આજે દરેક પોલોટિકલ પાર્ટી ટેકનોલોજીના ઉપયોગ તરફ વળી છે અને યુવાઓ તેનો આધારસ્તંભ છે: સી.આર.પાટીલ
આજરોજ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટી ખાતે આયોજિત ’યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજયકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી, કાર્યક્રમની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને ભાજપા ગુજરાત યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, યુનાઇટેડ ગ્રુપના ચેરમેન કમલકિશોર હાંડા, ડીએ ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, કર્ણાવતી યુનિ.ના ઉપકુલપતિ એ.કે. સૂર્યવંશી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં યુવાઓની હાજર રહ્યા હતા.ગુજરાત ભાજપાના યશશ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવાનું આહવાન કર્યું હતું, અને ત્યારબાદથી આજે ગાંધીનગરમાં ત્રીજી યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું આયોજકોને અભિનંદન પાઠવું છુ.
આજનો યુવા સાંપ્રત પરિસ્થિતિમાં સમાજમાં પ્રવર્તતા પ્રશ્નોને સમજી રહ્યો છે, લીડરશીપ કરીને સમસ્યાના નિરાકરણ માટે પોતાનો ઓપિનિયન આપી રહ્યો છે, પોતાની બુદ્ધિક્ષમતાથી દેશ માટે યોગદાન આપી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વાતમાં વારંવાર યુવાઓનો ઉલ્લેખ કરતા કહે છે કે, દેશની કુલ વસ્તીના 65% એવા આપણા યુવાઓ આપણાં દેશની તાકાત છે, દેશના ભવિષ્યનું કેન્દ્રબિંદુ છે.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતના યુવામાં ભરપૂર ઇનોવેશન છે, કોઈપણ ચીજના નિરાકરણ માટે નવા અને અલગ રસ્તા છે, અપાર ક્ષમતા છે. યુવાઓએ પોતામાં રહેલી શક્તિને બહાર લાવી આગળ આવીને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કાર્ય કરવાનું છે, જે તેઓ સુપેરે કરી પણ રહ્યાં છે. દેશહિત માટે જરૂરી કોઈ પણ મોટા નિર્ણય કે ક્રાંતિ કરવાની તાકાત યુવાઓમાં છે. ભારતના યુવા ટેલેન્ટે વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અને માન્યતા પ્રાપ્ત કરી છે. આજે દરેક પોલોટિકલ પાર્ટી ટેકનોલોજીના ઉપયોગ તરફ વળી છે અને યુવાઓ તેનો આધારસ્તંભ છે. શ્રી પાટીલે યુવાધનને મોટી સંખ્યામાં સક્રિય રાજનીતિમાં પ્રવેશી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપવા માટે હાકલ કરી હતી.
ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, યુવાનો શક્તિનો અપાર સ્ત્રોત છે, ઉર્જા એ સફળતા માટે પાયાની જરૂરિયાત છે અને આજનો યુવા ઉર્જાથી ભરપૂર છે. ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો ઉર્જાવાન યુવાઓ કોઈપણ લક્ષ્ય પર પાડી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. યુવા મોરચો પ્રત્યેક કાર્યક્રમને સફળ બનાવે છે. યુથ પાર્લામેન્ટમાં સીએએ, એજ્યુકેશન પોલિસી, મીડિયા ટ્રાયલ સહિત અનેક વિષયો પર ચર્ચા થવાની છે ત્યારે આપ સૌ અહીંથી અનોખું ભાથું લઈને જવાના છો. મનોમંથન અને સંવાદ દ્વારા અમૃત પ્રાપ્ત થાય છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સંસદીય પ્રણાલી વધુ મજબૂત બની છે, સંસદની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા વધી છે, સરકારમાં તેમજ રાજનીતિમાં યુવાઓની સહભાગિતા વધી છે. ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે દેશને સમર્પિત યુવા નેતા તૈયાર કરવા એ ભાજપાની પ્રતિબદ્ધતા છે. દેશના યુવાધને રાષ્ટ્રહિતમાં આગેવાની લેવામાં પાછીપાની ન કરવી જોઈએ. આપણે સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમૃદ્ધ, સશક્ત, આત્મનિર્ભર, ’નયા ભારતના નિર્માણના આહવાનને વધાવી દેશને વિશ્વગુરુ બનાવવામાં પોતાનું યોગદાન આપવાનું છે. યુવા પોતાના ટેલેન્ટ અને રિસર્ચના આધારે કોઈપણ નવી યોજના કે વિષય અંગે સરકારને જણાવે, સરકાર સકારાત્મકતા સાથે તે અંગે વિચાર કરશે.