વિચાર,સ્વપ્ન,લાગણી, રૂદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય,તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય
જૂન મહિનો આવે,વેકેશન ખુલે એટલે દુનિયા આખીમાં ક્યાંય ન પૂછાતો પ્રશ્ન ભારતના વાલીઓ પૂછવા લાગે છે,’મારા સંતાનના શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં કે અંગ્રેજીમાં???
આ સવાલ વિચિત્ર લાગે કે નહીં ? આમાં વળી પૂછવાનું શું હોય ? આમાં બે મત હોય જ શી રીતે ? ગધેડાનાં બચ્ચાંને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં ?તો એ શું કહેશે !
બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ જેથી તેની કારકિર્દી વધુ સુદ્રઢ બને,તેની ચિંતામાં આજના મા-બાપ રહેતા હોય છે.અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ચલણ આજકાલ વધારે જોવા મળે છે.આજે નાના મોટા શહેરોમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશ પાતાળ એક કરતા હોય છે.અંગ્રેજી માધ્યમમાં બાળકોને શિક્ષણ આપવાથી જ તેની કારકિર્દી વધુ સક્ષમ બને છે,તેવી માન્યતા આજના વાલીઓમાં જોવા મળે છે.
બાળક જે પરિવારમાં કે સમાજમાં જન્મે છે એ પરિવાર કે સમાજમાં જે ભાષા બોલવામાં આવતી હોય કે વ્યવહાર કરવામાં આવતો હોય,બાળક એ જ પ્રમાણે બોલતા શીખે છે અને વ્યવહાર કરે છે. આ સર્વ વિદિત વાત છે.બાળક જ્યારે જન્મે છે, ત્યારે ’ઊંવા ઊંવા’ જેવું રુદન કરે છે.આ ’ઊંવા ઊંવા’ રુદન દરેક ભાષાના બાળકોમાં સમાન હોય છે.બાળક બોલતાં શીખે ત્યારે સૌ પ્રથમ ’મા’ કે ’બા’ શબ્દથી બોલવાની શરૂઆત કરે છે.બાળક ’મધર’ બોલીને બોલવાની શરૂઆત કરતું નથી !
ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે,તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે.તેના માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન,વ્યવહાર,જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે.સંભળાતી ભાષા ઉપરથી ભાષાને ઝીલવાની,સમજવાની અને શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે.અને આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે.બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે.બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે.ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે.તેથી જ તે માતૃભાષા કહેવાય છે.
બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે.અંગ્રેજી માધ્યમમાં એક થી દસ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોનો ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતું.માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે.જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણ શક્તિ,સમજ શક્તિ અને વિચારશક્તિ ખીલે છે.મગજ એક કોમ્પ્યુટર છે.આ કોમ્પ્યુટરની સૌથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે.મનોવૈજ્ઞાનિકો,બાળ
માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને લગભગ આઠ નવ ધોરણ સુધી ટ્યુશન રાખવું પડતું નથી.અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શરૂઆતથી ટ્યુશન શા માટે કરાવવું પડે છે ? માતૃભાષા દરવાજા જેવી છે.અંગ્રેજી ભાષાને બારી કહી શકાય.બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે,પણ આવાન જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે.વિચાર,સ્વપ્ન,લાગણી,રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે,’માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
આથી જ માતૃભાષામાં વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે છે.લખતાં કે વાંચતા મુશ્કેલી પડતી નથી.માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકનો ઉત્તમ વિકાસ થાય છે.માતૃભાષા દ્વારા મળતું શિક્ષણ બાળક જલદી ગ્રહણ કરી લે છે.માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતાં બાળકો ઉતરોતર પ્રગતિ કરી શકે છે.એક વખત માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષા શીખવવામાં સરળતા રહે છે.આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ.નવી શિક્ષણ નીતિ 2020 માં પણ માતૃભાષામાં શિક્ષણ આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે.માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાથી બાળકોમાં આદર્શ ગુણોનો વિકાસ થાય છે.બાળકોનો સર્વાંગી વિકાસ આપણી માતૃભાષામાં શિક્ષણ આપવામાં જ રહેલો છે.માતૃભાષામાં શિક્ષણ આપવાથી સંસ્કારો અને સંસ્કૃતિ બંને જળવાઈ રહે છે.મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય એમાં શંકાને કોઈ સ્થાન નથી.દુનિયામાં એવો બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવાને બદલે બીજી કોઈ ભાષા હોય ! જરા ફ્રાન્સમાં,જર્મનીમાં કે રશિયામાં જઈને કહો તો ખરા કે તમને તમારી માતૃભાષા દ્વારા નહીં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે ! તો એ લોકો તમને સાવ મૂર્ખ ગણીને તમારી વાતને હસી કાઢશે.
જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણ થયા છે.તેના તારણોમાં એવું જાણવા મળ્યું છે કે માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્રેસ કેપેસિટી વધારે હોય છે.જે તેને જિંદગીના બધા પડકારો જીલવા માટે સક્ષમ બનાવે છે.અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે.પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે,તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.આજે ચીન જે સફળતાએ પહોંચ્યું છે,તેના પરથી આજે પણ ચીન સ્વીકારે છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ.
ઈઝરાયલ દેશ કે જે આપણા દેશનો દસમો ભાગ પણ નથી.એવો આ દેશ વિજ્ઞાન ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે.તેમજ આપણાથી દસ ગણા વધુ નોબલ પુરસ્કારો પણ મેળવ્યા છે.તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે.તેવી જ રીતે રશિયા,ફ્રાંસ,ચીન અને જર્મન જેવા દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.આ દેશોમાંથી કોઈ પણ દેશ પ્રગતિમાં પાછળ નથી.મોરારીબાપુ કહે છે,’અંગ્રેજી કામની ભાષા છે,તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય,પણ ગૃહિણીનું સ્થાન તો ન જ અપાય.’
સ્વીડનની સ્ટોક હોમ યુનિવર્સિટીના ડો.કેરોલ બેન્સને પોતે હાથ ધરેલો એક વિસ્તૃત અભ્યાસ અહેવાલ રજૂ કર્યો હતો.તેમના અભ્યાસનો વિષય હતો, ’ઝવય શળાજ્ઞિફિંક્ષભય જ્ઞર ળજ્ઞવિંયિ જ્ઞિંક્ષલીય – બફતયમ તભવજ્ઞજ્ઞહશક્ષલ રજ્ઞિ યમીભફશિંજ્ઞક્ષફહ િીફહશિું.’ તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં 1970થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો,અભ્યાસો અને સંદર્ભોને પોતાના શોધ લેખમાં ટાંક્યા છે.આ શોધ લેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે.શ્રી પટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડો.કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે,ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે: પ્રાદેશિક ભાષા,રાષ્ટ્રભાષા – હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા – અંગ્રેજી.જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી,તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે.
આપણા દેશની વિવિધ ક્ષેત્રની પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના જીવનમાં જો ડોકિયું કરવામાં આવે તો જોવા મળશે કે મોટાભાગે એ બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની અને રાજકોટની શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.ગાંધીજીએ લખ્યું છે,માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે,તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છે,તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.મહાત્મા ગાંધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવા છતાં એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું.તેમ છતાં પોતાની આત્મકથા ’સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી હતી.
’ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્ત્યસેન પોતાની માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા.તેમ છતાં બંને નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરી શક્યા.તેમને અંગ્રેજી માધ્યમમાં ન ભણવાથી કોઈ નુકસાન થયું હોય તેવું જોવા મળતું નથી.અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમ સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે છે.
વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી. રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું.વિખ્યાત અણુ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. પદ્મશ્રી,પદ્મભૂષણ,મહારાષ્ટ્ર ભૂષણ વગેરે અનેક ખિતાબો,એવોર્ડ્સ અને ઈનામો પ્રાપ્ત કરનાર,સાયન્સ અને એન્જિનિયરિંગના વિષયમાં પચીસ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોક્ટરેટ કરેલું છે,એવા અરૂણભાઇ ગાંધીએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીએ ચોરવાડની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું.મોટા ઉદ્યોગપતિ,સમર્થ અગ્રણી અને બુદ્ધિ પ્રતિભાના ધારક એવા શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.
અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે.ખૂબ વિકાસ પામે છે.ખૂબ હોશિયાર અને સફળ થાય છે,તે નર્યો ભ્રમ છે.સફળતા કે સિદ્ધિને ભાષા સાથે નહીં,પરંતુ જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે.બધા જ અંગ્રેજ અને અમેરિકન સિદ્ધિના શિખરે છે,તેવું નથી અને બધા બિન અંગ્રેજ ભાષકો બેહાલ છે,તેવું પણ નથી.ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર જાપાન અને ચીન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે.બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાથી બે ફલશ્રુતિ બહાર તરી આવે છે:બાળક લઘુતાગ્રંથિથી પીડાય છે અને મા – બાપ ગુરુતાગ્રંથિથી !અભિવ્યક્તિ ગ્રહણ કરવાની ક્ષમતા તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા છે.
માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી,પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારાં પરિણામો જોવા મળ્યાં છે.માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે.માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે.બંને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે. બેબી ફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય,પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે,માતાના દૂધની બરાબરી કોઈ જ બેબી ફૂડ કરી શકે નહીં.બસ,આટલો જ ભેદ,માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે.માણસે માણવું હોય,મહોરવું હોય,ખીલવું હોય,સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી ક્યારીમાં માટી તો માતૃભાષા રૂપી જ હોવી જોઈએ !