જાન્યુઆરી માસથી લગ્નની મોસમ પુરબહારમાં ખીલશે: માર્ચ માસ સુધીમાં ૨૮ શુભમૂહર્તો
સામાન્ય રીતે દેવદિવાળી પછી લગ્નના મૂહુર્તોની શઆત થાય છે. પરંતુ લગ્નના મૂહૂર્તો જોવામાં જો ગુરૂ કે શુક્ર ગ્રહનો અસ્ત હોય તો તેટલા દિવસ લગ્ન કાર્ય માટે જયોતિષમાં નિષેધ કહેલા છે. તે ઉપરાંત ધનારક અને મીનારક અને હોળાષ્ટક મા પણ લગ્નના મૂહૂર્ત આવતા નથી.
આ વર્ષે સંવત ૨૦૭૫માં ગુરૂવારે તા.૧૫.૧૧.૧૮થી ગુરૂનો અસ્ત થશે જે તા. ૬-૧૨-૧૮ના દિવસે ઉદય થશે આમ ગુરૂના અસ્તના કારણે આ વર્ષે કારતક મહિનામાં લગ્નના એકપણ મૂહૂર્તો નથી જયારે માગશર મહિનામાં તા.૧૦.૧૨.૧૮, તા.૧૨.૧૨.૧૮ અને તા.૧૩.૧૨.૧૮ના લગ્નના મૂહૂર્તો છે. ત્યારબાદ કમુહર્તા એટલે કે ધનાર્કની શરૂઆત થશે જે તા. ૧૭-૧૨-૧૮થી ૧૪-૧-૧૯ સુધી કમુહર્તા રહેશે જેમાં પણ લગ્નના મૂહૂર્તો આપવામાં આવતા નથી.
કમુહર્તા પછી અને હોળાષ્ટક વચ્ચે તા.૧૪.૧.૧૯ થી ૧૩.૩.૧૯ સુધીમાં લગ્નના ૨૮ જેટલા મુહુર્તો છે. આમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગ્નની મોસમ ફુલ બહાર ખીલી ઉઠશે આજના જમાના પ્રમાણે લગ્નના મૂહૂર્તોનો આગ્રહ રવિવારે રાખતા હોય છે. રવિવારની તા. ૨૭-૧-૧૯, ૧૦-૨-૧૯, ૨૪-૨-૧૯, ૩-૩-૧૯ અને ૧૦-૩-૧૯ છે. આમ પાંચ જેટલા મૂહૂર્તો રવિવારે આવે છે.
લગ્નના મૂહૂર્તોની વિગત
* ડિસેમ્બરમાં તા. ૧૦-૧૨-૧૩ ત્રણ મૂહૂર્તો છે
* જાન્યુઆરી તા. ૧૭.૧૮,૧૯,૨૨,૨૩,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯, ૩૧ એમ બાર મૂહૂર્તો છે.
* ફેબ્રુઆરીમાં તા.૧,૮,૯,૧૦,૧૫,૧૯,૨૧,૨૨,૨૪,૨૫,૨૬એમ અગીયાર મૂહૂર્તો છે.
* માર્ચમાં તા.૩,૮,૯,૧૦,૧૩ એમ પાંચ મૂહૂર્તો છે.
આશરે ૬૦ દિવસના ગાળામાં તા.૧૪.૧.૧૯ થી તા.૧૩.૩.૧૯ સુધીમાં લગ્નના ૨૮ જેટલા મૂહૂર્તો હોવાનું શાસ્ત્રી રાજદિપ જોષી દ્વારા જણાવાયું છે.