કોમર્સ ઝોન, ગેમ ઝોન, બાળનગર, મેક ઈન ઈન્ડિયા, સ્પોર્ટસ, સેલ્ફી ઝોન, સર્જિકલ સ્ટ્રાઈક જેવા કાર્યક્રમોને નિહાળવા શહેરીજનો ઉમટયા
રાજકોટની ઈનોવેટીવ સ્કુલ ખાતે ઈનોવેટીવ એકસ્પો-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ધો.૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પ્રોજેકટ તેમજ કૃતિઓને રજુ કરી હતી.
જેમાં આર્ટ એન્ડ ક્રાફટ, કોમર્સ ઝોન, ઈનોવેટીવ સાયન્સ, મેથ્સ ઝોન, સ્ટોરી ઝોન, બાલનકારી, આઈટીસી, મેક ઈન ઈન્ડિયા, પેટા, ડિવાઈન ચિલ્ડ્રન, લેગો, યોગા, પારા સ્પોર્ટસ, સેલ્ફી ઝોન, સર્જિકલ સ્ટ્રાઈક વગેરે પ્રકારના ઝોન પાડવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
ઈનોવેટીવ શાળાના બાળકો પણ ‘ઈનોવેટીવ’: મોનાબેન રાવલ
ઈનોવેટીવ ઈંગ્લીશ મીડિયમ સ્કુલના આચાર્ય મોનાબેન રાવલે જણાવ્યું હતું કે, અમારી શાળામાં બે દિવસીય ઈનોવેટીવ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જ બાળકોએ ખુબ ઉત્સાહથી આ એકસ્પોની તૈયારી કરી છે. બધા જ બાળકો માટે અલગ-અલગ ઝોન રાખવામાં આવ્યા છે.જેમાં સાયન્સ એન્ડ ઈનોવેશન, ઈ-કોમર્સ, બાલનગરી, ડિવાઈન ચિલ્ડ્રન, કોમ્યુનીટી હેલ્પર્સ, પેટા, મેથ્સ ઝોન, ગેમ ઝોન, મેક ઈન ઈન્ડિયા વગેરે મહત્વના ઝોનમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેકટ પ્રસ્તુત કરી રહ્યાં છે. આ તકે શિક્ષકો તેમજ વાલીઓનો પ્રતિસાદ ખુબ જ સારો મળી રહ્યો છે.
કલાત્મક હેન્ડમેડ વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું: તનીષાબેન
આ તકે ઈનોવેટીવ સ્કુલમાં ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તનીષાએ જણાવ્યું હતું કે, અમારે કન્ટેન્ટરી આર્ટનો એક કોર્સ આવે છે જેમાં જે વિદ્યાર્થી ભાગ લે છે તેઓને હેન્ડમેડ વસ્તુઓનો પ્રોજેકટ બનાવવાનો હોય છે. જેમાં શિક્ષકો દ્વારા પણ ખુબ જ વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પ્રકારના કાર્ડઝ, મીણબતી, ગ્લાસ, પેન સ્ટેન્ડ, પેપર વેઈટ, બેગ અને ટેબલ કવર જેવી અનેક વસ્તુઓ અમે લોકોએ બનાવી છે.
માય ડસ્ટબીન, સ્માર્ટ ડસ્ટબીનના પ્રોજેકટથી સ્વચ્છતા થશે: સ્નેહા પારવાની
ઈનોવેટીવ સ્કુલમાં અભયાસ કરતી ધો.૮ની વિદ્યાર્થીની સ્નેહા પારવાનીએ જણાવ્યું હતું કે, તેઓએ માય ડસ્ટબીન પર પ્રોજેકટ રજુ કર્યો છે. જેમાં તેમણે સ્માર્ટ ડસ્ટબીન બનાવ્યાં છે અને સાથે સાથે ડસ્ટબીન જયારે કચરાથી પૂર્ણ રીતે ભરાઈ જાય છે ત્યારે આ ડસ્ટબીનમાં સેન્સર પણ ફીટ કરવામાં આવ્યા છે કે જે તરત જ મહાનગરપાલિકામાં જાણ કરી દે છે જેથી કરીને કચરો યોગ્ય જગ્યાએ પહોંચી જાય. આ પ્રોજેકટ ખુબ જ મોટાપાયે સુરતમાં પણ ચાલી રહ્યો છે અને આ પ્રોજેકટ સ્વચ્છ ભારત અભિયાન માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણી શકાય.