ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના સરકારના નિર્ણય બાદ ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે અટકળો શરૂ થઇ હતી. જો કે આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટે જારી કરેલી માર્ગદર્શિકામાં ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની સ્પષ્ટતા કરી દેવામાં આવતાં અનેક અટકળોનો આખરે અંત આવી ગયો છે.
રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયેલા પરિપત્રમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો કે રાજ્યના ધોરણ-10ના 3.62 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓએ ગઇકાલે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.બોર્ડ દ્વારા આ પરીક્ષા ક્યારે લેવામાં આવશે? તે અંગેની સત્તાવાર જાહેરાત કરી ન હોવાનું જાણવા મળે છે.
પરીક્ષાની સ્પષ્ટતા કરી દેવામાં આવતાં અનેક અટકળોનો આખરે અંત આવી ગયો
આ દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે, ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની અને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, પરંતુ કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ આ પરીક્ષા લેવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેથી રાજ્યના 3.62 લાખ જેટલા ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને હવે પરીક્ષાની તૈયારી કરવી પડશે.