24 વર્ષની સફળયાત્રામાં સહયોગ આપનાર નામી-અનામી દાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યા: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે મુકેશ દોશી
વડીલ માવતરોનો આનંદ આશ્રમ એટલે કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગારડી – વૃદ્ધાશ્રમ તેના સેવાયાત્રાના 24 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિના 25 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રાજકોટની જનતા માટે વૃદ્ધાશ્રમ શબ્દ જ નવો હતો ત્યારે વડીલ માવતરોના આશ્રયસ્થાન રૂપે સ્થાપના કરવામાં આવેલા આ “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમમાં આજે પ5 થી વધુ વડીલ માવતરોના શ્રવણરૂપી દીકરાઓ બનવાનું ભગીરથ કાર્ય સતત અને અવિરત છેલ્લા 24 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓની રાત-દિવસ મહેનત અને દાતાઓના શ્રીદાનથી “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમમાં વડીલ માવતરો તેમની પાછોતરી જિંદગીની ટાઢક મેળવી રહ્યા છે.
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ સંસ્થાની વાત કરતા સંસ્થાના સ્થાપક મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ તેમજ ડો.નિદત બારોટે જણાવ્યું છે કે પશ્ચિમીકરણના આંધળા અનુકરણ સામે આજે 21મી સદીનો યુવાન કયાંક ભાન ભૂલ્યો છે. આજે સંયુકત કુટુંબની ભાવના લુપ્ત થતી જોવા મળે છે. દિવસે દિવસે વિભકત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. સંતાનો આજે માતા-પિતાને તરછોડી દે છે. એવા સમયે અવસ્થાએ પહોંચેલ માવતરોના છેલ્લો આશ્રય કયો એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થાય ત્યારે આજથી 26 વર્ષ પહેલા એક નાનકડા વિચાર બીજથી શરૂ થયેલ વૃદ્ધાશ્રમ કે સમાજરૂપી દિકરાઓએ તેમને પ્રેમથી આવકાર આપી અપનાવ્યા છે. કેટલાય કિસ્સાઓમાં માવતરો નિ:સંતાન પણ હોય છે અને આવકનું સાધન હોતું નથી. એવા માવતરો પણ દીકરાનું ઘરમાં પોતાની પાછોતરી જિંદગીની ટાઢક પામી રહયા છે.
હાલ વૃદ્ધાશ્રમમાં 55 માવતરો નિ:શુલ્ક પોતાનું મસ્ત જીવન જીવી રહ્યા છે. આવા ભાવથી શરૂ કરેલ સંસ્થા સંસ્કૃતિ વિરુદ્ધનું કાર્ય હોવા છતાં આજે સમાજમાં સ્વીકૃતિ મેળવેલ છે.
27 મી સપ્ટેમ્બર 1998ના રોજ ભારત ભામાશા દાનવીર પૂ.દીપચંદભાઈ ગારડી, સ્વ.ઉર્મિલાબેન રામચંદ્ર શુકલ અને પૂર્ણિમાબેન જોશીના શ્રીદાનથી રાજકોટ શહેરના ગોંડલ રોડ સ્થિત ઢોલરા ગામે 24 વર્ષ પહેલા 3 એકરમાં “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમની સ્થાપના અને શરૂઆત સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશભાઈ દોશી અને તેની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી.
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમની સ્થાપનાકાળથી 25 વર્ષની સફરના સેવાકાર્યોની વિગત આપતા સંસ્થાના અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ આદ્રોજાએ વધુમાં જણાવ્યું છે કે “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમની છેલ્લા 24 વર્ષોમાં 7 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂકયા છે. જેમાં ગુજરાત રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી, ગવર્નર, ગુજરાત રાજ્યના ધારાસભ્યો, મંત્રીઓ, સામાજિક, રાજકીય અને વ્યાપારી જગતના અનેક મહાનુભાવો તેમજ વિવિધ ધર્મ અને સંપ્રદાયના સાધુ-સંતો અને દરેક ક્ષેત્રના આગેવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ સંસ્થાના રજત જયંતિના વર્ષમાં પ્રવેશના અવસરે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ ક્ષેત્રના અગ્રણી, મહાનુભાવો, શહેરીજનો અને સાધુ સંતો દ્વારા “દીકરાનું ઘર” સમગ્ર ટીમ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવતા આ પ્રેરણારૂપ ઉમદાકાર્યની વિશ્ર્વના ફલક ઉપર નોંધ લઈ બિરદાવવામાં આવી રહી છે.
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમની સેવાયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવાના અને રજન જયંતિ વર્ષમાં પ્રવેશ થવાની ઉજવણી પણ સંસ્થા દ્વારા 2022-23નું સંપૂર્ણ વર્ષ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી જ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. જેની સમગ્ર રૂપરેખા ભવિષ્યમાં જાહેર કરવામાં આવનાર છે. “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમના પરિસરને રંગબેરંગી લાઈટો રોશનીથી શણગારવામાં અને સુશોભિત કરવામાં આવ્યું છે. રંગોળીના રંગો અને ફુલોના શણગાર અને આસોપાલવના તોરણથી પણ પરિસરને શણગાર કરવામાં આવ્યું છે.
151 દીવડાઓની મહાઆરતી અને મહાદેવની વિશિષ્ટ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમના હાથ-પગ અને હૈયું સમાન કોર ટીમના સભ્યો હરેશ પરસાણા, વસંતભાઈ ગાદેશા, સુનીલ મહેતા, ગૌરાંગ ઠકકર, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ડો.મયંક ઠક્કર, ઉપેન મોદી, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઈ મહેતા, દીપકભાઈ જલુ, ઘનશ્યામભાઈ રાચ્છ, ડો.શૈલેષ જાની, જયેશ સોરઠીયા સહિતના “દીકરાનું ઘર” માવજત કરી રહયા છે.
દીકરાનું ઘર દ્વારા પ્રકલ્પ ‘હુંફ’ની શરૂઆત: મુકેશ દોશી
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા સંસ્થાના નેજા હેઠળ કાયમી પ્રકલ્પ હુંફ ની પણ શરુઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં સંસ્થા દ્વારા કોઇ વ્યકિત અસાધારણ બીમારીથી પીડાતું હોય આવકનું સાધન ન હોય, કુટુંબમાં કોઇ સાર સંભાળ લેવાવાળુ ન હોય, કુટુંબે તરછોડી દીધા હોય તેવા લોકો માટે નિ:શુલ્ક નસિગ કરે હુંફ ની શરુઆત થશે.
જે માટેની તૈયારી શરુ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસમાં આ આશિર્વાદરુપ આ પ્રકલ્ય શહેરીજનો માટે ખુલ્લો મુકાશે આ ઉપરાંત સમગ્ર વર્ષ દરયિમાન સંસ્થા દ્વારા વડીલ વંદના, દીકારાનું ઘર માં રહેતા માવતરો માટે યાત્રા, કાર્યકર્તાઓનો પ્રવાસ, મહા રકતદાન શિબિર, ધાર્મિક કાર્યક્રમો, શહેરની સેવા સંસ્થાઓનું સન્માન સહીતના કાર્યક્રમનું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન થનાર છે.