બ્રિજના લોકાર્પણમાં પેટા ચુંટણીની આચાર સંહિતા નહિં નડે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપી દેવાયું: શનિ અથવા રવિવારે બ્રિજ સાથે ગોવિંદ બાગ શાકમાર્કેટ પાસેની લાયબ્રેરીનું પણ લોકાર્પણ કરી દેવાશે
રાજકોટવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે કેકેવી ચોકમાં બની રહેલા શહેરના પ્રથમ એલીવેટેડ બ્રિજનું આગામી સપ્તાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કરી દેવામાં આવશે. મેયર દ્વારા પાઠવવામાં આવેલા નિમંત્રણનો સીએમ દ્વારા સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. આવતા શનિવાર અથવા રવિવારે બ્રિજ ખૂલ્લો મૂકી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી ચોક ખાતે ઓવરબ્રિજ પર રૂ.129 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ બની રહ્યો છે. જેનું તમામ કામ હવે પૂર્ણ થઇ ગયું છે. તાજેતરમાં મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા બ્રિજના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો સીએમ દ્વારા સ્વિકાર કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતા શનિવારે અથવા રવિવારે બ્રિજ શહેરીજનો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા આગામી સોમવારે બ્રિજની લોકાર્પણ માટેની તારીખનું સત્તાવાર એલાન કરી દેવામાં આવશે. હાલ બ્રિજને ફાઇનલ ટચીંગ આપવાની કામગીરી ચાલી રહી છે.
વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચુંટણીની તારીખ જાહેર થતા ગત 12 જુલાઇના રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વોર્ડ નં.6માં ગોવિંદ બાગ શાકમાર્કેટ પાસે જે લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવનાર હતું. તે છેલ્લી ઘડીએ કેન્સલ કરાયું હતું. આ લાયબ્રેરી વોર્ડ નં.6માં આવતી હોવાના કારણે તેને પેટા ચુંટણીની આચાર સંહિતા લાગૂ પડતી નથી. તેવું ચુંટણી અધિકારીનું માર્ગદર્શન આવ્યું છે. આગામી સપ્તાહે કેકેવી બ્રિજ સાથે લાયબ્રેરી પણ ખૂલ્લી મૂકી દેવામાં આવશે.