રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ હવે ૬પ વર્ષની ઉંમર સુધી રેલવેમાં પોતાની સેવાઓ આપીને નોકરી કરી શકશે. રેલવેએ પોતાના નિવૃત્ત કર્મચારીઓની ફરીથી સેવા લેવાની વય મર્યાદા વધારીને ૬પ વર્ષની કરી છે. રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે સેવા નિવૃત્તિ બાદ પાંચ વર્ષ સુધી તેમની સેવાનું એકસ્ટેન્શન કરવામાં આવશે.
રેલવે બોર્ડ દ્વારા તમામ જનરલ મેનેજરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સેવા નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રેલવેની સેવા અને નોકરીમાં લેવાની વય મર્યાદા હવે ૬ર વર્ષથી વધારીને ૬પ વર્ષની કરવામાં આવી છે, જેના કારણે આવા વધુ કર્મચારીઓને રેલવેમાં પોતાની સેેવા આપવાની તક મળશે. તેમાં જણાવાયું છે કે આ યોજનાની કાયદેસરતાની મર્યાદા ૧૪ સપ્ટેમ્બર ર૦૧૮થી વધારીને ૧ર જાન્યુઆરી ર૦૧૯ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ હવે ર૦૧૮ સુધીમાં સમાપ્ત થનારી આ યોજના હવે ર૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.
રેલવે મંત્રાલયના આ નવા નિર્ણય હેઠળ સેવા વિસ્તારમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી કર્મચારીઓને ભારે અછત છે. એટલે સુધી કે ગેંગમેન અને ટ્રેકમેનની પણ ભારે અછત છે. તેના કારણે રેલવેની સુરક્ષા વ્યવસ્થા પણ પ્રભાવિત થઇ રહી છે.
આ બધા પરિબળોનેે ધ્યાનમાં લઇને રેલવેએ તેના નિવૃત્ત કર્મચારીઓના રેલવેની સેવામાં પુનઃસ્થાપન માટેની વયમર્યાદા લંબાવી દીધી છે અને હવે તેના પગલે રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ ૬પ વર્ષ સુધી પોતાની સેવા રેલવેમાં આપી શકશે.
જોકે રેલ મંત્રાલય એવો દાવો કરે છે કે મોટા પાયે રોજગાર ઊભા કરવામાં આવશે કે જેથી રેલવેમાં યુવાનોને રોજગાર મળી શકે, પરંતુ હજુ સુધી આ અંગે કોઇ મોટી જાહેરાત કરવામાં આવી નથી.