નવા સત્રથી બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી સુનિશ્ર્ચિત કરાશે શાળાઓને ભાવિ આયોજનનું પ્રેઝન્ટેશન કરવુ પડશે
ગુજરાતમાં વર્ષ-2023-24નો ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 12 જૂનથી ત્રણ દિવસ માટે યોજાશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો આ સંયુક્ત કાર્યક્રમ આ ત્રણ દિવસ દરમિયાન યોજાશે. 14 જૂને તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકનું આયોજન કરાશે. જેમાં તમામ શાળાઓની સિધ્ધીઓ અને ભવિષ્યના આયોજન સાથે પ્રેઝન્ટેશન રજૂ કરાશે. જે શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતા હોય તેના કારણે બાળકોની અભ્યાસ ક્ષમતામાં કોઇ વધારો થયો હોય તો તેની પણ ચકાસણી આ દરમિયાન કરવામાં આવશે.
શૈક્ષણિક સત્રના આરંભમાં આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેને અનુસરતા શિક્ષણ વિભાગે આ વર્ષે પણ તમામ સરકારી પ્રાથમિક શાળામાં આયોજન કર્યું છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ થયો હોય તેવી શાળાઓને પ્રાધાન્ય અપાશે. શાળામાં આ કાર્યક્રમ સાથે કલસ્ટર સમીક્ષા પણ કરાશે. જિલ્લા કક્ષાએથી જે અધિકારી જશે. તેમને ત્રણ પ્રાથમિક શાળા ફાળવવામાં આવશે. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ જિલ્લા-તાલુકામાં કાર્યક્રમના ભાગ લેશે.
નવા સત્રથી બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરાય તે સુનિશ્ર્ચિત કરવાની વ્યવસ્થા ગોઠવવા પણ તાકીદ કરાઇ છે.
પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન એક ટિકિટ તૈયાર કરાશે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કરાયેલા પ્રયાસ, શિક્ષણ વિભાગની સિધ્ધિઓ, આંગણવાડી અને બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકોની યાદી, ધો.1માં પ્રવેશપાત્ર બાળકો, ગુણોત્સવ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો પણ કિટમાં સમાવેશ કરાશે. 6 થી 14 વર્ષના બાળકો શાળામાં પ્રવેશથી વંચિત રહ્યા છે. શાળા બહારના તેમનો પણ સમાવેશ કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારી-શાસનાધિકારી એક નોડલ અધિકારીની નિમણૂંક કરવા પણ જણાવાયું છે.