ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર બન્યા બાદ રમેશભાઈ ટીલાળાની ‘અબતક’ સાથેની વાતચીત
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદના ડિરેકટર પદે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના મોભી રમેશભાઇ ટીલાળાની નિમણૂક કરવાંમાં આવી છે.
સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના મોભી રમેશભાઇ ટીલાળાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં ડિરેકટર પદે નિમણૂક થઇ છે. સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગોને નવી ઉચાઇ પર લાવવા અથાગ પ્રયાસો બદલ રમેશ ટીાલળાની ગુજરાત ચેમ્બરમાં ડિરેકટર પદે વરણી થવા પામી છે.
ગુજરાત ચેમ્બરમાં ડિરેકટર પદે નિમણૂક પામ્યા બાદ તેઓ રાજયના તમામ ઉદ્યોગકારોના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા પુરતા પ્રયાસો કરશે. તેમજ ઔદ્યોગિક એકમોના પ્રશ્નોની ગુજરાત ચેમ્બર થકી સરકારમાં સફળ રજૂઆત કરી ઉદ્યોગકારીને મદદરૂપ બનશે. આ નિમણૂક બદલ રમેશ ટીલાળા પર સૌરાષ્ટ્ર સહિત રાજયભરના ઉદ્યોગકારી, મહાનુભાવો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે. આ ઉ૫રાંત નિમણૂકને આવકારવા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદેદારો, કારોબારી સભ્યો અને જય સરદાર ગ્રુપના આગેવાનોએ બુકે આપી દબદબાભેર સન્માન કર્યુ હતુ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રમેશભાઈ ટીલાળા સમગ્ર રાજ્યના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા શહેર ખાતે પણ તેઓ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે. ઘર આંગણે અનેકવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા રમેશભાઈ ટીલાળા હાલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેનની જવાબદારી પણ સાંભળે છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં તેઓ હરહંમેશ આગળ રહ્યા છે. ઉદ્યોગ સાહસિકોની સમસ્યા એ તેમની પોતાની સમસ્યાઓ હોય તે રીતે તેઓ કાર્યરત રહ્યા છે. ખાસ લોક ડાઉનમાંથી જ્યારે તબક્કાવાર ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી ત્યારે ઉદ્યોગોના જિલ્લા વહીવટી તંત્રમાં નોંધણી કરાવવી, પરિવહન માટેના પાસની કામગીરીમાં પણ તેઓએ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. જિલ્લા વહીવટી તંત્રની કચેરીએ ભીડ ન થાય તેમજ ઉદ્યોગ સાહસિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે તે હેતુસર રમેશભાઈ ટીલાળાએ વહીવટી તંત્રની સાથે રહી સંપૂર્ણ કામગીરી હાથમાં લઈ લીધી હતી.
ઉપરાંત રમેશભાઈ હરહંમેશથી નાના મોટા પ્રશ્નોને લઈને સજાગ રહ્યા છે. તેમણે જીએસટીના અમલીકરણ સમયે સર્વર ઠપ્પ થઈ જવાથી માંડી રિફંડ સહિતના પ્રશ્નોએ તેમણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનું ધ્યાન સતત દોર્યું છે.
ઉદ્યોગ સાહસિકોની તકલીફને મારી તકલીફ સમજી તેમની સમસ્યાઓને વાચા આપીશ: રમેશભાઈ ટીલાળા
ગુજરાત ચેમ્બરમાં ડિરેકટર પદે વરણી પામેલા રમેશભાઈ ટીલાળાએ અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવ્યું હતુ કે, મને ઉદ્યોગ ક્ષેત્રે એક વધુ જવાબદારી સોંપવામાં આવી છે. મારે ઉદ્યોગ સાહસિકોની નાની મોટી સમસ્યાઓ રાજ્ય સરકાર પાસે મુકવાની થશે તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડશે જેના માટે હું કટીબદ્ધ છું. તેમણે કહ્યું હતું કે, લોક લોકડાઉન બાદ ધીમેધીમે તમામ ધંધા ઉદ્યોગો થાળે પડી ચૂકયા છે. લોકડાઉન બાદ દેશ આત્મનિર્ભર બને તે માટે નવી નવી ઈન્ડસ્ટ્રીઝ આવે તે માટે એસોસિએશન સતત પ્રયત્નશીલ રહેશે. હાલ માલના નિકાસમાં ઉદ્યોગકારોને કોઈ સમસ્યા નથી પરંતુ ચાઈનાથી જે આયાત થાય છે. તેમણે જણાવ્યું હતુ કે ચાઈનાથી ઈમ્પોર્ટ બંધ થાય તે માટે નવી નવી ઈન્ડસ્ટ્રીઝ ઉભી કરવી જ પડશે. તેમજ આજનું નવુ યુવાધન આધુનિક ટેકનોલોજી અને સંશોધનના મારફત ઉદ્યોગોને વધુ વેગવંતો બનાવી વિકસીત કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ દેશનો વિકાસ સરકારના સહકાર વિના થઈ શકે નહીં. ઉદ્યોગકારો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેયના સહિયારા પ્રયાસથી જ દેશનો વિકાસ કરી શકાશે. હાલ આપણે આઈપી ક્રિએશન અને આર એન્ડ ડી સેન્ટરને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે. આપણે અનેકવિધ ક્ષેત્રમાં આઈપી ક્રિએશન કરીએ છીએ પણ મોનોપોલી રજિસ્ટ્રેશનની જાગૃતિના અભાવે મોનોપોલી કોઈ બીજો દેશ લઈ જાય છે જેથી હવે આપણે આ બાબતે પણ જાગૃત થવું પડશે. હવે આગામી દિવસોમાં આપણે દેશમાં ઈમ્પોર્ટ ઘટાડી એક્સપોર્ટ વધારવા માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર(આર એન્ડ ડી સેન્ટર) વિકસાવવાની જરૂરિયાત છે. હજુ અનેકવિધ પ્રોડક્ટ્સ છે જેનું ભારતમાં નિર્માણ થતું નથી અને આપણા ઉદ્યોગકારો અન્ય દેશોમાંથી એ પ્રોડક્ટ્સ આયાત કરે છે જેને અકાવવા હવે આપણે નાનાથી માંડી મોટી પ્રોડક્ટ્સનું રિસર્ચ કરવું પડશે જે અંગે અમે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોની સમસ્યાઓ વિશે જરૂર પડશે ત્યાં રજુઆત કરીશું. જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી હું વળગી રહીશ તેવી બાહેનધારી આપું છું.