવાનું છે.
સરકાર તરફથી સ્પષ્ટ આદેશ હોવા છતાં મહાનગરપાલિકામાં આ નિયમનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. કચેરી અંદર પ્રવેશતા અરજદારોએ વેકસીનના બે ડોઝ લીધા છે કે કેમ તે અંગે કોઈ પૂછપરછ થતી નથી. જે લોકોએ વેકસીનના ડોઝ ન લીધા હોય તેવા તમામને પણ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
કલેકટર કચેરીમાં વેકસીનના બન્ને ડોઝ લીધેલાને જ એન્ટ્રી, નિયમની ચુસ્ત અમલવારી
કલેકટર કચેરીમાં વેકસીનના બન્ને ડોઝ લીધેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા નવો નિયમ અમલમાં લાવવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટરના આદેશ મુજબ કચેરીમાં નિયમની ચુસ્ત અમલવારી શરૂ કરવામાં આવી છે. કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર તેમજ જન સેવા કેન્દ્રમાં સિક્યુરિટી દ્વારા કચેરીમાં પ્રવેશતા લોકોના રસીના બન્ને ડોઝના સર્ટિફિકેટ ચકાસવામાં આવે છે. જે લોકો પાસે બન્ને ડોઝ લીધાનું સર્ટિફિકેટ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવે છે.