અબતક, રાજકોટ
રાજકોટના રાજમાર્ગો પર આવતા સપ્તાહથી 24 ઈલેકટ્રીક બસ દોડવા લાગશે. પ્રથમ તબક્કામાં બીઆરટીએસ રૂટ પર ઈલેકટ્રીક બસ દોડાવવામાં આવશે. કુલ 50 બસની મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ ફેઈઝમાં 24 બસ શરૂ કરાયા બાદ સમયાંતરે બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન પણ તૈયાર થઈ ગયા છે. જેમાં 15 ચાર્જીંગ પોઈન્ટ પૈકી હાલ 5 ચાર્જીંગ પોઈન્ટ તૈયાર છે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા રાજકોટમાં 50 પ્લસ 100 ઈલેકટ્રીક બસ દોડાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત હાલ 24 બસનું આગમન થઈ ગયું છે. અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે જ્યાં કુલ 15 ચાર્જીંગ પોઈન્ટ બનાવવામાં આવનાર છે. જે પૈકી 5 પોઈન્ટ તૈયાર થઈ ગયા છે અને બાકીના 10 પોઈન્ટની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે ટ્રાન્સફોર્મમાં ભેજ હોવાથી ચાર્જીંગમાં થોડી તકલીફો ઉભી થઈ રહી છે. આવતા સપ્તાહે રાજકોટમાં સિટી બસ શરૂ કરી દેવામાં આવશે.
સૌપ્રથમ બીઆરટીએસ રૂટ પર ઈલેકટ્રીક બસ દોડાવાશે: પ્રથમ ફેઈઝમાં 24 બસ દોડશે, કુલ 50 બસની મંજૂરી: અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન તૈયાર: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની જાહેરાત
પ્રથમ તબક્કે 24 બસ શહેરમાં દોડાવવામાં આવશે. જેમાં ફેઈઝ-1માં બીઆરટી રૂટ પર દોડાવવામાં આવશે. ત્યારબાદ ક્યાં રૂટ પર ઈલેકટ્રીક બસ દોડાવવી તે અંગે રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્ણય લેવામાં આવશે. શહેરમાં ઈલેકટ્રીક બસ દોડાવવા માટેનો કોન્ટ્રાકટ પી.એમ.આઈ. ઈલેકટ્રો મોબીલીટી સોલ્યુશન પ્રા.લી. નામની કંપનીને આપવામાં આવ્યો છે. જેમાં કિલોમીટર દીઠ રૂા.53.91ની ચૂકવણી કરવામાં આવશે. જેમાં મહાપાલિકાની રાજ્ય સરકાર દ્વારા મહત્તમ 25 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ટિકિટીંગ પેટે રૂા.15 થી 18ની આવક થશે. મહાપાલિકાએ 11 થી 12 રૂપિયા ભોગવવાના રહેશે. એક બસ રોજ 190 કિ.મી. જેટલી ચાલશે.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અલગ અલગ બે તબક્કામાં રાજકોટમાં કુલ 50 અને 100 એમ મળી 150 ઈલેકટ્રીક બસ દોડાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સી.એમ.બસ યોજના અંતર્ગત બસની ફાળવણી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં 24 ઈલેકટ્રીક બસનું આગમન થઈ ચૂકયું છે પરંતુ તે ક્યારથી રાજમાર્ગો પર દોડશે તે અંગે ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. આવતા સપ્તાહથી શહેરના રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ દોડવા લાગશે.