કોરોના સામે રસી જ ‘રામબાણ ઈલાજ’: પ્રથમ દિવસે કોવિન પ્લેટફોર્મ પર 1.33 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
કોરોના…કોરોના… કોરોના નહીં, પણ હવે કોરોના વિરૂધ્ધ રસી… રસી… રસી… કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. કોરોનાના આતંકમાથી બચવા હવે, નિયમોનું કડક પણે પાલન અને રસીકરણ જ એક માત્ર ઉપાય છે. રસી જ રામબાણ ઈલાજ છે. કારણ કે, આ સિવાય અન્ય કોઈ દવા કે ઉપચાર ઉપલબ્ધ નથી કોરોના સામે સુરક્ષાનું કવચ મેળવવાનું માધ્યમ હાલ રસીના ડોઝ જ છે. અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશોમાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બનતા જેટલા ઝડપભેર કોરોનામાં સપડાયા હતા તેટલા જ કોરોનામાંથી ઝડપભેર બહાર નીકળી રહ્યા છે. અહીં માસ્ક પહેરવામાંથી મૂકિત મળી ગઈ છે. જો આપણે પણ માસ્કમાંથી મૂકિત મેળવવી છે તો નિયમોની ચૂસ્તપણે અમલવારી કરીએ અને રસીકરણ માટે આગળ આવીએ.
“કોરોના કવચ” માટે યુવા વર્ગમાં જુસ્સો: રજીસ્ટ્રેશન શરૂ થયાના એક કલાકમાં
35 લાખ લોકોએ રસી માટે ગુહાર લગાવી
આગામી 1લી મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ વયના લોકોને રસી આપવાનું શરૂ થઈ જશે. આ માટે ગઈકાલે સાંજે 4 વાગ્યાથી કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ્લીકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રસીકરણ માટે યુવાવર્ગમાં અતિઉત્સાહ જોવા મળ્યો છે. બસ, હવે કોરોનામાંથી મૂકત થઈ જઈ સ્થિતિ પહેલા જેવી કરવા લોકો રસીને જ પ્રાધ્ન્યતા આપી રહ્યા છે. જેના પગલે રજીસ્ટ્રેશન શરૂ થયાને હજુ વધુ 24 કલાક પણ નથી થયા ત્યાં 18 વર્ષથી વધુ વયના 1.33 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. માત્ર એક કલાકની અંદરમાં 35 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા હતા જે દર્શાવે છે કે લોકો હવે રસી પ્રત્યે જાગૃત થઈ ગયા છે.
18 થી 44 વયનાઓને રસી ક્યારે અને ક્યાં મળશે તે સમય
પત્રક સરકાર દ્વારા હજુ તૈયાર ન થતા લોકોમાં મૂંઝવણ
અત્યાર સુધીમાં કોવિન પ્લેટફોર્મ પર રેકોર્ડ 1.33 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે જે સાંજના 4 વાગ્યા સુધીમાં 2 થી 2.5 કરોડ સુધી પહોંચી જશે. જો કે 1 મે પછી લોકોને કઈ તારીખે ક્યાં રસી મળશે તે એપોઇન્ટમેન્ટનું સમયપત્રક હજી સુધી મળવાનું શક્ય બન્યું નથી. કાલથી શરૂ થયેલી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં શરૂઆતની કલાકમાં થોડી અડચણો પણ ઊભી થઈ હતી. કોવિન પોર્ટલ ક્રેશ થતા લોકોને થોડી અગવડ ભોગવવી પડી હતી. સરકારી આંકડા મુજબ કોવિન પોર્ટલ પર 4:00 થી 7:00 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 3 કલાકમાં 80 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને અત્યાર સુધીમાં 1.45 કરોડ લોકોને રસી માટેના મેસેજ સફળ રીતે ડિલિવર થઈ ચૂક્યા છે. જો કે યુવા વર્ગના આ જુસ્સા વચ્ચે હજુ ઘણા રાજયોમાં આગામી 1લી મે થી 18 વર્ષ થી 44 વર્ષના વયજૂથના લોકોનું રસિકરણ શરૂ થાય તે હજુ નિશ્ચિત નથી. રસી ઉત્પાદક કંપનીઓ અથવા કેન્દ્ર સરકાર તરફથી મળતા જથ્થા પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કર્ણાટક તેમજ ગુજરાત સહિતના રાજ્ય સરકારો દ્વારા બાદમાં નક્કી કરાશે અને આ લોકોને ક્યારે, કઈ જગ્યાએ રસી મેળવવાની રહેશે તે બાદમાં જ નક્કી થશે.