ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલે લઈ આવનાર વ્યક્તિના સ્ટેટમેન્ટ ઉપર હાઈકોર્ટે ભરોષો ન કરતા સુપ્રીમ વહારે આવી
ગંભીર માર્ગ અકસ્માત બાદ શરૂઆતની કલાકો જ ઈજાગ્રસ્તના જીવન-મરણ નક્કી કરે છે. જો અકસ્માત બાદ તુરંત જ ગંભીર ઈજાગ્રસ્તને તબીબી સારવાર મળી રહે તો તેના જીવ બચવાના ચાન્સ ખુબ વધુ છે. જો કે ઘણી વખત કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જવાના ડરે અકસ્માત બાદ ઘટના સ્થળની નજીક રહેલા લોકો પણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે પહોંચાડતા નથી. ભૂતકાળમાં પોલીસે કડક પુછપરછ કરી હોય અથવા ફીટ કરી દીધા હોય તેવા ખરાબ અનુભવ લોકોને હોય છે. જેથી ઘણા સમયથી અકસ્માત બાદ હોસ્પિટલે લઈ આવનારને કાયદાકીય આંટીઘુંટીમાં ન લેવાય તે માટે પ્રયત્ન થયા છે. આવી સ્થિતિમાં હવે વડી અદાલતે પણ કહ્યું છે કે, માર્ગ અકસ્માતમાં વહારે આવનારને પ્રોત્સાહિત કરવા જોઈએ.
અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલે પહોંચાડનાર ઉપર ભરોસો મુકવો જોઈએ. ન્યાયાધીશ સૂર્ય કાન્ત અને ન્યાયાધીશ અનિરુધ્ધ બોઝની ખંડપીઠ દ્વારા અપાયેલા ચુકાદાના પૃથકરણ પરથી આ વાત સામે આવી હતી. વર્ષ ૨૦૦૯માં યુપીના ગાજીપુરમાં થયેલા ગંભીર અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તે સમયે રીતેષ પાંડે નામના વ્યક્તિએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને પહોંચાડ્યા હતા. જો કે ચાર પૈકીનો એક ઈજાગ્રસ્ત મોતને ભેટયો હતો અને તેના પરિવારજનોએ મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં વળતર માટે ધા નાખ્યો હતો અને ૧૬ લાખનું વળતર મળ્યું હતું. જો કે, અલ્હાબાદ હાઈકોર્ટે વળતર ઉપર રોક લગાવી હતી અને અકસ્માત બાદ દર્દીને દવાખાને લઈ જનારા રીતેશ પાંડે ઉપર ભરોષો કર્યો ન હતો. એફઆઈઆરમાં રહેલી ટેકનીકલ બાબત ઉપર ધ્યાન આપ્યું હતું.
અલ્હાબાદ હાઈકોર્ટે પાંડે ઉપર ભરોષો કર્યો નહોતો અને કહ્યું હતું કે, પાંડે નહીં પરંતુ પોલીસ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ આવી હતી. આવા કિસ્સામાં ન્યાયાધીશ કાંતે નોંધ્યું છે કે, મોટાભાગના લોકો હેરાનગતિના ડરે ઈજાગ્રસ્તોની મદદ કરતા નથી. આ કેસમાં ઈજાગ્રસ્તોને રીતેશ પાંડેએ હોસ્પિટલે પોંચાડ્યા હોવાની કોઈ નોંધણી નથી. તેવી જ રીતે પોલીસે પણ હોસ્પિટલે પહોંચાડ્યા હોવાનું પણ કયાંય નોંધાયું નથી. આવા કિસ્સામાં પાંડેનું સ્ટેટમેન્ટ વધુ અસરકારક છે. તે ઈજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ આવ્યા હતો અને સારો મદદગાર અને સારો નાગરિક પુરવાર થયો હતો.