સમાપન પ્રસંગે અલગ-અલગ રાજયોનાં ખેલાડીઓ રાસ-ગરબાના તાલે ઝુમી ઉઠયા: આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવી નવો કિર્તીમાન રચ્યો
સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, સિન્દુરિયા ખાણ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક જુનિયર તથા ૪૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર સ્વીમીંગ કોમ્પીટીશનના અંતિમ દિવસે સ્પર્ધકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમનાં અંતે અલગ-અલગ રાજયોમાંથી આવેલા ખેલાડીઓ ગુજરાતની આગવી ઓળખ એવા રાસગરબાના તાલ પર મન મુકીને નાચ્યા હતા.
ઈવેન્ટના પૂર્ણાહુતી દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેમને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સ્વીમીંગ એક માત્ર એવી ગેમ છે કે જેમાં પાણીની શીતળતા સાથે શારીરિક સૌષ્ઠવ બને છે. આ રમત સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે દેશનાં એક સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે આપણા યુવા ખેલાડીઓએ ખુબ સુંદર પ્રદર્શન કર્યું છે અને નવો રેકોર્ડ બનાવી આર્યન નહેરા તથા અન્ય ખેલાડીઓએ ગુજરાતનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. આજની આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર છે જે ખુબ આનંદની વાત છે અને રાજકોટ આ ઈવેન્ટનું યજમાન બની એક માધ્યમ તરીકે ઉભર્યું છે ત્યારે આયોજકો અભિનંદનને પાત્ર છે. આ ઈવેન્ટનાં આયોજન બદલ ઉમેશભાઈ રાજયગુરુ, ચેરમેન ડી.વી. મહેતા સહિતનાં આયોજકોને બિરદાવ્યા હતા.
પૂર્ણાહુતી કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી, એસ.એસ.આઈ. સેક્રેટરી મોનલ ચોકસી, કલેકટર ગુપ્તા, પોલીસ કમિશનર અગ્રવાલ, મ્યુ.કમિશનર પાની, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચાનાં પ્રમુખ અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત એકવેટીક એસો.સેક્રેટરી વિરેન્દ્ર નાણાવટી, એસ.એફ.આઈ ઉપપ્રમુખ કમલેશ નાણાવટી સહિતનાં મહાનુભાવોએ પ્રેરક હાજરી આપી હતી.
આ પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ સ્પર્ધામાં રાજયનાં ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. તેને પણ મુખ્યમંત્રીએ વધાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શકિતદૂત યોજનામાં ૧૫ સ્વીમર્સને ૨૫ લાખ રૂપિયા સરકારે આપ્યા છે. આ યોજનાના ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.
આ સ્પર્ધામાં પસંદગી પામીને બેંગાલુરુની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જનારા દરેક ખેલાડીને ભારત માતાને ખેલ પ્રતિયોગીતાઓમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડવાની તમન્ના રાખવા પ્રેરણા આપી હતી.