મોટી બાંધકામ સાઈટ ઉપર જઈને શ્રમિકોને ભોજન આપવા વિચારણા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહિલાઓને અપાશે રોજગારી
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પૂર્વે સરકાર વિવિધ વર્ગ માટે અનેક નવી યોજનાઓ શરૂ કરી રહી છે. તે સાથે નાના પાયે શરૂ કરવામાં આવેલી યોજનાઓને મોટાપાયે વિસ્તારવાનો નિર્ણય લઇને મહત્તમ લોકોને લાભ મળે તે માટે કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જુલાઇ માસમાં મહિલાઓ માટે મોટાપાયે હજારો મહિલાઓને રોજગારી મળે તે માટે ખાસ ભરતી મેળો યોજાશે.તો બાંધકામ શ્રમિકો માટે શરૂ કરાયેલી ભોજન યોજના આઠ જેટલા સ્થળ પર વિસ્તારાઈ છે અને તેમાં વધુ શ્રમિકોને સમાવાશે. આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
એકસાથે મોટા વર્ગને લાભ મળે તે બાબતને ધ્યાનમાં રાખીને સરકારના વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે. ટૂંક સમયમાં ઉદ્ઘાટન, લોન્ચિંગ અને ખાતમુહૂર્તના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે. શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, વિવિધ વર્ગની અને શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓને મોટાપાયે રોજગારી મળે તેવું આયોજન સરકાર કરી રહી છે. જુલાઇ માસમાં ૨૫,૦૦૦ જેટલી મહિલાઓનો મોટાપાયે ભરતી મેળો યોજવામાં આવશે. આ માટે અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે અને એકસાથે હજ્જારો મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય તે રીતે કંપનીઓને પણ એક જ સ્થળે બોલાવવામાં આવશે અને સીધી ભરતી કરાવવા સરકાર માધ્યમ બનશે. જેનાથી મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ પણ થશે.
આ ઉપરાંત મે મહિનાથી નાના પાયે શરૂ કરાયેલી બાંધકામ મજૂરો માટેની ૧૦ રૂપિયામાં અપાતી શ્રમિક અન્નપૂર્ણા ભોજન યોજનાને પણ વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. હાલ તેનો લાભ લેતા શ્રમિકોની સંખ્યા ૨૨,૭૦૦ પર પહોંચી છે. અમદાવાદમાં ૪૧ સ્થળ, સુરતમાં ૧૩, વડોદરામાં ૧૨, રાજકોટમાં ૮, ભાવનગરમાં ૪, ગાંધીનગર-કલોલમાં ૨ અને વલસાડમાં પણ કડિયાનાકા પર લાભ આપવાનું શરૂ કરાયું છે. શ્રમિકો દ્વારા જે સૂચન આવે તે મુજબ ભોજનમાં ફેરફાર કરાય છે. હાલ રોટલી ઘટાડીને ભાત આપવા સાથે વઘારેલા મરચા આપવાનું શરૂ કરાયું છે. રવિવારે પણ યોજનાનો લાભ ચાલુ કરાયો છે. જ્યાં મોટી બાંધકામ સાઇટ હોય અને લાંબો સમય કામ ચાલવાનું હોય ત્યાં જ જઇને મજૂરોને સીધું ભોજન આપવામાં આવે તે દિશામાં પણ વિભાગ દ્વારા વિચારણા કરાઇ રહી છે. મહિલા રોજગાર ભરતી મેળો અને શ્રમિકો માટેની યોજનાઓની સીએમ રૂપાણીના હસ્તે મોટાપાયે શરૂઆત કરવા તૈયારીઓઆરંભાઈ છે.