દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન છે. ઘરમાં રહીને સમય કેવી રીતે પસાર કરવો તે સૌથી મોટો પ્રશ્ર્ન લોકો સામે આવીને ઉભો છે. ત્યારે વર્તમાન સમય પરિવાર સાથે હળીમળીને આનંદ માણવાનો હોવાનું શહેર આગેવાનો જણાવી રહ્યાં છે. ધંધા-બિઝનેશ બંધ છે એવા સંજોગોમાં લોકોએ બહાર નિકળી આંટાફેરા મારવાની જગ્યાએ ઘરમાં રહીને કંઈક શિખવું જરૂરી છે. ઘરમાં રહો, સ્વસ્થ રહો સમાજ ઉપર જોખમ ઉભુ ના કરો તેવું આહ્વાન સામાજીક, રાજકિય અને આર્થિક ક્ષેત્રના આગેવાનો વખતો વખત કહી ચૂકયા છે. લોકડાઉનમાં લોકોએ સમયનો સદ્ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની માહિતી સોશિયલ મીડિયા પરથી મળે જ છે. ઘરમાં રહીને પરિવારના અન્ય સભ્યોને મદદ કરવાની ઈચ્છા લોકડાઉન દરમિયાન લોકોને આપોઆપ થઈ રહી છે.
ઘરે રહી હળીમળીને રહેવાનો આનંદ અનેરો: વિપુલભાઈ પાનસુરિયા
આઉટ ઓફ ધી બોકસના ઓનર વિપુલભાઈ પાનસુરિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકડાઉન જે કારણે થયું છે તે કારણ યોગ્ય નથી. પરંતુ ૨૧ દિવસના આ સમયગાળામાં પરિવાર સાથે રહી, એકબીજાને સમય આપી શકે છે. સવિશેષ તેવો હાલમાં પોતાના ગામડે હોવાથી બાળકો પણ ગામડાનાં વાતાવરણને માણે છે અને અલગ અલગ દેશી રમતો પણ રમતા થયા છે. તેમના પત્નીએ પણ જણાવ્યું કે પહેલા તેમનું ફેમીલી માત્ર બે થી ત્રણ દિવસ માટે ગામડે જતા અને ત્યારે કામનું તો ટેન્સન હોય જ. પરંતુ હાલ જે ૨૧ દિવસનો સમય મળ્યો છે તે માત્ર ને માત્ર પરિવાર માટેનો છે. ઘરે રહી હળીમળીને રહેવાનો આનંદ અનેરો છે.
દર મહિને આવુ એક લોકડાઉન જરૂરી: ગૌતમભાઈ ધમસાણીયા
મારા ફેમેલી અને મિત્ર સર્કલમાં મારી ખૂબ એક્ટિવ તરીકેની છાપ છે. ખરેખર સવારના સાડા આઠ વાગ્યાથી સાંજના સાડા આઠ વાગ્યા સુધી મારા ધંધા અને સેવાકિય સંસ્થાના કામોમાં રચ્યો-પચ્યો રહુ છું. આ ૨૨ તારીખે જે લોકડાઉન આપ્યું ત્યારથી આજ સુધીમાં મારા ફલેટના દરવાજો ઓળંગ્યો નથી. એ જોઈ મારી ફેમીલી પણ આશ્ર્ચર્ય અનુભવે છે. હંમેશા બહાર રહેવાવાળી વ્યક્તિ આખો સમય અંદર કેવી રીતે રહી શકે પરંતુ આપણા દેશ પર કોરોનાની મહામારી છે ત્યારે આપણે પ્રશાસનને આપણાથી બનતી અને આપણી જરૂરી મદદ કરીને જ માત કરી શકશું. મારા પત્ની લગ્નના પચ્ચીસ વર્ષની સુખદ આનંદ અનુભવતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બાળકો સાથે પણ અમે આટલો સમય ક્યારેય સાથે રહ્યાં નથી તો એમને પણ આમ અજુકતું લાગે છે. હળવાશની પળો ફેમીલી સાથે વિતાવીએ છીએ. યોગાશનો, ધ્યાન તેમજ ધાર્મિક સિરીયલો જોઈએ છીએ તથા બાળકો સાથે બોર્ડ ગેમો રમીએ છીએ. ૨૧ દિવસના લાંબાગાળા દરમિયાન જે શાંતિનો અનુભવ કર્યો છે અને મારી બાલ્કનીમાં બેસીને કુદરતી વાતાવરણની આનંદ માણે છે તે ૨૧ દિવસ પછી નહીં મળે. આ લોકડાઉનથી એવું લાગે છે કે આપણે કુદરતના ખોળે બેસવું હોય તો મહિને એક આવું લોકડાઉન હોવું જોઈએ.