રાજકોટ શહેરની ભાગોળે અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસે. ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે.કુલ ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે.
રાજકોટ કલેકટર રેમ્યા મોહને કહયું હતું કે આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન – મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રી નું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલ કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે કહ્યું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-૧ નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહયું છે, જે ૨૦૨૨ ના વર્ષના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. હાલ ૩૦૪૦ મીટરના સિંગલ રન વે ની કામગીરી ૪૬ ટકા થઈ ગઈ છે.
કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઊંચી – નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.
પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ ૩૦૪૦ લંબાઈના વન વેમાં ૪૫ મીટર પહોળાઈ અને બંને છેડે ૧૦ મીટરનો સોલ્ડર અંદાજે ૬૦ મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર ૩૫૪ X ૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે, જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા થઇ ગયું છે.
એરપોર્ટ મથકની ફરતે બાઉંટ્રી વોલ ૨૭ કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિલોમીટરની રહેશે. જ્યાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં ૨૫૦ થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી ૧૩૦૦ થી વધુ મેન પાવર તેમજ ૧૦૦ થી વધુ ડમ્પર અને ૨૫૦ થી વધુ ડ્રાઇવર કામ કરી રહયા છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારી ચરણ સિંહ ગોહિલ પણ સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યા છે.