વહીવટી તંત્રની સાથે મળી NDRF, SDRF અને આર્મીના જાબાઝ જવાનો દિવસ-રાત કરી રહ્યા છે રાજ્યભરમાં રાહત-બચાવની કામગીરી
- વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં નાગરિકોની આરોગ્ય સલામતી માટે 35 મેડિકલ ટીમો મોકલાઈ
- પૂરગ્રસ્ત વડોદરામાં બે દિવસમાં પાણી વચ્ચે ફસાયેલા 1271 લોકોને રેસ્ક્યુ અને 10,335 લોકોને સ્થળાંતરિત કરાયા
- સુરત મહાનગરપાલિકાએ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તરો માટે એક લાખ ફુટ પેકેટ-પાણીની બોટલનો જથ્થો મોકલ્યો
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડી વિસ્તારમાં ફસાયેલા 4 લોકોને એર લીફ્ટ કરી સલામત સ્થળે ખસેડાયા
- વિવિધ જિલ્લાઓમાં વિકટ અને વરસાદી વાતાવરણ વચ્ચે સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાઈ
કુદરતી આપદામાં રાજ્યના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરાવી એ ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર છે. આ નિર્ધારને પરિપૂર્ણ કરવા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં સતત ચાર દિવસથી નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર રાહત-બચાવની કામગીરીમાં જોડાયેલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સાથે મળીને NDRF-SDRFની ટીમો ઉપરાંત આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો પણ રાહત-બચાવ કામગીરીમાં જોડાયા છે.
મુસીબતના સમયે નાગરિકોની વ્હારે આવ્યા રાજ્ય સરકારના કર્મવીરો
• વડોદરા તાલુકાના પૂરગ્રસ્ત કોટાલી અને દેના ગામમાં ફસાયેલા નાગરિકોને નંદેસરી ગ્રામ પંચાયત અને દેના ગામના તલાટીએ NDRFની ટીમની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. સાથે જ તેમણે બે દિવસ સુધી નાગરિકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું.
• કચ્છના અંજાર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાત્રીના સમયે ઘરોમાં પાણી ભરાતા બેઘર થયેલા અનેક નાગરિકોને સુરક્ષિત રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. અંજાર પોલીસે દેવદૂત બનીને નાગરિકોને પોલીસની ગાડીમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
• જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના લીધે પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોનું જામનગર પોલીસ દ્વારા રેસ્કયું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
• જામનગર દ્વારકા રોડ પર ભારે જળ પ્રવાહના કારણે રસ્તો બંધ હોવાથી અનેક વાહનચાલકો અટવાયા હતા. જેમને મદદરૂપ થવા આર.ટી.ઓ. – જામનગર કચેરીના અધિકારી-કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી તમામ રાહદારીઓને તેઓના સ્થળ પર પહોંચી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.
• કચ્છના હમીરસર તળાવ નજીક અસ્થિર મગજની મહિલા રસ્તામાં બેહોશ હોવાની જાણ થતા જ મહિલા પોલીસની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને બેહોશ મહિલાને માનવ જ્યોત સંસ્થાની મદદથી સુરક્ષિત જગ્યાએ ખસેડાઇ હતી અને જરૂરી સારવાર અપાઈ હતી.
ધરાશાયી થયેલા વૃક્ષોની આડશ દૂર કરીને રસ્તાઓ પૂર્વવત કરાયા
• અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વૃક્ષને ગણતરીની કલાકોમાં જ હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
• કચ્છ જિલ્લાના અંજાર – સતાપર – લાખાપર રોડ તથા ભુજ- માંડવી હાઇવે પર વૃક્ષો ધરાશયી થઈ જતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર ફરી શરુ કરવામાં આવ્યો છે.
• કચ્છની અંજાર નગરપાલિકા દ્વારા ભારે પવનના લીધે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા અંજાર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના લીધે રોડ રસ્તાઓ પણ બ્લોક થયા હતા. તે તમામ રસ્તોપ પરથી આડશ દૂર કરીને જાહેર રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા હતા.
• આ ઉપરાંત કચ્છના રાપર ડાભુંડા રસ્તા પર ભારે વરસાદના પગલે વૃક્ષ ધરાશયી થતાં તેને તત્કાલ અસરથી માર્ગ મકાન વિભાગ દ્વારા દૂર કરીને રસ્તાને પૂર્વવત કરાયો હતો.
• જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા તરસાઈથી હનુમાનગઢ ગામના રસ્તા પર મધરાતે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયા હતા, ત્યારે જામજોધપુર તાલુકા પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવીને માર્ગ પુનઃ શરુ કરવામાં આવ્યો હતો.
વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગ સજ્જ
• વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં નાગરિકોની આરોગ્ય સલામતી માટે સુરત, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી કુલ 35 મેડિકલ ટીમોને જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી મોકલવામાં આવી છે. જરૂર જણાયે વધારે ટીમો પણ મોકલવામાં આવશે. આ ટીમ સ્થાનિક જનોની સ્વાસ્થ્ય ચકાસણી સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરશે.
• વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળા અટકાયત માટે રાજ્ય સરકારની 20 અને વડોદરા મહાનગરપાલિકાની 67 ટીમ સહિત કુલ 87 ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે 200 ટીમ કાર્યરત છે.
• અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા 48,500 ઘરોની તપાસ કરવામાં આવી છે. 10 હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ, 30 હજારથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ 6500થી વધારે ORS પેકેટનું વિતરણ કરવા સહિત 719 લોહીના નમૂના લેવામાં આવ્યા છે.
• આ સાથે જ આશ્રયસ્થાનોમાં આશરો લીધેલા 10 હજાર ઉપરાંત નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા સાથે 16,153 ક્લોરીન ગોળી અને 4838 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે થયેલી મુખ્ય રાહત-બચાવ કામગીરી:
• ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેર અને જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ-રાહત કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં વડોદરા શહેર અને ડેસર તાલુકામાં પાણી વચ્ચે ફસાયેલા આશરે 1271 લોકોને રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
• આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10,335 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી હાલની સ્થિતિએ 9704 લોકો આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે, જ્યારે 333 લોકો સ્થિતિ સામાન્ય થતા તેમના ઘરે પરત ફર્યા છે.
• વડોદરામાં પુર અસરગ્રસ્ત વિસ્તારો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગત રાત્રીએ મોકલવામાં આવેલા એક લાખ ફુટ પેકેટ અને પાણીની બોટલનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જેનું વડોદરા પુરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે.
• વડોદરા શહેરમાં રાહત તથા બચાવની કામગીરીમાં તીવ્રતા માટે ડભોઇથી 14, કરજણથી 10 અને વડોદરા ગ્રામ્ય વિસ્તારથી 15 મળી કુલ 39 યાંત્રિક અને મેન્યુઅલ બોટ વડોદરા શહેરમાં લાવવામાં આવી છે અને તેને રાહત કામે જોડવામાં આવી છે.
• દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પરિણામે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી 04 નાગરિકોને કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરની મદદથી એર લીફ્ટિંગ કરી સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. જ્યારે, દેવળીયા ગામે પણ પાણીમાં ફસાયેલા 7 જેટલા લોકોને NDRF ટીમની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
• અમરેલીના શિયાળબેટ ગામના એક સગર્ભા મહિલાને સંભવિત પ્રસુતિ તારીખનો સમય નજીક હોવાને કારણે સાવચેતીના ભાગરુપે બોટ મારફતે પ્રસુતિ અર્થે રાજુલા નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
• તેવી જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે પરનાળા ગામના સગર્ભા મહિલાને પ્રસવ પીડા થતા પરનાળા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી હતી.
• કચ્છમાં અનરાધાર વરસાદના પગલે માંડવી તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે ત્યારે મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
• જામનગરના જામજોધપુર તાલુકામાં પાણીનું વહેણ વધતા તરસાઈ ગામના નીચાણવાળા અને વાડી વિસ્તારમાં રહેતા તેમજ બાજુના વાંસજાળીયા ગામની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને મળી કુલ 74 લોકોનું વહીવટી તંત્ર દ્વારા જીવના જોખમે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
• વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહતની કામગીરી થઇ રહી છે. આજે સવારથી બપોર સુધીમાં પ્રમુખ એવન્યુ, વિશ્વામિત્રી ટાઉનશીપ અને સામ્રાજ્ય ટાઉનશીપ વિસ્તારમાંથી લગભગ 47 લોકોને આર્મીએ સલામત બહાર કાઢ્યા હતા. સાથે જ તેમણે આ વિસ્તારોમાં 2000થી વધુ પૂર પ્રભાવિત લોકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું.
• વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી આજે 39 લોકોને તેમજ વડસર વિસ્તારમાંથી વધુ 36 લોકોને મળી આજે NDRFની ટીમો દ્વારા પાણીમાં ફસાયેલા કુલ 75 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત આશ્રય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા.