રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરી અને શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થામાં શનિવારની રજા જાહેર કરી દેવાતા મિનિ વેકેશન
અબતક, રાજકોટ
વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર અને તમામ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મિનિ વેકેશનનો મેળ કરી દીધો છે. આજે શનિવારે શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતા મિનિ વેકેશન મળી ગયું છે.
રાજ્ય સરકારના સામાન્ય પરિવહન વિભાગ દ્વારા ગત 13મીના રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓમાં શનિવારે રજા રહેશે.
નોવેલ કોરોના વાયરસના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ આવશ્યક, તાત્કાલીક સેવાઓ સાથે સંકળાયેલ વિભાગો, કચેરીઓ જેવી કે આરોગ્ય અને પરિવાર કલ્યણ વિભાગ તેમજ તેઓને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, (આવશ્યક/તાત્કાલીક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી-અધિકારીઓ), ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલ સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ વગેરે જેવી કચેરીઓને રજા સંબંધેની સુચનાઓ લાગુ પડશે નહિં.
શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. દરમિયાન ગઇકાલે મોડી સાંજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ એવી જાહેરાત કરી હતી કે શનિવારે તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. શુક્રવારે ઉત્તરાયણની રજા હતી, શનિવારે રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે અને રવિવારના રોજ જાહેર રજા હોય છે. આમ વિદ્યાર્થીઓ શિક્ષકો, પ્રોફેસર અને સરકારી કર્મચારીઓને ત્રણ દિવસનું મિનિ વેકેશન મળી ગયું છે. બજારમાં પણ આજે ઉડે ઉડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે.