રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે ભવનાથ પ્રવેશદ્વારનું ઉદઘાટન: ૫૧ લાખ રૂદ્રાક્ષથી નિર્મિત શિવલીંગનું પુજન કરાશે: ૪ માર્ચ સુધી ચાલશે મહાશિવરાત્રીનો મેળો
ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમસમા જૂનાગઢના પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. આજે સાધુ-સંતોએ જૂનાગઢમાં નગરપ્રવેશ કર્યો હતો. કાલે સવારે ભવનાથ પ્રવેશ દ્વારનું રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે ઉદઘાટન કરાયા બાદ ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પુજન કરવામાં આવશે અને ઘ્વજારોહણ સાથે મીની કુંભ મેળાનો વિધિવત પ્રારંભ થશે. ૪ માર્ચ સુધી ચાલનારા આ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો ઉમટી પડશે અને પુણ્યનું ભાથુ બાંધશે. મીની કુંભ મેળાની તમામ તૈયારીઓને આજે આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. સંતોના સામૈયા કરી શાહી સ્વાગત સાથે નગરપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથમાં દર વર્ષે મહાશિવરાત્રીમાં યોજાતા મેળાને રાજય સરકાર દ્વારા મહાકુંભ મેળાનો દરજજો આપવામાં આવ્યો છે. આજે સવારે દેશભરના સંતો-મહંતોએ જુનાગઢમાં નગરપ્રવેશ કર્યો હતો. કાલે સવારે ૯:૦૦ વાગ્યે ભવનાથ મંદિર ખાતે ઘ્વજારોહણ કરવામાં આવશે. રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે ભવનાથ પ્રવેશદ્વારનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પુજન કરી મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. મીની કુંભ મેળામાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સફાઈ માટે ૬૨૫ કર્મચારીઓની ફૌજ ઉતારી દેવામાં આવી છે. ભાવિકોને પાણી, ફાયર, લાઈટ અને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૨૮મી ફેબ્રુઆરીએ સાંજે ૪ થી ૬ દરમિયાન ભુતનાથથી ભવનાથ સુધી ડમરુયાત્રા ત્યારબાદ લેસર શો અને રાત્રીના શિવ આરાધના જેવા કાર્યક્રમો યોજાશે. જયારે ૧લી માર્ચે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ધર્મસભા અને રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા સુધી કૈલાસ કેરનો કાર્યક્રમ યોજવામાં આવશે. ૨જી માર્ચે પણ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રી દરમિયાન લોક ડાયરો યોજાશે. ધર્મસભામાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત હિન્દુ ધર્મસભાના કન્વીનર પરમાત્માનંદજીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. ૩ દિવસ સુધી યોજાનારી ધર્મસભામાં સાઘ્વી ઋતુમભરાદેવી, મોરારીબાપુ અને કૈલાસાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. ૪ માર્ચના રોજ મીની કુંભ મેળાનું સમાપન થશે આ તકે રાત્રે ૧૦ કલાકે રવેડી નિકળશે.
પુલવામા થયેલા આતંકી હુમલામાં દેશના ૪૦ જવાનો શહિદ થયા હોય આ વખતે સંતો-મહંતો દ્વારા એવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાશિવરાત્રીના મેળામાં સમાપન વેળાએ નિકળતી રવેડીમાં હાથી-ઘોડા કે બેન્ડવાજાનો સમાવેશ કરવામાં આવશે નહીં. રવેડી અગ્નિઅખાડાથી શરૂ થઈ દત ચોક, ઈન્દ્રભારતીબાપુના ગેઈટ, ભારતીબાપુના આશ્રમ સહિતના વિસ્તારોમાં ફરી ભવનાથ સ્થિત મૃગીકુંડ ખાતે રાત્રે ૧૨ વાગ્યે સંપન્ન થશે. આજે બપોરે ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ભુતનાથથી ભવનાથ સુધી સંતોને નગરપ્રવેશ કરાવવામાં આવશે અને આવતીકાલથી મેળાનો વિધિવત પ્રારંભ થશે.