ગિરનાર ક્ષેત્રની પવિત્રતા જાળવવા સાથે પ્રદૂષણ મૂકત રાખવાની આપણા સૌની જવાબદારી છે : ડો. સાવંત
ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે ગઈકાલે ગિરનાર પર મા અંબાના પુજા દર્શન, આરતી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી. મા અંબાના દર્શન બાદ મુખ્યમંત્રી એ પગપાળા ભગવાન દત્તાત્રેયના દર્શનનો લાભ લીધો હતો. તેમણે ગિરનાર દર્શન, રોપ-વેની સફર સાથે હરિયાળી ચાદર ઓઢેલા ગિરનાર પર પ્રકૃતિ દર્શનનો પણ નજારો માણ્યો હતો.
મા અંબાના દર્શન બાદ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા ગોવાના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હૂં આ પહેલા પણ ગિરનાર આવ્યો છુ. ત્યારે પગપાળા 10 હજાર જેટલા પગથીયા ચડીને માતાજી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. ત્યારે મારે 12 કલાક જેટલો સયમ થયો હતો. આજે રાજય સરકાર દ્વારા ઉષા બ્રેકોના માધ્યમથી ઉભી કરાયેલ રોપ-વે સુવિધાનો લાભ મળ્યો છે.
આથી 4 કલાક જેટલો જ સમય થયો છે. પ્રવાસીઓ યાત્રીકો માટે ગિરનાર પર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ યાત્રીકો સહિત આપણા સૌની ગિરનાર ક્ષેત્રની પવિત્રતા જાળવવા સાથે પ્રદૂષણ મુકત રાખવાની જવાબદારી બને છે.
ગોવાના મુખ્યમંત્રીએ ગિરનાર પરના વિવિધ ઐતિહાસિક સ્થળો, ગિરનાર સાથે જોડાયેલ ઐતિહાસિક તથ્યો, ગિરિ પર્વત પરની વન સંપદા, અહીંની પ્રવાસન સુવિધા સહિતની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીને રોપ-વે ખાતે ઉષા બ્રેકોના રિજીયન હેડ દિપક કપલીશ તથા રેસિડેન્ટ મેનેજર જી.એમ.પટેલે આવકાર્યા હતા.