૧૧૯ રન બનાવવા ઉપરાંત ૩ વિકેટ ઝડપનાર બેન સ્ટોકસ બન્યો મેન ઓફ ધ મેચ
૪ ટેસ્ટ મેચની સીરીઝ કે જે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે જેમાં બીજો ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી લીધો છે જેમાં ઈંગ્લેન્ડનો બોલર બેનસ્ટોકસ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ઈંગ્લેન્ડ આ ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ શ્રેણી સરભર થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આગામી ત્રીજી ટેસ્ટ ૧૬મી જાન્યુઆરીના રોજ પોર્ટ એલિઝાબેથ ખાતે રમાશે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે ઈંગ્લેન્ડ ૬૩ વર્ષ બાદ કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતી શકયું છે.
ઇંગ્લેન્ડે કેપટાઉન ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાને ૧૮૯ રને હરાવ્યું હતું. ૪૩૮ રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં ૨૪૮ રનમાં ઓલઆઉટ થયું હતું. મહેમાન ટીમે ૬૩ વર્ષ પછી કેપટાઉનમાં ટેસ્ટ જીતી હતી. આ પહેલા ઇંગ્લેન્ડ ૧૯૫૭માં ૩૧૨ રને જીત્યું હતું. મેચમાં કુલ ૧૧૯ રન કરનાર અને ત્રણ વિકેટ ઝડપનાર બેન સ્ટોક્સ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ચાર ટેસ્ટની સીરિઝ ૧-૧ની બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ ૧૬ જાન્યુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં રમાશે. મેચના અંતિમ એક કલાકમાં બેન સ્ટોક્સે ૧૪ બોલના ગાળામાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે પ્રિટોરિયસ (૦), નોર્ટજે (૦) અને ફિલેન્ડર (૮)ને આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની અંતિમ વિકેટ ત્યારે પડી જયારે મેચમાં ૮.૨ ઓવર બાકી હતી. દક્ષિણ આફ્રિકાએ ૧૨૬/૨થી દિવસની શરૂઆત કરી હતી. ટી સુધીમાં દક્ષિણ આફ્રિકાની માત્ર પાંચ વિકેટ પડી હતી. ઓપનર પીટર મલાન એક છેડો સાચવીને ઉભો હતો. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં ૩૬૯ મિનિટ બેટિંગ કરી હતી અને આ દરમિયાન ૨૯૯ બોલમાં ૮૪ રન કર્યા હતા. અંતિમ સેશનમાં ઇંગ્લેન્ડને મેચ જીતવા ૩૧ ઓવરમાં પાંચ વિકેટની જરૂર હતી. કવિન્ટન ડી કોક અને વાન ડર ડુસેન બેટિંગ કરી રહ્યા હતા. ટીમનો સ્કોર ૨૩૭ હતો ત્યારે ડુસેન અને ડી કોક બંને આઉટ થયા હતા. તે પછી અંતિમ ત્રણ બેટ્સમેન ૧૧ રન જ જોડી શક્યા હતા. બેન સ્ટોક્સે જીત પછી કહ્યું કે, એટલે કહ્યું છું કે, ટેસ્ટ મેચ ૫ દિવસની જ રહેશે. આ પ્રકારની મેચ ભૂલી શકાય નહીં. અમને જ નહીં, દક્ષિણ આફ્રિકાને પણ આ ઐતિહાસિક ટેસ્ટ વર્ષો સુધી યાદ રહેશે.