- આજે માતુ ભાષા દિવસ
- માતૃભાષા ‘જીવન જીવવા’ની ભાષા છે અન્ય ભાષા ‘જીવન નિર્વાહ’ની ભાષા છે’
શિક્ષિત મુસાફરો વચ્ચે એક ગ્રામીણ બહેન પોતાના નાના બાળક સાથે રેલવેમાં મુસાફરી કરી રહ્યાં હતાં.એક સ્ટેશને ટ્રેન ઊભી રહી એટલે પોતાના બાળકને પોતાની જગ્યાએ પાટલી ઉપર સૂવડાવીને બહેને બાજુમાં બેઠેલા મુસાફરોને ભલામણ કરી, ’મારા છોકરાનું ઘડીક ધ્યાન રાખજો.હું સામેથી પાણી ભરીને આવું છું.’ ઉનાળાની ગરમી હતી એટલે પાણી પીનારાની ભીડ હતી.પાણી ભરીને આવતા બહેનને થોડીક વાર લાગી.માના મુલાયમ ખોળાને બદલે કડક પાટલી ઉપર સૂતેલું બાળક મા વિના રડવા માંડ્યું.આજુબાજુમાં બેઠેલા મુસાફરો બાળકને છાનું રાખવાની મથામણ કરવા માંડ્યા,પણ બાળક રડતું બંધ થવાને બદલે અજાણ્યા ચહેરાઓ જોઈને વધારે રડવા માંડ્યું.ત્યાં હાથમાં પાણી ભરેલા પ્યાલો લઈને બાળકની મા આવી તેણે બાળક સામે ચિત્ર વિચિત્ર અવાજો કર્યા ને બાળક રડતું બંધ થઈ ગયું.
બાળક રડતું બંધ થઈ ગયા પછી જ તેની માએ તેને તેડ્યું અને પછી જ તેને પાણી પાયું.શિક્ષિત મુસાફરોમાં વળી કોઈક ભાષાશાસ્ત્રી હશે,તેને નવાઈ લાગી કે આ વળી કઈ ભાષા હશે ? જે બાળક પણ સમજે છે.તેણે બહેનને કહ્યું,’અમે તમારા બાબાને શાંત કરવાની ઘણી કોશિશ કરી પણ એ તો શાંત થવાને બદલે વધારે રડવા માંડ્યું.તમે એની સાથે કઈ ભાષામાં વાત કરી ? આમાંથી અમે કોઈ કાંઈ ન સમજ્યા પણ આ બાબો એ ભાષા સમજીને રડતું બંધ થઈ ગયું ! બહેનજી ! આપને જો વાંધો ન હોય તો જણાવશો કે એ ભાષા કઈ ?’ ’ધાવણની ભાષા!’
બહેને જવાબ આપ્યો.
આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે મિત્રો આજે આપણે સૌ ધાવણની ભાષા ભૂલીને બોટલની ભાષા બોલતા થઈ ગયા છીએ માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે માતૃભાષા દિવસ ઉજવવાની નોબત આવે,એનાથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે ?
માતાના મોઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21 ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું.તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં જ યુનેસ્કોએ પહેલી વખત 1999માં 21 ફેબ્રુઆરીને ’માતૃભાષા દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.આ દિવસને પહેલી વખત વર્ષ 2000 માં ’આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.આજે વધુને વધુ ભાષાઓ લુપ્ત થઈ જતા ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે.યુએનના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે 40 ટકા વસતીને તેઓ બોલે છે અથવા સમજે છે, એ ભાષામાં શિક્ષણની પહોંચ નથી.એટલે જ માતૃભાષા દિવસ થકી આ ભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે દુનિયાભરમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.ભારત બહુભાષી રાષ્ટ્ર છે.દ્વિભાષીવાદ અને બહુભાષીવાદ વિશ્વ કરતાં ભારતમાં વધુ પ્રચલિત છે.
ભારતમાં માતૃભાષાઓને લઈને વિવાદો થતા રહે છે. બિન હિન્દીભાષી લોકોનો હંમેશા એવો આરોપ હોય છે કે તેમના પર હિન્દી થોપવામાં આવે છે.માતૃભાષા રાજ્ય ભાષા અથવા પ્રાદેશિક ભાષાથી અલગ હોઈ શકે અને એક કરતાં વધુ હોઈ શકે.પરંતુ મુખ્ય માતૃભાષા હંમેશા પરિવારના સભ્યો દ્વારા ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય છે.માતૃભાષાના જતન અને પ્રસાર પ્રચાર માટે આજે વર્ષોથી બધા બૂમબરાડા પાડે છે,છતાં દિવસે અને દિવસે આપણા ગુજરાતીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા લાગ્યા છે.જેમ જેમ માતૃભાષાનો બચાવ કે બચાવવા માટેની વાતો થાય છે,તેમ તેમ પારકી વિદેશી ભાષા તરફ ઝોક વધુ ને વધુ વધતો જાય છે.પાયાનું શિક્ષણ માતૃભાષા શા માટે ? માતૃભાષા બાળક માટે સહજ,સ્વાભાવિક કુદરતી અને ટેવગત છે.બીજી ભાષા માટે પ્રયાસ કરવો પડે.એ ક્ષમતા કેળવવા થોડો સમય લાગશે.એ કૌશલ્ય ટેવગત નથી.તેને હસ્તગત કરવું પડશે.એ માટે વધારાની શક્તિ ખર્ચાશે ત્યારે પરિણામ મળશે.દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કર્યા છે.એ પછી તમામનો એવો અભિગમ થયો કે પાયાનું શિક્ષણ તો માતૃભાષામાં જ અપાવવું જોઈએ.દુનિયાભરના સાહિત્ય સર્જકોએ પોતાની માતૃભાષામાં જ સાહિત્ય સર્જન કર્યું છે.તે પછી જ વિશ્વની અન્ય ભાષાઓમાં અનુવાદો થયા હશે.
માતૃભાષાની લીપી વૈજ્ઞાનિક છે.જેમ લખાય છે, તેમજ વંચાય છે.અંગ્રેજીમાં આવું નથી.લખાય છે એક રીતે અને વંચાય છે,બીજી રીતે.ઉદાહરણ તરીકે ’છજ્ઞીલવ’ ’રૌઘ’ ને બદલે ’રફ’ ઉચ્ચાર થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડીક્ષનરી જોશો તો દરેક શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે માટે ફોનેટિક્સ સ્ક્રિપ્ટ આપેલી હોય છે.ટૂંકમાં બે લિપિ શીખવી પડે. એક વાંચવાની અને એક લખવાની.ગુજરાતીમાં એક જ લિપિ છે.જેમ વાંચીએ તેમ લખીએ.
ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઊતરી આવેલી છે. તેથી સ્વર અને વ્યંજનનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરેલું છે.વ્યંજનના પાંચ વર્ગ છે.ક,ચ,ટ,ત અને પ.દરેક વર્ગમાં પાંચ વ્યંજન છે.ચાર અર્ધ સ્વર છે.ય,ર,લ,વ.ત્રણ ઉષ્માક્ષર છે.શ,ષ,સ.બે મહા પ્રાણ છે.હ,ળ.બે જોડાક્ષર છે.ક+ષ=ક્ષ અને જ+અન =જ્ઞ.આ બધા મળી કુલ 36 વ્યંજન છે,જ્યારે 12 સ્વરની બારાક્ષરી છે.સ્વર અને વ્યંજન બધા મળી કુલ 48 થાય છે. માતૃભાષાના માધ્યમથી અપાતું શિક્ષણ સહજ,સરળ અને કુદરતી હોવાથી મૌલિકતા અને સર્જનાત્મકતાને વિકસાવે છે.માતૃભાષા જ મૌલિક ચિંતન અને તેની અભિવ્યક્તિ માટે પ્રાણવાન વાહક છે.વિદેશી ભાષા દ્વારા તો મૌલિકતાનો ભોગ લેવાય છે.બાળકની શક્તિઓનો વિકાસ માતૃભાષામાં અપાતા શિક્ષણથી જ થાય છે.કારણ કે બાળક જન્મે,મોટું થાય ત્યારે તેના ઉછેરમાં, વાતાવરણમાં,વિચાર ઘડતરમાં માતૃભાષાનો ફાળો હોય છે.
આથી જ જગતના દરેક ક્ષેત્રમાં સફળ વ્યક્તિ, મહાપુરુષો, કેળવણીકારો, ભાષાશાસ્ત્રીઓ, બૌદ્ધિકો માતૃભાષામાં શિક્ષણની તરફેણ કરે છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડો.જ્યોતિ નાર્લિકર કહે છે: ’વિજ્ઞાનના ક્લિષ્ટ સિદ્ધાંતો બાળક માતૃભાષામાં ઝટ સમજી અને શીખી શકે છે.’ અબ્દુલ કલામ કહે છે: ’હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું,કારણ કે મેં મારું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.’ગણિતશાસ્ત્રી અને કેળવણીકાર પી.સી.વૈદ્ય કહે છે: ’માતૃભાષામાં શિક્ષણથી બાળકની વૈચારિક શક્તિઓનો યોગ્ય વિકાસ થાય છે.’
ગુણવંત શાહ કહે છે : ’હું બહુ જ દૃઢતાથી માનું છું કે માતૃભાષામાં ભણવું એ પાયાનો માનવ અધિકાર છે.’ ધર વાલેસ જણાવે છે કે, ’માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હોય તે નિર્વિવાદ છે.કારણ કે મન જે કાંઈ વિચારે છે તે પોતાની માતૃભાષામાં જ વિચારે છે અને સ્પષ્ટતાથી સમજે છે.જ્યારે કોઈ વાત ખૂબ સંકુલ કે અટપટી હોય ત્યારે તે સમજવા માટે મન તર્કબદ્ધ રીતે માતૃભાષામાં જ સમજી શકે.’
ખરેખર તો પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમથી આપવાથી બાળકને અન્ય વિષયો શીખવા કઠિન બને છે.ગણિત,વિજ્ઞાન કે અન્ય વિષયોની સંકલ્પના પોતાની માતૃભાષામાં જ બાળક સરળતાથી અને ઝડપથી સમજી શકે છે.ઉપરાંત અંગ્રેજી જેની માતૃભાષા નથી તેવા અંગ્રેજીનું ઉત્તમ ભાષા જ્ઞાન ધરાવતા લોકો પણ કહે છે કે માતૃભાષા દ્વારા અંગ્રેજી વિષય ઝડપથી અને સારી રીતે શીખી શકાય છે.આપણે ત્યાં ઘરનું વાતાવરણ,માતા પિતાનું શિક્ષણ વગેરે ધ્યાનમાં લીધા વગર બાળકને અંગ્રેજી માધ્યમ વાળી શાળામાં મૂકવાની લોકોની ઘેલછા વધતી જાય છે.આ પાછળ દેખાદેખી,સમાજમાં ’મોર્ડર્ન’ દેખાવાની લહાય કે ખોટા ’ક્રેઝ’ પણ જવાબદાર છે.બાળકનું સામર્થ્ય ન હોવા છતાં માતા-પિતાની આવી ખોટી વિચારસરણીને લઈને બાળકને અન્ય માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ ખૂબ ત્રાસ રૂપ થઈ જાય છે.માત્ર અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકને ભણાવવામાં સામાજિક મોભો વધે છે,એવું માનતા વાલીઓ બાળક પર શું વીતે છે તેની દરકાર કરતા નથી.એવા ઘણાં ઉદાહરણ છે કે,જેમાં આવા બાળકોને બે,ચાર કે છ ધોરણ પછી ગુજરાતી શાળામાં લેવા પડે છે અને તે વખતે તે ધોરણમાં ભણતા અન્ય બાળકો કરતાં પણ તે પાછળ રહી જાય છે.
છોટું: ’મમ્મી તમે મને ખોટું કીધું હતું.’
મમ્મી: ’ગુસ્સામાં આઈ ટોલ્ડ યુ એવરી ટાઈમ પ્લીઝ સ્પીક ઇન ઇંગલિશ.’
છોટું : ’ઓકે મોમ ! યુ લાઈક ટુ મી.
મોમ : ’વેલ માય સન.
છોટું : ’યુ સેઈડ મી ધેટ માય યંગર સિસ્ટર એન એન્જલ.
મોમ : ’યસ,શી ઈઝ.
છોટું: શો વાય ડીડંટ ફ્લાય શી ફ્રોમ બાલ્કની.
મોમ : ’ડોબા,બુદ્ધિના બારદાન,ગધેડા ? ક્યાં ફેંકી તે ઈ છોકરી ને ?
છોટું : ’રિલેક્સ મોમ – જસ્ટ ચેકિંગ,ઈફ યુ સ્ટીલ ટોક ઈન ઈંગ્લિશ વીથ મી !
મોરલ : ’મગજ છટકે ત્યારે માતૃભાષામાં જ યાદ આવે.’
’અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે.’