ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિની ઉર્જા વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરી સાથેની બેઠક સફળ નિવડી: હવે ઉર્જામંત્રી સાથેની બેઠકમાં જો માંગણીઓ સંતોષવાની વાત માન્ય રહેશે તો આંદોલન મોકુફ રાખી દેવાશે
વીજ કર્મીઓનાં વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈને ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જે સંદર્ભે જીયુવીએનએલનાં એમડીએ સમિતિનાં હોદેદારો સાથે તાજેતરમાં બેઠક યોજી હતી જોકે આ બેઠક નિષ્ફળ નિવડયા બાદ ઉર્જા વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરીએ હોદેદારો સાથે બેઠક બોલાવી હતી જે બેઠક સફળ નિવડી છે હવે આવતીકાલે ઉર્જામંત્રી સાથે હોદેદારોની અંતિમ બેઠક મળવાની છે જો આ બેઠકમાં માંગણી સંતોષવાની વાતને માન્ય રાખવામાં આવશે તો વીજ કર્મીઓનાં આંદોલનને મોકુફ રાખી દેવાશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમન લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીમાં ફરજ બજાવતા ૫૫ હજારી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે, સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચઆરએ અને એલાઉન્સ એપ્રિલ ૨૦૧૬થી ચૂકવી આપવા, જીએસઓ ૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક્ક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવું એ સહિતની અનેક માંગણીઓ બાબતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબીયા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
આ આંદોલનમાં આગામી ૧૪મીએ માસસીએલનો કાર્યક્રમ યોજાનાર છે ત્યારબાદ ૨૦મીથી અચોકકસ મુદતની હડતાલ શ કરવામાં આવનાર છે જોકે આ બંને વિરોધ દર્શક કાર્યક્રમ યોજાય તે પૂર્વે જીયુવીએનએલનાં એમડીએ સમિતિનાં હોદેદારો સાથે બેઠક યોજી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ નિવડી હતી ત્યારબાદ ગઈકાલે જીબીયા એસો.નાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, એજીવીકેએસનાં પ્રમુખ ભરતભાઈ પંડયા સહિતનાં પ્રતિનિધિઓની હાજરીમાં ઉર્જા ખાતાનાં પ્રિન્સીપાલ સેક્રેટરી પંકજ જોશી સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠક સફળ નિવડી હતી. હવે આવતીકાલે ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે પ્રતિનિધિઓની અંતિમ બેઠક યોજાનાર છે જો આ બેઠકમાં વીજ કર્મીઓની માંગણીઓ સંતોષવામાં આવશે તો આંદોલન મોકુફ રાખી દેવાશે.