રાજ્ય સરકાર દ્વારા અગમચેતી સાથે લેવાયેલ પગલાથી સંતોષ વ્યકત કરતાં ગ્રામજનો
આજ રોજ રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ચોરડી, ગોમટા, નવાગામ, લીલાખાતથા જેતપુર તાલુકાનાં વિરપુર ગામે તંત્ર દ્વારા તૈયાર કરાયેલ સલામત આશ્રય સ્થાનોની મુલાકાત લીધી હતી.
ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ઝળુંબાયેલા વાયુ વાવાઝોડાની આફત સામે જાનહાનિ અટકાવવાનાં અને અન્ય સાવચેતીનાં પગલા અન્વયે લોકોને સલામત સ્થળે વહિવંટીતંત્ર દ્વારા સ્થળાંતરીત કરાયેલ હતાં. આ આશ્રય સ્થાનોમાં તેઓ માટે નિવાસ સાથે ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઇ હતી.
મંત્રી સૌરભભાઇ પટેલે આશ્રય સ્થાનોમાં આશ્રય મેળવેલ લોકોની રૂબરૂ મુલાકાત લઇ આશ્વાસન સાથે વહીવટીતંત્ર દ્વારા અપાયેલ સવલતોની વિગતો મેળવી સંતોષ વ્યકત કર્યો હતો. આ તકે મંત્રી પટેલે અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ પણ કર્યું હતું.
સ્થળાંતર કરી આશ્રય મેળવનાર લોકો અને ગ્રામજનોએ સંભવિત આફતની પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ સાવધાનીનાં પગલાં માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સમયે મંત્રી સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયા, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા તથા ગોંડલ મામલતદાર ચુડાસમા, ટી.ડી.ઓ. બખતરીયા, ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ બોઘરા અને ભાનુભાઇ મેતાસહીત પી.જી.વી.સી.એલ.અને વહીવટીતંત્રનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.