મોર્ગને 126 વન-ડે અને 72 ટી20 મેચોમાં ઈંગ્લેન્ડ ટીમનું સુકાની સંભાળ્યું: 16 વર્ષની ઉંમરે ક્રિકેટ દુનિયામાં ડેબ્યુ કર્યું હતું
મંગળવારે વર્લ્ડ કપ વિનિંગ વ્હાઈટ બોલ કેપ્ટન ઈયોન મોર્ગને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. ઈયોન મોર્ગન 2019માં ઈંગ્લેન્ડને 50 ઓવરનો વર્લ્ડ કપ અપાવનાર વિનિંગ ટીમનો કેપ્ટન હતો. આ ઉપરાંત તેણે 126 વન-ડે અને 72 ટી20 મેચોમાં ઈંગ્લેન્ડની ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું. આ ઉપરાંત બંને ફોર્મેટમાં તેણે કેપ્ટન તરીકે 118 મેચો જીતી હતી, જે એક રેકોર્ડ છે. તેણે પોતાના નામે અનેક રેકોર્ડ બનાવી નિવૃતિ જાહેર કરી છે, જેમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે વન-ડે રન (6957), ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે રન (2458) અને બંને ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ઈંગ્લેન્ડ ક્રિકેટરનો રેકોર્ડ પણ તેના નામે છે.
નિવૃતિની જાહેરાત કરતાં મોર્ગને કહ્યું કે, મેં આ નિર્ણય અનેક વખત વિચાર્યા બાદ લીધો છે અને હું તત્કાલ અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરું છું. મારા કરિયરમાં અનેક સારી ક્ષણો રહી છે, જે બાદ આવો નિર્ણય લેવો સરળ ન હતો, પણ મારું માનવું છે કે, મારે વ્યક્તિગત રીતે અને ઈંગ્લેન્ડ બંને માટે આમ કરવાનો યોગ્ય સમય છે. મેં એક ખેલાડી અને કેપ્ટન તરીકે જે હાંસલ કર્યું છે, તેના પર મને ઘણો ગર્વ છે, પણ જે વસ્તુઓને હું સંગ્રહીને રાખીશ અને સૌથી વધારે યાદ કરીશ, તે યાદો છે જે મેં અમુક મહાન ખેલાડીઓ સાથે બનાવી છે, જેઓને હું મારી યાત્રાના દિવસોથી જાણું છું.
35 વર્ષના ઈયોન મોર્ગને 16 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, 2006માં તે પ્રથમ વખત આયર્લેન્ડની ટીમ સામે મેદાનમાં ઉતર્યો હતો. જે બાદ 2009માં ઈંગ્લેન્ડની ટીમમાં તેને સામેલ કરાયો હતો. તેણે 248 વનડે અને 115 ટી20 મેચો રમી છે, અને બંને ફોર્મેટમાં તેણે કુલ 10159 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 16 ટેસ્ટ મેચ પણ રમી છે, જેમાં તેણે 700 રન બનાવ્યા છે. પણ ટી20 અને વનડે મેચોમાં ઈજાઓ અને ઓછા રનને કારણે આગામી ટી20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ અગાઉ ઈયોન મોર્ગનના પર્ફોર્મન્સ પર અનેક સવાલો ઉભા થયા હતા. મોર્ગને વધુમાં જણાવ્યું હતું કે, બે વખત વર્લ્ડ કપ વિનિંગ ટીમ માટે રમીને હું મારી જાતને નસીબદાર માનું છું. હું માનું છું કે, વ્હાઈટ બોલ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. અને મારા આગળના ભવિષ્યની વાત કરું તો, હું જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી ડોમેસ્ટિક લેવલ પર ક્રિકેટ રમવાની મજા માણીશ.