ભાજપ યુવા મોરચા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી નેહલ શુકલની ઉપસ્થિતિમાં શહેરના મેયર બંગલા ખાતે ભાજપ યુવા મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યો અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં યુવા મોરચા દ્વારા જિલ્લા અને મહાનગર સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ પાસે દેશ પ્રેમની વિચારાધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે. સ્પષ્ટ નીતિ અને અડિખમ સંકલ્પો છે. કર્મઠ અને નિષ્ઠાવાન યુવા કાર્યકર્તાઓની લાંબી હારમાળા છે.
આ તકે ડો.ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, આજે દેશમાં જાતિવાદના નામે સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આ પડકારો સામે ભારતીય જનતા પાર્ટી તમામ સમાજને સાથે જોડીને એક સામાજીક સમરસતાનું વાતાવરણ ઉભું કરવાનું કામ કરી રહી છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોની સમસ્યાઓને વાચા આપવામાં ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે અને પ્રજાના કાર્યો પૂર્ણ કરવા માટે ભાજપે હંમેશા તત્પરતા બતાવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ લોકો માટે ચાલતી પાર્ટી છે.
ભાજપ મંત્રી નેહલ શુકલએ ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપ સ્થાપના દિન સહિત આગામી કાર્યક્રમો જેવા કે તા.૧૪મીએ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિતે યુવા મોરચા દ્વારા જિલ્લા મથકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવો જેમાં પ્રત્યેક બુથમાંથી ૧૦થી વધુ યુવાનો જીલ્લાકક્ષાએ ભેગા થઈ મંદિરમાં સમુહ આરતી કરશે અને સમરસતા સંમેલન યોજશે ત્યારબાદ પોતાની સાથે લાવેલ ટીફીનનું ભોજન સૌ સાથે આરોગશે. તેમજ તા.૧૮મીએ સ્વચ્છતા દિન નિમિતે યુવા મોરચા દ્વારા દરેક મંડલમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું તા.૨૯મીએ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને વધુમાં વધુ યુવાનો સામુહિક રીતે સાંભળે તે માટે માહિતી અને વિષદ માર્ગદર્શન પુરુ પાડેલ હતું.
આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ડો.ઋત્વિજ પટેલ, કમલેશ મિરાણી, નેહલ શુકલે, સંચાલન શહેર યુવા મોરચા પ્રમુખ પ્રદિપ ડવે કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અગ્રણીઓ વિજયભાઈ ભગત, હાર્દિકસિંહ ડોડીયા, વિજયભાઈ બાંભણીયા, સત્યદિપસિંહ પરમાર, ઝુબીન આશરા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,