ફોર્મમાં ખોટી કે અધૂરી માહિતી આપી હશે તો ગુન્હો નહીં ગણાય!
ગુજરાત હાઈકોર્ટે કહ્યું ‘છેતરપિંડી’નો કેસ ન બને માત્ર રોકડ દંડ કરી શકાય
ચૂંટણીના મુરતીયાઓ આનંદો કેમ કે ચૂંટણીલક્ષી ઉમેદવારીના ફોર્મમાં ખોટી કે અધૂરી માહિતી આપી હશે તો તે ગુનો નહીં ગણાય. ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું કે, આમ કરવાથી આ કૃત્ય છેતરપિંડીનો કેસ નહીં ગણાય પરંતુ સજા પાત્ર અને માત્ર રોકડ દંડ જ કરી શકાશે.
આ કેસની વિગત એવી છે કે, કેશોદ નજીકના ખંભાળા ગામના સરપંચ દેવાભાઈ મફાભાઈ દ્વારા સરપંચ અંગેની ચૂંટણીના ઉમેદવારના પત્રકમાં તેમણે ચાર સંતાનોની જગ્યાએ માત્ર બે સંતાનો છે તેવી ખોટી અથવા અધૂરી માહિતી આપી હતી. તેમની સામે ફરિયાદ દાખલ થતા ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૬૭ અને ૧૭૧ મુજબ ચૂંટણીલક્ષી ઉમેદવારી પત્રકમાં ખોટી માહિતી આપવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે તેમના પદ ઉપરથી રાજીનામુ પણ આપવું પડયું હતું. અંતે મામલો ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થતા ઉપર મુજબની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, હવે ચૂંટણીલક્ષી ઉમેદવારી પત્રકમાં ખોટી કે અધૂરી માહિતી આપવા બદલ કૃત્ય ગંભીર ગુનો નહીં ગણાય અને છેતરપિંડીનો કેસ નહીં બને પરંતુ તેમને માત્ર રોકડ દંડ ફટકારીને છોડી દેવાશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચુંટણી માથા ઉપર છે ત્યારે જ ગુજરાત હાઈકોર્ટે આ સુચક ચુકાદો આપ્યો છે.