એજીવીકેએસના પ્રમુખ ભરત પંડયા અને જીબીઆના પ્રમુખ ગોરધન ઝડફીયાના પ્રયાસો સફળ નિવડયા: આજનો માસ સીએલનો તથા ૨૦મીનો હડતાલનો કાર્યક્રમ રદ
રાજયના ૫૫ હજારથી વધુ વીજ કર્મીઓએ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના નેજા હેઠળ શરૂ કરેલું આંદોલન મુલત્વી રાખી દેવામાં આવ્યું છે. ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વીજકર્મીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની બાહેધારી આપવામાં આવતા હવે પછીના આંદોલનાત્મક કાર્યક્રમો રદ કરી નાખવામાં આવ્યા છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે, સાતમા વેતન પંચની અમલવારી પછી મળવા પાત્ર એચઆરએ અને એલાઉન્સ એપ્રીલ ૨૦૧૬થી ચૂકવી આપવા, જીએસઓ ૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરી સામે રિસ્ક એલાઉન્સ આપવું એ સહિતની અનેક માંગણીઓ બાબતે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ અને જીબીઆ દ્વારા આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતુ.
આ આંદોલનમાં અગાઉ સુત્રોચ્ચાર અને કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપવાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાદમાં આજરોજ માસ સીએલનો કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ આ પૂર્વે ગઈકાલે એજીવીકેએસના પ્રમુખ ભરત પંડયા, જીબીઆના પ્રમુખ ગોરધન ઝડફીયા અને ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના હોદેદારોની હાજરીમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે હકારાત્મક ચર્ચા થઈ હતી જેમાં સૌરભ પટેલે પડતર પ્રશ્નો ઉકેલવાની તૈયારી દર્શાવીને આજરોજ બેઠક માટે સમય આપ્યો છે.
જેને ધ્યાને લઈને ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા આંદોલન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. માટે આજનો માસ સીએલનો કાર્યક્રમ તેમજ ૨૦મીથી યોજાનાર અચોકકસ મુદતની હડતાલ રદ કરી છે.