ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે મ્હાત આપી
ત્રણ ટેસ્ટ મેચ સિરીઝમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડે શ્રેણીમાં જોરદાર વાપસી કરી હતી.
ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી અંકે કરી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી. નિર્ણાયક ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ જતા અને રાણી એલિઝાબેથ દ્વિત્યના મૃત્યુને પગલે બીજા દિવસની રમત સ્થગિત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડની ટીમ આખી મેચમાં જે ભાવનાથી રમી હતી તે જોતા લાગતું ન હતું કે પરિણામ માટે તેને પાંચ દિવસની જરૂર પડશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 158 રન બનાવી મહત્વની લીડ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી બેટિંગ કરી હતી અને એક સમયે સ્કોર 83 રનમાં બે વિકેટે હતો, પરંતુ તે પછી આખી ટીમ 169 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 130 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઇંગ્લેન્ડે બીજા દાવમાં માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના બોલરો પર જોરદાર હુમલો કર્યો હતો અને સિરીઝ અને ટેસ્ટ મેચ જીતવા માટે ઉપયોગી નીવડ્યું હતું.