અમીન માર્ગ પર એક સાથે છ શખ્સો બિલ્ડરને ત્યાં ત્રાટકી લૂંટ ચલાવે તે પહેલાં એસઓજી સ્ટાફ પહોચતા મોડીરાતે ફિલ્મી દ્રશ્ય સજાર્યા
ઝપાઝપી સબ ઇન્સ્પેકટર ખેર ઘવાતા સારવારમાં: પોલીસની હિમ્મતભેર અને સરાહનીય કામગીરીને બિરદાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ
અબતક,રાજકોટ
શહેરના અમીન માર્ગ પર ચોરીના ઇરાદે ઘસી આવેલી દાહોદ પંથકની લૂંટારૂ ગેંગ બિલ્ડરના બંગલામાં ત્રાકટે તે પહેલાં એસઓજી સ્ટાફ ઘટના સ્થળે પહોચી જતા પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે થયેલી ઝપાઝપી અને ત્રણ રાઉન્ડ ફાયરિંગથી મોડીરાતે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ પર હુમલો કરી ગન તાકતા પોલીસ દ્વારા સ્વબચાવમાં કરેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં બે લૂંટારા ઘવાયા હતા જ્યારે ઝપાઝપીમાં પી.એસ.આઇ. ખેર ઘવાતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મોડીરાતે પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે અથડામણ થયાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ઘટના સ્થળે જ ચાર લૂંટારાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને હિમ્મતભેર કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.
પોલીસ સામે લૂંટારૂ ગેંગે ગન તાકી હુમલો કરતા પોલીસ દ્વારા સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા અમીન માર્ગ પર ચિત્રકૂટ સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી નામના બંગલામાં રહેતા બિલ્ડર રાજેસભાઇ ઠાકરશીભાઇ પટેલને ત્યાં ધાડ પાડવાના ઇરાદે આવેલા છ શખ્સો સાથે એસઓજી પી.એસ.આઇ. ખેર અને તેમની ટીમ દ્વારા સતર્કતા અને હિમ્મતભેર સામનનો કરી લૂંટરૂ ગેંગનો ધાડ પાડવાનો ઇરાદો નિષ્ફળ બનાવ્યો હતો.
ગતમોડી રાતે એસઓજી ટીમ અમીન માર્ગ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન છ જેટલા શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને અટકાવી પૂછપરછ માટે ગયા હતા તે દરમિયાન લૂંટારૂ ગેંગ કારખાનેદાર રાજેશભાઇ પટેલના બંગલામાં ઘુસી સીસીટીવી ફુટેજ પર કપડુ ઢાંકી રહ્યા હતા. આથી પોલીસે તેને પડકારતાની સાથે જ લૂંટારૂ ગેંગ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ સ્ટાફથી બચી ચાર શખ્સોએ પ્રયાસ કર્યો હતો.
ઘટના સ્થળે પાર્ક કરેલી કારને ઢાલ બનાવી તેની પાછળથી લૂંટારૂ ગેંગ પર ફાયરિંગ કરતા બે શખ્સોએ પોતાને ઇજા થયાનું નાટક કરી ઢળી પડયા હતા. આથી પીએસઆઇ ખેર બંને લૂંટારાને કયાં ઇજા થઇ છે તે જોવા માટે બંને લૂંટારા પાસે પહોચ્યા ત્યારે તેને પીએસઆઇ ખેરની ગળચી પકડી તેમની પાસે રહેલું હથિયાર તાકી ફાયરિંગ કરે તે પહેલાં પોલીસ દ્વારા કરાયેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને લૂંટારા ઘવાયા હતા. જે પૈકીના કલા જીતા ગોઢીયા અને તેના સાગરિત ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઝપાઝપીમાં એસઓજી પીએસઆઇ ધર્મેશભાઇ ભરતભાઇ ખેર ઘવાતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.મોડીરાતે અમીન માર્ગ પર પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે અથડામણ થયાની જાણ થતા સમગ્ર શહેરનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી જે.એસ.ગેડમ, પી.આઇ. કે.એન.ભૂકણ સહિતના સ્ટાફે એસઓજી ટીમની હિમ્મતભેર કરેલી કામગીરીની પસંશા કરી બિરદાવી છે.
પોલીસે દ્વારકાધીશ બની બચાવ્યા: રાજેશભાઇ પટેલ
ફાયરિંગના અવાજ અને પથ્થરમારાના કારણે જાગી ફિલ્મી દ્રશ્ય જેવી ઘટના નજરે નિહાળી
અમીન માર્ગ પર ચિત્રકૂટ સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી મકાનમાં રહેતા બિલ્ડર રાજેશભાઇ ઠાકરશીભાઇ પટેલે પોલીસ અને લૂંટારૂ ગેંગ વચ્ચે થયેલી અથડામણ અને ફાયરિંગની ફિલ્મી દ્રશ્ય જેવી ઘટના નજરે નિહાળી હોવાનું નઅબતકથ સાથેની વાતચીતમાં કહી પોલીસ ખરેખર દ્વારકાધીશની બની પોતાને બચાવ્યા છે. પોતે જાગી ગયા હોત તો પણ લૂંટરૂ ગેંગ પાસે ગન સહિતના ઘાતક હથિયાર અને છ જેટલા શખ્સો હોવાથી લૂંટ ચલાવી શકે તેમ હતા પરંતુ પોલીસની સજાગતાના કારણે જ પોતાનો અને પરિવારનો બચાવ થયાનું જણાવ્યું હતું. પોલીસને આવવામાં થોડો પણ વિલંબ થયો હોત તો પોતાના પરિવારનું શું થઇ શકે તેની કલ્પના કરવી પણ કંપારી છુટે તેવી છે. પટેલ પરિવારે શહેર પોલીસની સરાહનીય કામગીરીને બિરદારીવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
એસઓજી પીએસઆઇ ડી.બી.ખેર ઝપાઝપીમાં ઘવાયા
ગત મોડી રાત્રે ધાડપાડુ ગેંગ સાથે થયેલી ઝપાઝપીમાં એસ.ઓ.જી. પીએસઆઈ ધર્મેશભાઈ ભરતભાઈ ખેર ઘવાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાડપાડુ ગેંગ કોઈ મકાનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા. પરંતુ અમીનમાર્ગ જેવા પોષ વિસ્તારમાં ચોરી કરવા આવેલી ગેંગને રોકવા માટે પીએસઆઈ ધર્મેશભાઈ ખેરએ પોતાની જાનની બાજી લગાડી દીધી હતી.
ધાડપાડુ ગેંગના સભ્યો પોલીસને જોઈ જતા તેમની સામે બંદૂક તાકી દીધી હતી. તેમ છતાં જાબાઝ પોલીસ અધિકારી ધર્મેશભાઈ ખેર પોતાના જીવની ચિંતા કર્યા વગર ગેંગ સાથે બાથ ભીડી લીધી હતી. જેમાં ચારથી વધુ શખ્સોએ પીએસઆઈ ખેરને દબોચી લઈ તેમની સાથે ઝપાઝપી કરી તેમની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના કારણે પીએસઆઈ ખેર ઘવાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ ફાયરિંગમાં બે લૂંટારા ઘાયલ: એક ગંભીર
ગત મોડી રાતે અમીન માર્ગ પર ચિત્રકૂટ ધામ સોસાયટી પાસે લુટ કરવાની ઈરાદા આવેલી ગેંગને પોલીસ સાથે પરચો થઈ જતા બંને વચ્ચે ફાયરીંગ થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ધાડપાડુ ગેંગ દ્વારા એસઓજીના પી.એસ.આઇ. ખેર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેની સામે પોલીસે વળતા પ્રહારમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં ગેગના સભ્ય કલા જીતા ગોઢીયાને બેઠકના ભાગે તો અન્ય એક 30 વર્ષના શખ્સને પડખાના ભાગે ગોળી વાગી હતી. જેના કારણે પોલીસે બંને આરોપીઓને ચુસ્ત પોલીસ જાપ્તામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં એક શખ્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કરેલા સ્વબચાવમાં કરેલા ફાયરિંગ બાદ બે ઘાયલ થયા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અન્ય આરોપીને ઓપરેશનમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસની સતર્કતાથી ધાડની ઘટના અટકી: ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ
અમીન માર્ગ પર ચિત્રકૂટ સોસાયટીમાં ધાડ પાડવાના ઇરાદે આવેલી શસ્ત્ર દોહોદની લૂંટારૂ ગેંગનો એસઓજીની ટીમે હિમ્મતભેર સામનો કરી ધાડની ઘટના નિષ્ફળ બનાવી છે એટલું જ નહી ઘટના સ્થળેથી એક સાથે ચાર લૂંટારાને ઝડપી લીધાનું ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે નઅબતકથને જણાવ્યું હતું. લૂંટારૂ ગેંગ સાથેની અથડામણમાં પી.એસ.આઇ. ખેર ઝપાઝપીમાં ઘવાયા છે. જ્યારે પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં છ લૂંટારા પૈકી બે ઘવાયા છે. જેમાં એકની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. લૂંટારા કયાં વાહનમાં આવ્યા અને તેની સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ તેમજ રાજેશભાઇ પટેલના મકાનને કેમ ટાર્ગેટ બનાવ્યું તે અંગેની વિગતો મેળવવા પોલીસની જુદી જુદી ટીમને કાર્યરત કરવામાં આવ્યાનું ડીપીસી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.