- સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઇમાં આશ્ચર્યજનક માહિતી બહાર આવી: તબેલો બનાવવા 20 લાખ વપરાયા બાકીની 30 લાખ રકમ સરકારમાં પરત મોકલી
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010-11માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે રૂ. 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી રૂ. 20,10,522નો ખર્ચ થયેલો છે અને ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના અનુસાર રૂ. 30,54,478 તા. 25- 06- 2020ના જમા કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઈમાં આ પ્રકારનો જવાબ મળ્યો છે, જે કે રૂપિયા 20 લાખમાં માત્ર તબેલો જ તૈયાર થયો છે. અહીં કોઈ દિવસ અશ્વો કે ઘાસ કઈ પણ આવ્યુ નથી અને તેમનાં પર સંશોધન પણ થયું નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જો આ કેન્દ્રને યોગ્ય રીતે વિકસાવ્યું હોત તો આજે યુવાનો માટે હોર્સ રાઇડિંગનો ડિપ્લોમા કોર્ષ શરૂ થઈ શક્યો હોત. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઇમાં માહિતી સામે આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન માટે મળેલા પ્રોજેક્ટ અંતર્ગત કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી કેટલો ઉપયોગ થયો? તે બાબતની માહિતી માગી હતી જેનો જવાબ આવતા આશ્ચર્ય વચ્ચે રૂ. 50.65 લાખમાંથી રૂ. 20 લાખ જેટલો ખર્ચ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે
પરંતુ, અહીં માત્ર અશ્વોને રાખવા માટેનો તબેલો જ તૈયાર થઈ શક્યો છે. અહીં અત્યાર સુધી અશ્વો પણ આવ્યા નહીં અને સૌરાષ્ટ્રની ઓળખ ગણાતા કાઠીયાવાડી અશ્વો ઉપર સંશોધન પણ ન થયું. જોકે, તે વખતે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ઉપરોક્ત ગ્રાન્ટમાંથી વધતી રકમ પરત માંગવામાં આવી, જેથી રૂપિયા 50.65 લાખમાંથી વધતા રૂપિયા 30 લાખ જેટલી રકમ રાજ્ય સરકારમાં જમા કરાવવામાં આવી છે.