બેડી યાર્ડ ખાતે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ: મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી સહકારી રાજકારણમાં ગરમાવો જાવા મળી રહ્યો હતો. જેનો આજે અંત આવશે. આજે બેડી યાર્ડ ખાતે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે. ખેડૂત પેનલ અને વેપારી પેનલ બંનેએ પોત પોતાની રીતે ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે. ચૂંટણી બિનહરીફ કરવા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો થઈરહ્યા હતા. ત્યારે સહકારી વિભાગની બે બેઠક બિનહરીફ થવા પામી હતી. જોકે ખેડુત પેનલ અને વેપારી પેનલ વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે આજે બંને પેનલ માટે મતદાન થઈ રહ્યું છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 16 બેઠકો માટે કુલ 58 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સહકાર વિભાગની બે બેઠક બિનહરીફ થઈ ચૂકી છે.

ત્યારે હવે કુલ 14 બેઠકો માટે અંતે 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ખેડૂત વિભાગના 99 મંડળીના 1462 મતદારો 22 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ કરશે. જયારે વેપારી વિભાગમાં 570 મતદારો 10 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ કરશે. યાર્ડની ચૂંટણીમાં આજ સવારના 9.00 વાગ્યાથી મતદાનનોશાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. મતદાન પ્રક્રિયા સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારે આજ સાંજ સુધીમાં થોડે ઘણે અંશે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

વેપારી વિભાગની 4 બેઠક માટે 10 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે તો ખેડુત વિભાગની 10 બેઠક માટે 22 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી મોટેભાગે બિનહરીફ થતી હોય છે. પરંતુ આ વર્ષે સહકારી ક્ષેત્રમાં પર નો રીપીટ થીયરી અપનાવવામાં આવી છે. ત્યારે આ નવુ સમીકરણ નવા જૂનીના એંધાણ સર્જે તો નવાઈ નહિ !! આ વખતે સહકારી ક્ષેત્રના મોટા માથાઓનાં પતા કપાયા છે. અને યુવા અને નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. જેથી મતદારો આ નવા અભિગમને અપનાવી વધુમાં વધુ મતદાન કરવા પ્રોત્સાહિત થયા છે. મતદારોનાં મત મુજબ ખેડૂતો જયેશભાઈની પેનલને મત આપવા ઉત્સાહિત છે. કારણ કે તેઓની મુખ્ય રજૂઆત ટેકાના ભાવ સાર મળે તેવી હોય છે. ત્યારે ખેડુતોના પ્રશ્ર્નોનું તાત્કાલિક નિવારણ થતું હોય જેથી ખેડુતો આ પેનલને મત આપવા ઉત્સાહિત છે.

આજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. જેની ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે. બેડી યાર્ડની ચૂંટણીમાં આ વખતે અનેક વાદ-વિવાદો પણ સર્જાયા છે અને નવા સમીકરણો પણ ઉમેરાયા છે. ત્યારે હવે આજે મતદાન થયાબાદ કોઈ ચોકકસ અંદાજ લગાવી શકાશે. ખેડુત અને વેપારી બંને પેનલની પોત-પોતાની જીત નિશ્ર્ચિત હોવાના દાવા વચ્ચે હવે જોવાનું રહ્યું કે યાર્ડની સતા પર કોણ જીત હાંસલ કરશે…??

પ્રદેશ પ્રમુખની રિપીટ થિયરી યાર્ડની ચૂંટણીમાં સફળ રહેશે: ડી.કે.સખીયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં મતદાન થઇ રહ્યું છે ત્યારે ડી.કે. સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યાર્ડની ચુંટણીમાં ભાજપનું નવું સમીકરણ ઉમેરાયું છે. પ્રદેશ પ્રમુખની નો રિપિટ થિયરી સો ટકા યાર્ડની ચુંટણીમાં સફળ રહેશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા સામાન્ય ચુંટણી હોય કે લોકસભા, વિધાનસભામાં નવા સમીકરણો સાથે જ ઉતરે છે અને વિજય મેળવે છે. અમારી પેનલ બિનહરીફ જીતશે તેમજ હું અત્યારથી જ અમારી પેનલને અભિનંદન પાઠવું છું. વધુમાં જણાવ્યું હતું કે જયેશભાઇના જે વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં કોઇ તથ્ય નથી. અમારી પેનલે હમેંશા ખેડૂતલક્ષી કાર્યો કર્યા છે તેમજ જે ક્રોસ વોટિંગની વાત છે તો આજે આ ચુંટણીને ધ્યાનમાં રાખીને જે પગલાં લેવાતા હોય છે તેની માત્ર ચર્ચા કરવામાં આવી હતી.

વેપારી પેનલમાં 90 થી 95% મતદાન રહેશે: અતુલ કમાણી

‘અબતક’ સાથેની વાતચીતમાં ઉમેદવાર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડની ચુંટણીમાં પક્ષને ધ્યાન રાખવાની વાત જ નથી. વેપારીના હિત માટેની વાત છે. આજે અમારી વેપારી પેનલમાં 90 થી 95% મતદાન રહેશે અને ખૂબ સારૂં પરિણામ આવવાની આશા રાખી છે. પાંચ વર્ષથી સતત અમે વેપારીને લઇને કામ કર્યા છે. ચૂંટણીમાં અમારી પેનલ 100% વિજેતા થશે. આ ચુંટણીમાં નવા-જૂનીના એંધાણ થવાની પણ પૂરી શક્યતા છે. ખેડૂત પેનલમાં બળવો કરીને ચુંટણીમાં ઝંપલાવ્યું છે. જ્યારે અમારી પેનલને બિનરાજકીય નામ અપાયું છે અને ચુંટણીમાં ઝંપલાવ્યું છે.

જયેશભાઇની પેનલને મત આપવા ખેડૂતો ઉત્સાહિત: મતદારોનો સુર

બેડી યાર્ડની ચુંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ‘અબતક’ સાથેની વાતચીતમાં મતદારોએ પોતાનો સુર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જયેશભાઇની પેનલને મત આપવા ખેડૂતો ઉત્સાહિત છે. ખેડૂતોની એકમાત્ર રજૂઆત હોય છે કે ટેકાના ભાવો સારા મળવા જોઇએ. મુખ્ય ગણાતા પાક એવા કપાસ, મગફળી, ચણાના ટેકાના ભાવ સારા મળવા ખૂબ જરૂરી છે. ખેડૂતોને ઉભા થતા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવતું હોય જેથી આ પેનલને ખેડૂતો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.