- અનુપમસિંહ ગેહલોત બન્યા સુરતના નવા પોલીસ કમિશ્નર : નરસિમ્હા કોમારની વડોદરા સીપી તરીકે નિયુક્તિ
ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે.રાજ્ય સરકારે આઈપીએસ અધિકારીઓની બદલીને લઈ તમામ વિગતો પેનલ ચૂંટણીપંચને સોંપી હતી. નિમણૂંકનો આદેશ થતાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ છે. છેલ્લા લાંબા સમયથી બદલીઓ અટકીને રહી હતી અને અન્ય પોલીસ અધિકારીના ચાર્જમાં આ કામ કરવામાં આવતું હતું. ગુજરાતમાં લોકસભા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 35 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે. કુલ 35 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે.
ઘણાં સમય થી જેની રાહ જોવાઇ રહી હતી તેવી આઇપીએસ અધિકારીઓની બદલી- બઢતીની ફાઇનલી જાહેરાત થઇ ગઈ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, ચૂંટણી જાહેર થઈ જાય, આચાર સંહિતા લાગુ થઇ જાય ત્યાં સુધી રાજ્ય સરકારે આઇપીએસની બદલીઓ ના કરી શકી હોય. સૂત્રો અનુસાર પોતાની પસંદગીની જગ્યાએ બદલી પામવા એડીચોંટીનું જોર લગાવવામાં આવ્યું હોય જેના લીધે બદલીનું કોકડું ગુંચવાઈ જતાં બદલીઓ કરાઈ ન હતી.
સુરત સિવાય જ્યાં અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂકયા હોય તે, જેનુ હોમ ટાઉન હોયને ચૂંટણી સમયે બદલી જરુરી હોય તેવા તમામ ઓફિસરોની બદલીઓ પણ આ કારણોસર લટકી પડી હતી. જોકે, કેન્દ્રીય ચૂંટણી પંચે નામોની પેનલ મંગાવતાં રાજ્ય સરકારે શુક્રવારે તમામ નામોની પેનલો મોકલી દેતા મનાઇ રહ્યું હતુ કે, મોડામાં મોડું સોમવારે રાત સુધીમાં બદલીઓ જાહેર થઇ જશે અને એવું જ બન્યું છે.રવિવારે અંદાજિત 35 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી જાહેર થઇ છે. દસ જેટલા આઇપીએસને સિલેકશન ગ્રેડ અપાયા છે એટલે તેઓ પણ તેમની બેચ અનુસાર આગામી સમયમાં હવે ડીઆઇજીનું પ્રમોશન મેળવી – ડીઆઇજીનુ પોસ્ટીંગ મેળવી શકશે. જે બદલી-બઢતીની જાહેરાત થઇ એમા સુરતના પોલીસ કમિશનરની ખાલી પોસ્ટ ભરાઈ છે. હવે અનુપમસિંહ ગેહલોત સુરતના નવા કમિશનર બન્યા છે. સુરત રેન્જ આઇજી તરીકે પ્રેમવીરસિંગની નિમણૂક કરાઇ છે. બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરની નિમણૂક કરાઇ છે. બ્રજેશ કુમાર ઝા હવે અમદાવાદના સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ બન્યા છે. ગગનદીપ ગંભીર, રાઘેન્દ્ર વત્સ અને પ્રેમવીર સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને આ જાહેરાત દરમિયાન પોસ્ટીંગ મળ્યા છે.
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 25થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. જયારે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક જેવા આઇપીએસ અધિકારી હજુ પણ વેઈટિંગ ફોર પોસ્ટિંગ લિસ્ટમાં છે. જોકે તેમને સિલેકશન ગ્રેડ અપાયો છે જેથી તેમની બેચ અનુસાર હવે તેઓ ડીઆઇજીનુ પ્રમોશન મેળવી શકશે. સિલેક્શન ગ્રેડ મળ્યો એ બધાને હવે પછી ડીઆઈજી પ્રમોશન મળી શકશે.ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 આઈપીએસની બદલીના આદેશ અપાયા છે.
ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ આઈપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં એએસપીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ ઈંઙજ અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.
રાજકોટ જેલ અધિક્ષક શિવમ વર્માની અમદાવાદ ડીસીપી તરીકે બદલી
રાજકોટ મધ્યસ્થ જેલ અધિક્ષક શિવમ વર્માની અમદાવાદ ડીસીપી ઝોન 7 તરીકે બદલી કરવામાં આવી છે. હવે શિવમ વર્માની બદલી થઇ જતાં રાજકોટ જેલ અધિક્ષકની જગ્યા ખાલી થઇ ગઈ છે. હવે આ જગ્યા પર નિમણુંક કરવામાં આવશે કે પછી ઇન્ચાર્જથી કામ ચલાવી લેવામાં આવશે તે હવે જોવું રહ્યું.
અધિકારીઓની ક્યાં કરાઈ છે નિયુક્તિ ?
સુરત સીપી તરીકે અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી તરીકે નરસિમ્હા કોમાર, અમદાવાદ સીપી તરીકે જી.એસ.મલિક, અમદાવાદ રેન્જ આઈજી તરીકે જી.આર.મોથલિયા, સુરત રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંહ, જૂનાગઢ રેન્જ આઈજી તરીકે નિલેશ ઝાઝડિયા, ભુજ બોર્ડર રેન્જ આઈજી તરીકે ચિરાગ કોરડિયા, ગોધરા રેન્જ આઈજી તરીકે આર.વી.અંસારી, સુરત સેક્ટર-2 જેસીપી તરીકે કે.એન.ડામોર, મહેસાણા એસપી તરીકે તરૂણ દુગ્ગલને પોસ્ટિંગ, અમદાવાદ એસપી તરીકે ઓમપ્રકાશ જતને પોસ્ટિંગ, આણંદ એસપી તરીકે ગૌરવ જસાણીને પોસ્ટિંગ, છોટાઉદેપુર એસપી તરીકે ઇમ્તિયાજ શેખને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.