8 ચોપડી ભણેલા મોવિયા ગામના ભીમજીભાઈ મુંગરા વિદેશની યુનિવર્સિટીઓમાં ભણેલાને પણ આંટી દે તેવુ ભેજું ધરાવે છે : અનેક કંપનીઓએ કરી જોબની ઓફર્સ પણ મોજીલા ભીમજીભાઈનો એક જ જવાબ “હું કાઈ થોડો કોઈના નીચે કામ કરૂ”
અગાઉ 125ની એવરેજ આપતું બાઇક પણ બનાવ્યું હતું : મોવિયાની પ્રખ્યાત ગરબીનો ગોળ- ગોળ ફરતો મંડપ પણ ભીમજીભાઈની દેન : ભીમજીભાઈનો ઉત્પાતીયો જીવ હંમેશા કઈક નવું કરવા તેમને મજબૂર કરે છે, પૈસાનો મોહ ન હોવાથી તમામ શોધ- સંશોધનો તેઓ પોતાના વપરાશ પૂરતા જ રાખે છે
અબતક, ભૌમિક તળપદા/ સતીષ વડગામા/ પડધરી:
ભણતર કરતા ગણતર ચડિયાતું હોવાનુ પડધરીના એક આઠ ચોપડી પાસ ખેડૂતે સાબિત કરી બતાવ્યુ છે. આ ખેડૂતમાં રહેલી કોઠાસૂઝ ભલભલા એન્જીનિયરોને પણ પાછા પાડી દયે તેવી છે. સ્વભાવના મનમોજીલા એવા આ ખેડૂત પોતાના નવરાશના સમયમાં પોતાની સરળતા માટે કંઈકને કઈક નવું કર્યા કરે છે. તાજેતરમાં તેઓએ 125ની એવરેજ આપતું બાઇક બનાવ્યું હતું. બાદમાં હવે તેઓએ પોતાની જમીન ખેડવા માટે એક અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવી નાખ્યું છે. આ અલ્ટ્રા મીની ટ્રેકટરને જોઈને સૌ કોઈ મોઢામાં આંગળા નાખીને બોલી ઉઠે છે વાહ.. ભીમજીભાઈ વાહ.. તમારી તો વાત ન થાય.
આ વાત છે પડધરીના નાના પણ સમૃદ્ધ એવા મોવિયા ગામના ખેડૂતની. જેમનું નામ ભીમજીભાઈ મૂંગરા છે.જે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. નિખાલસતાની સાથે થોડો જિદ્દી સ્વભાવ ધરાવતા ભીમજીભાઈ એક વખત કઈ કરવાનું વિચારી લ્યે પછી ક્યારેય પાછી પાની કરતા નથી. તેઓનું ભેજું વિદેશની યુનિવર્સિટીઓમાં ભણેલા એન્જીનીયરોને પણ ઉણા ઉતારે તેવું છે. તેઓની કોઠાસૂઝને લીધે અનેક કંપનીઓએ તો તેમને નોકરીની ઓફરો પણ કરી છે. જેની સામે તેઓનો એક જ જવાબ રહ્યો છે ” હું કાઈ થોડો કોઈની નીચે કામ કરૂ”
ભીમજીભાઈની એક ખૂબી એ છે કે તેઓ કોઈ પણ નવી વસ્તુ ખ્યાતિ કે પૈસા માટે બનાવતા નથી. તેઓ માત્ર પોતાની સરળતા માટે કંઈકને કઈ નવું સંશોધન કરતા રહે છે અને તેનાથી જ આત્મ સંતોષ માનતા રહે છે. અગાઉ તેઓએ જાતે એક એન્જીન બનાવ્યું અને તેને બજાજ પલ્સરના જુના બાઇકમાં ફિટ કરી એક અનોખું બાઇક તૈયાર કર્યું હતું. આ બાઇકની ખાસિયત એ હતી કે તે એક લીટર ડિઝલમાં 120 કિલોમીટર ચાલતું હતું. આ બાઇકના નિર્માણ સમગ્ર પંથકમાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સૌ કોઈ આ બાઇકની ખાસિયતો જોઈને દંગ રહી ગયા હતા.
તેઓની સંશોધન પ્રત્યેની રૂચિ આ બાઇક પૂરતી સીમિત રહી ન હતી. બાઇક બનાવવામાં સફળતા મળ્યા બાદ તેઓએ આ તેનું એન્જીન તેમાંથી નોખું કરીને પાણી ઉપાડવાના પંપમાં ફિટ કરી દીધું હતું. અને પિયતની સીઝનમાં તેઓ પંપ તરીકે ભરપૂર ઉપયોગ કર્યો હતો. બાદમાં તાજેતરમાં લોકડાઉન ચાલી રહ્યું હતું. ત્યારે નવરા બેઠા ભીમજીભાઈનો મગજ ચગડોળે ચડ્યો અને તેઓએ ફરી નવું સંશોધન હાથ ધર્યું અને એક મહિનાની મહા મહેનતે તેઓએ અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવી નાખ્યું.
આ અલ્ટ્રા મીની ટ્રેકટરમાં તેઓએ પહેલા બનાવેલું મૂળ ડીઝલ એન્જીન ઉપયોગમાં લેવાયું છે. જે માત્ર એક લીટર ડિઝલમાં અંદાજે 10 વિઘાથી પણ વધુ જમીન ખેડી શકે છે. આ ટ્રેકટરમાં તેઓએ ગિયર બોક્સ પણ લગાવ્યું છે. આ ટ્રેકટર રિવર્સ ગિયર પણ ધરાવે છે. તેઓએ જુના પડેલા સ્કુટરના ટાયર આ ટ્રેકટરમાં ઉપયોગમાં લીધા છે. ટ્રેકટર રિક્ષાની જેમ દોરડાથી સ્ટાર્ટ થાય છે.અલ્ટ્રા મીની ટ્રેકટરના નિર્માણ બાદ ભીમજીભાઈ કહે છે કે જયાં તલવાર કામ આવે છે ત્યાં સોય કામ ન આવે. એવી જ રીતે જ્યાં મોટા ટ્રેકટર કામ ના આવે ત્યાં અલ્ટ્રા મીની ટ્રેકટર કામ આવે છે.
ભીમજીભાઈએ બાઇક અને ટ્રેકટર બનાવવા ઉપરાંત પણ અનેકવિધ રીતે પોતાની કોઠાસૂઝનો પરચો આપ્યો છે. મોવિયા ગામની પ્રખ્યાત ગરબીમાં ગોળ- ગોળ ફરતો લાઇટિંગ વાળો મંડપ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. આ મંડપ ભીમજીભાઈના ભેજાની ઉપજ છે. તેઓએ એવી તકનીક પણ ગોઠવી હતી કે કોઈ વ્યક્તિ ફોન ઉપર મિસ કોલ લગાવે એટલે મંડપ ફરવા માંડે. આ ઉપરાંત ભીમજીભાઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીમાં પણ પોતાના નત- નવીન આઈડિયાથી હંમેશા લોકોને અચરજમાં મુકતા આવ્યા છે. ગ્રામજનો પણ તેઓની આ પ્રવૃત્તિને સાહજીકતાથી વધાવે છે.