વહેલી સવારથી મતદારોની લાંબી કતારો લાગી: યુવા મતદારોથી લઈ વરીષ્ઠ મતદારોએ દેશના ભાવી નિર્ધારમાં યોગદાન આપ્યું
લોકશાહીનાં મહાપર્વમાં ત્રીજા તબકકામાં ૧૪ રાજયોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરનાં આગેવાનો, વરીષ્ઠ મતદારો, યુવા મતદારો, મહિલાઓ અને પુરુષો વહેલી સવારથી મતદાન માટે મતદાન કેન્દ્રએ લાંબી કતારમાં લાગ્યા હતા અને ઉમંગભેર આ ચુંટણીનાં પર્વમાં જોડાયા હતા. વહેલી સવારથી જ મતદારોનો ખુબ જ ઘસારો જોવા મળ્યો હતો.
વડાપ્રધાન મોદી પણ મતદાન કરવા પહોંચ્યા હતા તો રાજકોટનાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા સહિતના શહેરી આગેવાનો મતદાન મથકે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રભરમાં મતદાન પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અબતક સાથેની વાતચીતમાં લલીત કગથરાએ જણાવ્યું હતુ કે લોકશાહીના મતાધીકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટથી કોંગ્રેસ જ જીતશે ગુજરાતમાં ૧૭ સીટો મળશે
નિર્ણાયક સરકાર બનાવવા યુવા મતદારો ઉત્સુક :ધનસુખ ભંડેરી
અબતક સાથેની વાતચીતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે, મતદારોને ખૂબ ધન્યવાદ, સાચી રાષ્ટ્રવાદી સરકાર રાષ્ટ્રનિર્માણ અને વિકાસની દિશામાં મતદાન થઈ રહ્યું છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં વિ.રૂપાણીની સરકાર છેવાળાના માનવી સુધી સેવા પહોચાડી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકાર જંગી બહુમતીથી જીતશે નિર્ણાયક સરકાર બનાવવા યુવા મતદારોનો ઉત્સાહ છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, ગુજરાતભરમાં જંગી બહુમતી આવશે.
૧૫ હજારથી વધુની લીડ મળશે :અરવિંદ રૈયાણી
અબતક સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મતદાન છે. ૨૦૧૭ વિધાનસભા પણ મને જંગી લીડથી લોકોએ જીત અપાવી હતી તેમણે વિશ્વાસ દર્શાવતા કહ્યું કે લોકો ઉપર અમને ભરોસો છે. કે દેશની જનતા ભાજપને બહુમતી સાથે મતદાન કરી મોદીજીને જીતાવશે અને હર્ષની લાગણી અનુભવી છીએ. આ વખતે પણ મોદીજીને ધ્યાનમાં લઈ લોકો ૬૦ ટકાથી વધુ મતદાન કરશે. આ વર્ષે ૧૫ હજારની લીડ મળે તેવી શકયતાઓ છે.
પક્ષ કે પાર્ટી નહીં ઉમેદવારની આવડત મુજબ મતદાન કરુ છું: સમીર શાહ
લોકસભાનાં ત્રીજા તબકકાનાં મતદાનમાં વોટીંગ કરવા પહોંચેલા સોમાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સનાં પૂર્વ પ્રમુખ સમીરભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કયારેય પણ કોઈ પક્ષો જોઈને મત આપતા નથી. તેનું માનવું છે કે, ઉમેદવારોની આવડત પ્રમાણે મતદાન કરવું. કારણકે ગ્રાઉન્ડ લેવલે ઉમેદવારો જ કાર્ય કરે છે માટે તેઓ કોઈ પક્ષને પ્રાધાન્યતા આપતા નથી.
રાજકીય સ્વાર્થ કરનાર લોકો ખૂલા પડયા જીત સત્યની થશે: ગોવિંદ પટેલ
અબતક સાથેની વાતચીતમાં ગોવિંદ પટેલે જણાવ્યું હતુ કે,૨૦૧૪ની ચૂંટણીમાં મોદી પ્રધાનમંત્રી બન્યા હતા. ગત ૫ વર્ષોમાં વડાપ્રધાને કરેલા કાર્યોથી વિશ્વભરમાં ભારતનો વિકાસ કર્યો છે. સવારથી જે લાંબી લાઈનો લાગે છે એ મોદીને જીતાડવા માટે છે. રાજકીય સ્વાર્થ કરનાર લોકો ખૂલ્લા પડી ચૂકયા છે સમાજ પણ સમજી ચૂકયો છે. ખૂબજ સારૂ મતદાન રહેશે ૬૦ થી ૬૨ ટકા મતદાન થશે સમગ્ર દેશની પાર્ટીઓનું મૂલ્યાંકન કરી ભારતની ડોર કોના હાથમાં સોંપવી કેટલો વિકાસ થશે તે દિશા નકકી કરી લોકોને મતદાન કરવાની અપીલ
સિનિયર સિટીઝનોએ દેશની સ્થિતિ અને ત્યારબાદનો વિકાસ જોયો છે: બિનાબેન આચાર્ય
અબતક સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે મતદાન પવિત્ર છે દેશ માટે લોકોએ સારો આવકાર સાથે સ્વૈચ્છાએ લાંબી લાઈનો લાગી તે સાબીત કરી દીધુ છે ભારતમાં યુવાધન, વિકાસ, યુવાનોને મળતી તકોને લઈ કરી રહ્યા છે. સીનીયર સીટીઝનોએ દેશની સ્થિતિ જોઈ જ છે. છેલ્લા પાંચ વર્ષમાં વરિષ્ઠોએ જેટલા વિકાસ અને ફેરફારો જોયા છે. માટે દેશની સૂરક્ષા માટે વરિષ્ઠ મતદારોનો વિશેષ ઘસારો જોવા મળી રહ્યા છે.
લોકોનો આક્રોશ મતદાનના પરિણામમાં દર્શાશે: સુરેશ બથવાર
અબતક સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસના સુરેશ બથવારે જણાવ્યું કે ૨૦૧૪માં મોદીએ લોકોને યુવાનોને સપના દેખાડયા હતા,ભ્રષ્ટાચાર , દાઉદ, કલમ ૩૭૦, એક માથાની સામે ૧૦ માથા કાપવાની વાત કરી દેશભરને ખોટા સપના દેખાડી લોકોને અંજાવી દીધા હતા આ વખતે તેઓ નિષ્ફળ ગયા છે. નલઘુ ઉદ્યોગો મૃતપાય થયા છે. લોકોનો આક્રોશ મતદાનના પરિણામમાં દર્શાવાશે શહેરી વિસ્તારમાં આશરે ૫૦ ટકા, ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ ટકા જેટલુ મતદાન થશે અને તે પણ ભાજપ વિરોધી જ થશે.
મતદારોનો ઉમંગ સાતમાં આસમાને: નિતીનભાઈ ભારદ્વાજ
ગુજરાત પ્રદેશ ભાજપનાં અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકશાહીનાં મહાપર્વને રાજયભરમાં લોકોનો ખુબ જ જોશ જોવા મળી રહ્યો છે. ભાજપે કરેલા વિકાસનાં કાર્યો લોકો સમક્ષ આગવું સ્થાન ધરાવી ચુકયા છે.આ વખતે પણ બહુમતી સાથે ભાજપનો જ વિજય થશે અને પ્રજાને પણ ખ્યાલ છે કે તેને ભારતનું ભાવી કોના હાથમાં સોંપવાનું છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં કર્યું મતદાન
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં ગુજરાતની ૨૬ બેઠકોમાં આજે યોજાયેલા મતદાનમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર પીઢ અગ્રણી કેશુભાઈ પટેલ આજે પોતાના હોમ ટાઉન રાજકોટ શહેરના મારૂતિનગરમાં આવેલી સરસ્વતી શિશુ મંદિર ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સવભેર ભાગ લઈ મતદાન કરવા લોકોને અપીલ કરી છે.
પીઢ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજે કયુર્ં મતદાન
લોકસભાની આજે યોજાયેલી ચુંટણીનાં મતદાનમાં સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને કેન્દ્રીય લો-કમિશનનાં પૂર્વ મેમ્બર અભયભાઈ ભારદ્વાજે કાલાવડ રોડ નજીક નૂતનનગર કોમ્યુનિટી હોલ પાસે કોટેચા હાઈસ્કુલ ખાતે લોકશાહીના સૌથી મોટા પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યું છે.
લોકશાહીને જીવંત રાખવા મતદાન જરૂરી: અશોક ડાંગર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અશોકભાઈ ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી ફરજ છે અને હું તો પાર્ટીનો પ્રેસીડેન્ટ છું એટલે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અને લોકોને અપીલ કરવા માટે આવ્યો છું. જે રીતે મતદાન થઈ રહ્યું છે તેને જોતા લાગે છે કે, મોટા પ્રમાણમાં મતદાન થશે પરંતુ વાતાવરણને જોતાં લાગી રહ્યું છે કે, હીટવેવની અસર ચુંટણી પર પડી શકે છે અને લોકશાહીને જીવતી રાખવા મતદાન જરૂરી છે.
જામનગરના લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેને મતદાન કર્યું
જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે જામનગરના નવાગામ પ્રા.શાળા ખાતે લોકશાહીના પર્વમાં પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે.
પ્રથમ વખત વોટ આપનારા યુવા મતદારોમાં થનગનાટ
લોકસભા-૨૦૧૯ની ચુંટણી આગામી પાંચ વર્ષનું ભાવી નકકી કરનાર છે તેને લઈ ફર્સ્ટ વોટરોનો ઉત્સાહ ખુબ જ વધુ જોવા મળ્યો હતો.
તેમાં પણ પહેલી વખત વોટ કરનારા યુવા મતદારોએ પહેલી વખત પ્રથમ આંગળીમાં બ્લુ શાહીથી યોગદાન આપ્યા બાદ પ્રથમ મત માટેની ઉત્સુકતા સાથે સેલ્ફી પાડી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. સૌ પ્રથમ વખત મતદાનને લઇ કેટલીક ઉત્સુકતા હતી કે ઇવીએમ મશીન કેવું હશે અને કઇ રીતે સાચા ઉમેદવારોને ચૂંટીશું પરંતુ મતદાન કર્યા બાદ ખુબજ મજા પડી અને મતાધિકારનો ઉપયોગ કરી શકવાનો ગર્વ અનુભવું છું
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરાએ રૂપાણીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા
વડીલોના આશિર્વાદ લેવા સંસ્કાર માની લલીત કગથરા રૂપાણીના પગે પડી ગયા
રાજકોટ સહિત રાજયભરમાં આજ સવારના ૭ વાગ્યાથી જ લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકા માટે રાજયની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના અનિલ જ્ઞાન મંદિરમાં મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરા પણ મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરાએ વિજયભાઈ રૂપાણીના ચરણ સ્પર્શ કર્યા હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. લલીત કગથરાએ વિજયભાઈ રૂપાણીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના હોય ત્યારે આજે પોતાના મતદાન મથક ઉપર વહેલી સવારે ૭ વાગ્યે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથો સાથ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરા પણ તે જ સ્થળે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા એકી સાથે ભેગા થયા હતા.
મતદાન મથકની બહાર નીકળતી વેળાએ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પગલે લાગી આશિર્વાદ લીધા હતા. આ પળ જોઈને ત્યાંના ઉપસ્થિત લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. જો કે, આ બાબતે લલીત કગથરાએ જણાવ્યું હતું કે, વડીલોના આશિર્વાદ લેવા એ આપણા સંસ્કાર છે. જેને સંસ્કાર માનીને લલીત કગથરાએ મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે રાજકોટના અનિલ જ્ઞાન મંદિરમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.