તા. 23 જુન રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધા સાથે નિર્માણાધીન એઇમ્સ ખાતે વિવિધ બિલ્ડીંગ સ્ટ્રકચર અને લેવલીંગ પ્રક્રિયા ઉતરોતર પ્રગતિ કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલ તેમજ મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એઇમ્સની રેમ્યા મોહને તેમના કલેકટરના કાર્યકાળના છેલ્લા દિવસે સાઈટ વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
એઈમ્સનું કામ પુરજોશમાં
વહીવટી તંત્રના સહયોગથી જમીન સંપાદન, રસ્તા અને જન સુવિધાઓના નિર્માણની પ્રક્રિયા પ્રગતિ હેઠળ: ફરજના અંતિમ દિને સ્થળ વીઝીટ કરી વિગતો જાહેર કરતા રેમ્યા મોહન
એઈમ્સની મેડિકલ સુવિધાના પ્રારંભ માટે બિલ્ડીંગ, મેડિકલ ટીમ, હ્યુમન રીસોર્સ અને ઈક્વીપમેન્ટ ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે: એઈમ્સ ડાયરેકટર ડો.સી.ડી.એચ.કટોચ
- 201 એકર જમીનમાં રૂ. 1200 કરોડના ખર્ચે 750 બેડના 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ બનશે
- ઓ.પી. ડી. બિલ્ડીંગનું સ્ટ્રકચર અને બાઉન્ડ્રી વોલ તૈયાર
- એકેડેમિક, હોસ્ટેલ્સ, ડાઇનિંગરૂમ્સ, ગેસ્ટ હાઉસ, નર્સિંગ, પી.જી. હોસ્ટેલ, હાઉસિંગ, સહિતના બિલ્ડિંગના સ્ટ્રક્ચર નિર્માણ કાર્યરત
- એઇમ્સને જોડતા વિવિધ રસ્તાઓનું કામ ગતિમાં, આંતરિક રસ્તાઓની કામગીરી ચાલુ
- એઇમ્સ ખાતે 66 કે.વી.નું સબ સ્ટેશન, બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી હાથ ધરાઈ
કલેકટરે આ તકે કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઇમ્સ નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ વગેરે માટે જરૂરી કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરાયા છે. તેમણે આનંદ સાથે જણાવ્યું હતું કે, એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે.
એઈમ્સના ડાયરેક્ટર ડો. (કર્નલ) સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે ડિસેમ્બર-2021માં ઓ.પી.ડી. અને જૂન -2022 આસપાસ અમે ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકીએ તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થાય તે તરફ હાલ અમારું ફોક્સ છે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે જેમાં ઓ.પી.ડી. શરુ કરાશે. સાથો-સાથ આયુષ બ્લોકની કામગીરી ચાલી રહી છે જ્યાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના વિભાગની 30 થી 50 જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે.
ત્યારબાદ એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈએ વહીવટી તંત્રની ભૂમિકા વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એઇમ્સ માટે જરૂરી જમીન અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. રૂડા, કોર્પોરેશન તેમજ આર. એન્ડ. બી. ના સહયોગથી એઇમ્સના બંને ગેઈટ તરફ 90 મીટરનો સી રોડ, એઇમ્સને કનેક્ટિવિટી માટે માધાપરથી મોરબી રોડથી એઇમ્સ તરફ તરફ 10 મીટરના રોડના નિર્માણની પ્રક્રિયા હાલ ચાલુ છે.
એઇમ્સને ઘંટેશ્વર તરફ જોડતા જામનગર રોડ તરફ 90 મીટરના અડધા રોડની કામગીરી ચાલુ છે તેમજ એઇમ્સના પાછળના ભાગે પરાપીપળીયા સાથે જોડતા 10 મીટરના રોડની કામગીરી પણ હાલ કાર્યરત છે. ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી હાથ ધરાશે તેમજ ખંઢેરી રેલવે સ્ટેશને પબ્લિક સુવિધામાં ઉમેરો કરવાની કામગીરી ચાલી રહી છે.પબ્લિક એમિનિટીઝ તેમજ અન્ય સુવિધાઓ વિષે વાત કરતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, એઇમ્સ ખાતે 66 કે.વી.નું સબ સ્ટેશન કાર્યરત કરાઇ રહયું છે કે જ્યાંથી ડાયરેક્ટ વીજ લાઈન પુરી પડાશે તેમજ બસ સ્ટેશન, ફાયર સ્ટેશન , પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી માટે માટે તંત્ર હાલ કાર્યરત છે.એઇમ્સ ખાતે એચ.એસ. એસ.સી. દ્વારા ક્ધસ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે.
એચ.એસ.સી.સી. ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્યામસુંદરે મહાનુભાવોને પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, 600 જેટલા કારીગરો અને મજૂરો દ્વારા ક્ધસ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે.હાલ બોયઝ હોસ્ટેલનું સ્ટ્રક્ચર પૂર્ણતાને આરે છે, ગર્લ્સ હોસ્ટેલ, ડાઇનિંગ, ગેસ્ટ હાઉસ, એકેડમિક બ્લોક્સ, નર્સિંગ, પી.જી. હોસ્ટેલ, હાઉસિંગના ફાઉન્ડેશન તેમજ સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે.કલેકટર રેમ્યા મોહને એઇમ્સ સાઈટ ખાતે વૃક્ષારોપણ કરી ગ્રીન એઇમ્સનો પાયો નાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિકવીડ વેસ્ટ, વોટર હાર્વેસ્ટિંગ તેમજ બાયોમેડિકલ વેસ્ટ અલાયદા બ્લોક સાથે એઇમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું ડેપ્યુટી ડાયરેકર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, એચ.એસ.સી.સી. પ્રોજેક્ટના મેનેજર લવ ચાંગલા પણ ઉપસ્થિત રહ્યા હતાં.