માતૃભાષા કરતા અંગ્રેજીને અપનાવતા ગુજરાતીઓ !!!
ધો.૧૦ના પરિણામમાં ગુજરાતી વિદ્યાર્થીઓનો ઈંગ્લીશ પ્રેમ જોવા મળ્યો
ગઈકાલના રોજ ગુજરાત બોર્ડનું ધો.૧૦નું પરિણામ જાહેર થયું હતું. જેમાં માતૃભાષા કરતા અંગ્રેજી વિષયની પસંદગી કરતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. વિશેષ વાત કરવામાં આવે તો ઈંગ્લીશમાં પાસીંગની ટકાવારી ગુજરાતી માધ્યમ કરતા ૨૩ ટકા વધુ થઈ છે જેના અનેકવિધ કારણો અને તારણો સામે આવ્યા છે.
આંકડાકીય માહિતી જો લેવામાં આવે તો ગત પાંચ વર્ષમાં ઈંગ્લીશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ કરતા વધુ સફળ થયા છે. ધો.૧૦નું પરિણામ જાહેર થતાંની સાથે જ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અનેક ત્રણ માધ્યમોની સરખામણીમાં સૌથી ઓછુ રિઝલ્ટ આવ્યું છે જે માત્ર ૬૪.૫૮ ટકા જ રહ્યું છે.
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો સકસેસ રેસીયો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કરતા ૨૩ ટકા વધુ રહ્યો છે. ૨૦૧૮માં આ ગેપ ૨૪.૯૬ ટકા, ૨૦૧૬માં ૩૬.૦૩ ટકા, ૨૦૧૫માં ૩૯.૭૭ ટકા અને ૨૦૧૪માં ૬૫.૬૨ ટકા રહેવા પામ્યો હતો. ગુજરાત સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ ભાસ્કરભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, ઈંગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓ મુખ્યત્વે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાંથી જ હોય છે અને તેમના શિક્ષકો તેમને જે ભણતર આપે છે તેની પૂર્ણ જવાબદારી શિક્ષકો પર જ રહેતી હોય છે. ત્યારે વાલીઓ પણ રીઝલ્ટની હકારાત્મક અને વધુ અપેક્ષાઓ રાખતા હોય છે જેના કારણે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરાવતી ફેકલ્ટીની જવાબદારી વધતાની સાથે જ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ આપવામાં કાર્યશીલ થતું હોય છે.
વાત કરવામાં આવે ગ્રાન્ટ ઈન એઈડ અથવા સરકારી શાળાઓની તો કોઈ શિક્ષકો તે અંગેની જવાબદારી લેતા નથી અને તેમાં અભ્યાસ કરાવતા શિક્ષકો મુખ્યત્વે ચૂંટણી ફરજ પર રહેતા હોય છે અને સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે જેના કારણે વિદ્યાર્થીઓને કરાવવામાં આવતા અભ્યાસમાં તેઓ પૂર્ણત: સફળ થતા નથી અને ગુજરાતી માધ્યમની ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે. સાથો સાથ સરકારી શાળાઓના શિક્ષકોને પણ આ અંગે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ મુખ્ય કારણ છે કે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ઓછી ટકાવારીમાં અને મહદઅંશે શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને તે ગ્રાન્ટ ઈન એઈડ અને સરકારી હોવાનું પણ સામે આવ્યું છે. જયારે જે ટકાવારીમાં તફાવત જોવા મળી રહ્યું છે તેનું બીજુ કારણ એ છે કે ગ્રામ્ય અને શહેરી વચ્ચેનો ગેપ ખુબજ વધુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટેના જે સ્ત્રોત હોવા જોઈએ તે જોવા મળતા નથી જેના કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઈંગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓ સાથે હરિફાઈમાં ઉતરવું પડે છે જેમાં તેઓ મહદઅંશે નાસીપાત થતા હોય છે.
સરકારી સ્કૂલના પ્રિન્સીપાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યત્વે સરકારી શાળાઓના ટીચરો સરકારી કામોમાં વ્યસ્ત હોય છે અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ તેઓ સક્ષમ હોતા નથી. એનસીઈઆરટી બુકોમાં ફેરબદલ થતો હોવા છતાં શિક્ષકોએ પોતાની જાતને અપગ્રેડ કરી નથી તે પણ એક કારણ છે કે, ગુજરાતી માધ્યમોનું જે રીઝલ્ટ આવે છે તે અંગ્રેજી માધ્યમો કરતા ખૂબજ ઓછુ હોય છે.
ભણે ગુજરાત: દશકાઓ પછી પણ ગણિત અને વિજ્ઞાનમાં ગુજરાતીઓ કાચા !!!
વિશ્ર્વ આખામાં ગુજરાતી વેપારમાં અન્યની સરખામણીમાં એક આગવું સ્થાન ધરાવે છે. વ્યાપાર અને વાણીજયમાં ગુજરાતીઓની કળા અને કૌશલ્ય અન્યની સરખામણીમાં ખૂબજ વધુ હોય છે પરંતુ એ વાત પણ સાચી છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓ ગણીત અને વિજ્ઞાનમાં દસકાઓ છતાં પણ કાચા છે. ધો.૧૦ના પરિણામની વાત કરવામાં આવે તો ગણીતમાં ૩૧ ટકા અને સાયન્સમાં ૩૨ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આંકડો સતત ૨ વર્ષથી સામે આવે છે.
૨૦૧૭માં કુલ ૩૨ ટકા અને ૨૦૧૮માં કુલ ૨૯ ટકા વિદ્યાર્થીઓ આ બન્ને વિષયોમાં નાપાસ થયા હતા. જયારે અંગ્રેજી કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય ભાષા માનવામાં આવે છે તેમાં પણ ધો.૧૦ના વિદ્યાર્થીઓ મહદઅંશે નાપાસ થાય છે. આંકડાકીય વિગતો જો લેવામાં આવે તો ૮ લાખ વિદ્યાર્થીઓએ એસએસસી ગુજરાત બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી ૨.૬૧ લાખ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નાપાસ થયા હતા જયારે ૨.૨૭ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં ઉતીર્ણ પણ થયા જોવા મળ્યા હતા. ૨૦૧૫થી ગણીત અને વિજ્ઞાન ભાષા આ એવા બે વિષયો રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં વધુ જોવા મળે છે.