ચીનથી આવતી ૪૦૦૦ જેટલી પ્રોડકટમાંથી પોણા ભાગની પ્રોડકટને રોકવા કવાયત હાથ ધરાઈ
ભારત અને ચીન વચ્ચેનો તનાવ વધવાના કારણે ચીન સાથેના કારોબારી સંબંધો ઓછા કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. સરકારે ચાઈનીઝ એપને પ્રતિબંધીત કર્યા બાદ હવે ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર પણ લગામ લગાવવાની તૈયારી થઈ છે. હવે સરકાર મોબાઈલ ફોન, ટેલીકોમના સાધનો, સોલાર પેનલ, એર કંડીશન સહિતની ૩૨૭ વસ્તુઓમાં ચીન પરની નિર્ભરતાનો અંત આણવા જઈ રહી છે. આ વસ્તુઓ ચીન સીવાયના દેશોમાંથી મંગાવાશે અથવા તો ભારતમાં જ તેનું ઉત્પાદન થશે.
દેશ માટે અતિ સંવેદનશીલ ગણાતી આયાતી વસ્તુઓની બજાર ૨૦૧૮માં ૬૬.૬ બીલીયન ડોલર એટલે કે રૂા.૫ હજાર કરોડની હતી જે ૨૦૧૯ સુધીમાં વધીને ૭૫૦૦ કરોડે પહોંચવા પામી હતી. ચીન દ્વારા ઘણી વસ્તુઓમાં મોનોપોલી રાખવામાં આવી છે. જેના પરિણામે ભારતમાં આ વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંકને ક્યાંક ચીની સામાનની જરૂર પડતી હોય છે. ચીનમાંથી સામાન્ય રીતે ૪૦૦૦ જેટલી વસ્તુઓ ભારતમાં આવે છે. જેમાંથી ૩૨૭ જેટલી સંવેદનશીલ વસ્તુઓને ભારતમાં પ્રવેશતી રોકવામાં આવશે. આ વસ્તુઓ એવી છે જેની અવેજી ભારતને મળી શકે તેમ છે. પરંતુ ઘણી પ્રોડકટ એવી પણ છે જેનું ઉત્પાદન ચીનમાં જ થાય છે અને ભારતને સસ્તા દરે મળે છે. જેમાં ઈઅરફોન, હેડફોન, માઈક્રોવેવ ઓવન અને કેટલીક જાતના વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક મશીનરી પણ એવી છે જે માત્ર ચીનમાં જ નિર્માણ થાય છે. આ બધી પ્રોડકટમાં માત્ર ચીન જ એકમાત્ર સપ્લાયર છે.
વર્તમાન સમયે ચીનની ૩૨૭ વસ્તુઓ ઉપર લગામ લગાવવાની તૈયારી તો પણ અલબત ચીનની અવેજીમાં અન્ય કોઈ દેશમાંથી આયાત નહીં થાય તો ઘર આંગણે જ આ તમામ પ્રોડકટ બનાવાશે. સરકારે આ માટેની તૈયારી માર્ચ મહિનાથી જ કરી રાખી હતી. અલબત ભારતમાં ચીનની જેમ મોટા પ્રમાણમાં તુરંત પ્રોડકટ નહીં બને પરંતુ ઈલેકટ્રોનિકસ, ફાર્મા અને કેમીકલ સેકટરમાં ભારત ચીનને હંફાવી શકશે. આ ઉપરાંત ઘણા સેકટર એવા છે જ્યાં ચીન કરતા અન્ય દેશો વધુ સસ્તા દરે ભારતને માલ-સામાન પુરો પાડે છે. તેના ઉપર પણ નજર દોડાવવામાં આવશે.