સૌરાષ્ટ્રમાં સમૂહલગ્નોત્સવની ઐતિહાસિક ઘટના
આગામી ૧૨ ડિસેમ્બરે રાજકોટના આંગણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું જે.એમ.જે. ગ્રૂપ દ્વારા અનેરૂ આયોજન
જાન સામૈયું, મહેમાનોનું સન્માન, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભના પ્રસંગો ઉજવાશે
આપણા દરેક સમાજના દરેક વર્ગ અને વર્ણવ્યવસ્થામાં આજે પણ એવી દીકરીઓ છે જે સાધન સંપન્ન પરિવારમાંથી નથી, આવા પરિવારની દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવામાં મદદરૂપ થવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે અને આ કામ એકલે હાથે એટલે કે એકમાત્ર દાતા તરીકે પાર પાડવાની ઉમદા જવાબદારી અગ્રણી ઉદ્યોગપતિ અને જે.એમ.જે. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર મયૂરધ્વજસિંહ જાડેજા એ સ્વિકારી એટલું જ નહિં તેઓ એકમાત્ર દાતા ઉપરાંત ૮૫ દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવાના સંકલ્પની સાથે પોતે પણ પ્રભૂતામાં પગલા પાડી સમાજ માટે એક ઐતિહાસિક ઘટનાની દિશા કંડારી છે.
આજના મોંઘવારી અને મંદિના સમયમાં લગ્નનો પ્રસંગ ઉકેલવો એ જરૂરિયાતમંદ પરિવાર અને દરેક સમાજમાં માતાપિતા માટે પડકારરૂપ બની જાય છે. એ સમયે સમૂહલગ્નના આયોજનથી જરૂરિયાતમંદ લોકો માટે એક મોટો ખર્ચ બચી જાય છે અને તેઓ પણ પોતાના સંતાનોને ધામધૂમ પૂર્વક પરણાવી શકે છે. આગામી ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ ને ગુરૂવારના રાજકોટના આંગણે ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું અનેરૂ આયોજન થવા જઇ રહ્યું છે. જેનો સંપૂર્ણ શ્રેય જાય છે જે.એમ.જે ગ્રૂપ રાજકોટના મયૂરધ્વજસિંહ એમ.જાડેજાને કે જેઓ આ સમૂહ લગ્નોત્સવના એકમાત્ર દાતા છે.
મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મેં એક સંકલ્પ કરેલો કે મારા લગ્નની સાથો સાથ સમાજની દીકરીઓ જેમના માતા-પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે. જે.એમ.જે.ગ્રૂપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી ૮૫ લગ્નોત્સુક જોડાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તા.૧૨ને ગુરૂવારે જાનનું આગમન અને સામૈયા, માનવંતા મહેમાનોનું સન્માન, કલાકે હસ્તમેળાપ, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભ યોજાશે. જેમાં વર-ક્ધયા બંને પક્ષના દશ હજારથી વધુ લોકો ભાગ લેશે. દરેક દીકરીઓને જે.એમ.જે.ગ્રૂપ દ્વારા કરિયાવર અપાશે. શિવ માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્ય સમૂહ લગ્નસમારોહની વ્યવસ્થાની કામગીરીનો કાર્યભાર સંભાળાયો છે.