નાની લીડ પણ ઈંગ્લેન્ડને ભારે પડી જશે
અમદાવાદ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વધુ રસપ્રદ બન્યો છે. જ્યાં એકબાજુ ભારતીય સ્પિન બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પ્રથમ ઇનિંગમાં ફક્ત 205 રનમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. ભારતીય સ્પિન બોલર્સની સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ગોઠણીયે વળી ગયા હતા. ભારતીય ચાહકો બેટ્સમેનોનું જબરદસ્ત પ્રદર્શન જોવા ઇચ્છતા હતા ત્યારે ભારતીય બેટ્સમેનો પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ભારતીય સ્ટાર બેટ્સમેનો વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ સહિતના બેટ્સમેનો તેમની ભૂલને કારણે પેવેલિયન ભેગા થઈ જતા મેચ વધુ રસપ્રદ બન્યો છે.
ભારતીય ટીમ જો નાની લીડ પણ મેળવે તો પણ ઈંગ્લેન્ડને ભારે પડી જશે. ભારત 250 કે 260 રન બનાવે તો 50 રન જેટલી લીડ મળે અને જે ઈંગ્લેન્ડને ખુબ જ ભારે પડી શકે તેમ છે અને ઈન્ડિયા મેચમાં ડ્રાઈવીંગ સીટ પર બેસી જશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. આ સાથે જ એક શરમજનક રેકોર્ડ કોહલીના નામે થઈ ગયો છે. કોહલી ઈંગ્લેન્ડ સિરિઝમાં ખાસ દેખાવ કરી શક્યો નથી. ચાહકોને કોહલીની ધમાકેદાર બેટિંગનો ઈંતેઝાર છે અને કોહલીનુ બેટ ખામોશ છે. આજે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની બેટિંગ લડખડાઈ હતી. તેમાં પણ કેપ્ટન કોહલી ઝીરો રને બેન સ્ટોક્સના બોલે વિકેટ કિપરના હાથે કેચ આઉટ થતા ચાહકો નિરાશ થયા હતા. કોહલી જે રીતે આઉટ થયો તે રીતે શેરી-મહોલ્લામાં રમતા ખેલાડીઓ પણ આઉટ નહીં થતા હોય. બેન સ્ટોકના બાઉન્સર બોલ પર પ્લેઇડ કરવા જતા બેટમાં લાગેલી કટને કારણે કેચ ચડી ગયો હતો.
જે બોલ પર પુજારા આઉટ થયો તેની અગાઉનો બોલ પણ તેવો જ હતો. તે બોલ પર પૂજારાએ બેટને પેડની આગળ રાખ્યું હતું અને તેના તરત પછીના બોલ જે અગાઉ માફક હતો તે બોલ પર બેટને પેડની પાછળ જવા દીધું પરિણામે પુજારા એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો હતો. ભારતીય ઓપનર શુભમન ગિલ આ મેચમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન કોહલીની જેમ ગિલ પણ શૂન્ય રને પેવેલિયન પરત ફરી ગયો હતો. મેચમાં અગાઉ જે રીતે ’અબતક’ દ્વારા લખાયું હતું કે, મેચમાં બેન સ્ટોકના બોલને ફેસ કરવું થોડું કઠિન બની રહેશે અને તે જ થયું. ભારતીય બેટ્સમેનો સ્ટોકના દડાંને મુલવવામાં ઉણા રહ્યા પરિણામે બેટ્સમેનોની ધડાધડ વિકેટ પડી અને ભારતીય ટીમે ફક્ત 150 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી.
ભારતના સ્ટાર બેટ્સમેનો પોતાની જ ભૂલના શિકાર બન્યા
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનો પૈકી ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને ઓપનર શુભમન ગિલ પોતાની ભૂલને કારણે જ આઉટ થયા હતા. સ્ટોકસના બાઉન્સર બોલને ફટકારવા અથવા છોડી દેવાની જગ્યાએ કોહલી પ્લેઇડ કરવા જતાં કટ અડીને કેચ ચડ્યો અને કોહલી પેવેલિયન ભેગો થઈ ગયો. જ્યારે પુજારાએ અગાઉના બોલ પર પ્લેઇડ કર્યું અને તેના જેવા જ બોલમાં બેટને પાછળ જવા દેતા તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.
બેન સ્ટોકસના બોલને સમજવામાં ભારતીય બેટ્સમેનો ઉણા ઉતર્યા
બેન સ્ટોકસના બોલને ભારતીય બેટ્સમેનો સમજવામાં ઉણા ઉતર્યા હોય તે રીતે સ્ટોકે અનેક ભારતીય સ્ટાર બેટ્સમેનોની વિકેટ ચટકાવી ઇંગ્લેન્ડની ટીમને મેચમાં પરત વાળી હતી. ઇંગ્લેન્ડની ટીમ એક તબક્કે મેચમાંથી જાણે બહાર જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. મેચની ઝુકાવ ભારત તરફ વધી રહ્યો હતો ત્યારે સ્ટોકની બોલિંગે ઇંગ્લેન્ડને મેચમાં વાપસી કરાવી છે.